Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

પાણીના ભાવે ફળો અને શાકભાજી વેચવા મજબુર બનેલ ખેડુતો માટે સરકારે સહાનુભુતિપુર્વક વિચારવું જોઇએ-ડો. ભરત કાનાબાર

પરપ્રાંતિય મજુરોની પગપાળા હિજરત અને તેમની હાલાકી પર મીડીયાનું ધ્યાન કેન્દ્રિત છે ત્યારે શાક-ભાજી-ફળો ઉગાડતાં ખેેડુતોની અવદશા નજર અંદાજ થઇ રહી છે.

અમરેલી તા.૧૩ : કોરોનાને કારણે લોકડાઉનમાં શાકભાજી અને ફળોની અવર જવર પર આવેલ નિયંત્રણને કારણે, આ બધી વસ્તુઓની ખેતી કરતાં ખેડુતોને ભારે નુકશાન વેઠવાનો સમય આવ્યો છે. મોટા ભાગના શાકભાજી અને ફળોની જાળવણી શકય ન હોવાથી અને બહાર મોકલવાનું કઠીન હોવાથી જે તે સ્થાનિક બજારોમાં જ વેચવાની ફરજ પડે છે. ડીમાન્ડ કરતાં પણ વધુ પુરવઠો બજારમાં ઠલવાનો હોવાથી મોટા ભાગના ફળો અને શાકભાજી પાણીના ભાવે વેચાય રહ્યા છે.

આ પરિસ્થિતિનો સૌથી વધુ માર શેરડી પકવતા ખેડુતો પર પડયો છે. શેરડીની આ સીઝનમાં વધુ ઉપયોગ તેના રસના સિંચાડાઓમાં થતો હોય છે. અત્યારે તમામ સિંચોડા બંધ હોવાથી સામાન્ય રીતે આ સીઝનમાં ૧૦૦ થી ૧ર૦ રૂપિયા મણ વેચાતી શેરડી અત્યારે ૩૦ રૂપિયે મણની કિંમતે પણ કોઇ ખરીદનાર નથી. તરબુચ ઉગાડતાં ખેડુતો પર પણ આટલોજ મોટો માર પડયો છે. સામાન્ય રીતે આ સીઝનમાં ૩૦૦ રૂ. મણ વેચાતા તરબુચ પ૦% નીચેની કિંમતે રૂ. ૧પ૦ મણના ભાવે વેચાય છે. ટેટી પણ પાણીના ભાવે વેચાય, શાકભાજીની હાલત પણ આવી જ છે ૩૦ રૂ. વેચાતો ભીંડો ૧૦ રૂ. કિલો વેચાય રહ્યો છે. કોથમીર, મેથી વિગેરે મફતના ભાવે વેચાય છે.ે

ફળોના રાજા કેરીના ભાવોમાં પણ ખેડુતો આજ રીતે લુંટાશે તેવું લાગે છે. તાલાલામાં આજથી શરૂ થયેલ હરરાજીમાં પ૦% વેપારીઓ પણ આવ્યા ન હતા. અમદાવાદ, વડોદરા અને છેક મુંબઇ સુધી ડાયરેકટ ગ્રાહકોને કેરી મોકલવતાં ખેડુતોને બસો બંધ હોવાથી અહી સ્થાનિક બજારમાં માલ વેચવો પડશે. તાલાલાના આકોલ વાડી વિસ્તારના ખેડુતો પ્રતિવર્ષ, વડોદરા જઇ ર મહિના સુધી કેરીનો વેપાર કરેછે જે આ વખતે શકય નહિં બને અને તેમણે પણ પોતાનો માલ તાલાની માર્કેટમાં વેચવો પડશે.

આમ આ લોકડાઉનમાં ખેત પેદાશાોના ભાવ અતિશય ઘટેલા હોવાથી ખેડુતોના ભાગે મોટી નુકશાની આવી રહી છે.

સરકારે આ પરિસ્થિતિમાં ખેતી ખેડુતોને જીવતાં રાખવા, તેમને ઉદારતાથી સહાય કરવી જોઇએ. જયારે પણ સંતરા કે ચીકુનો ટોપલો માર્કેટમાંથી અતિ સસ્તા ભાવે ખરીદ કરી ખુબ ખુશ થતાં થતાં આપણે બહાર નીકળીએ છે ત્યારે યાદ રાખીએ કે આપણા આનંદ પાછળ હજારો ખેડુતોનો પરસેવો અને કાળી મજુરી પડેલ છે. સમગ્ર દેશ અને મીડીયાનું ધ્યાન જયારે પરપ્રાંતિ મજુરોની હાલાકી અને પીડાપર કેન્દ્રિત થયેલ છે ત્યારે શાકભાજી-ફળોનું ઉત્પાદન લેતાં ખેડુતોની અવદશા નજર અંદાજ થઇ રહી છે. અત્યારે શાકભાજીના ફેરીયાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યુંછે તે સમાચારો હેડલાઇનમાં છે પણ આ શાકભાજી અને ફળો જે ભાવે વેચાય છે તેમાં આ દેશના ખેડુતો લુંટાય રહ્યા છે. તે માટે સરકાર હમદર્દી દાખવે તેવી અપીલ ડો. ભરત કાનાબારે કરી છે.

(11:34 am IST)