Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

દ્વારકાના સલાયામાં કોરોના વિસ્‍ફોટઃ સામટા ૭ પોઝીટીવ

૧ર દિવસ પૂર્વે અજમેરથી આવેલા વ્‍યકિતનાં સંપર્કમાં આવ્‍યા બાદ સ્‍થાનિકોને પણ કોરોનાનો ચેપઃ કુલ ૧૧ કેસ

ખંભાળીયા, તા., ૧૩: દવભુમી દ્વારકા જિલ્લાના સલાયામાં એક સાથે કોરોનાના ૭ પોઝીટીવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે. પ્રાપ્ત માહીતી મુજબ ગઇકાલે દેવભુમી દ્વારકા જિલ્લામાંથી કોરોનાના શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા વ્‍યકિતઓના સેમ્‍પલો લઇને જામનગરની જી.જી. હોસ્‍પીટલમાં મોકલાયા હતા.જેમાં એક સાથે ૭ પોઝીટીવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે. અત્‍યાર સુધીમાં કોરોનાનાં ૧૧ કેસ નોંધાયા છે.

દેવભુમી દ્વારકા જિલ્લો લાંબા સમય સુધી કોરોના પોઝીટીવ મુકત રહેલો પરંતુ તંત્રના અધિકારીઓની આગમવાણી હતી કે જો બહારથી આવેલો પોઝીટીવ નીકળે તો કેસ થશે તેમ ગઇકાલે એક જ દિવસમાં અગાઉના ત્રણ પછી આઠ કેસ પોઝીટીવ નીકળતા નાનકડા દ્વારકા જિલ્લામાં હડકંપ  મચી ગયો છે.

દેવભુમી દ્વારકા જિલ્લામાં અગાઉ બેટ દ્વારકાના એક મહીલા અને પુરૂષ પોઝીટીવ નીકળેલા તે પછી તેમની સાથે જ અજમેર ગયેલી સલાયાની મુસ્‍લીમ પ્રૌઢા પોઝીટીવ નીકળી હતી જે પછી વેરાડ અને નાના આંબલાની બે પરીણીતા પોઝીટીવ નીકળેલી તે બન્ને દ્વારકા જીલ્લામાં કોરોના પોઝીટીવ ગણાયા નથી તે પછી ગઇકાલે બેટ દ્વારકાની પોઝીટીવ મહીલાની એક વર્ષની પુત્રી જે દ્વારકા સરકારી કોરોન્‍ટાઇનમાં હતી તે પોઝીટીવ નીકળતા કુલ સંખ્‍યા ૪ થઇ હતી જે પછી રાત્રે ૧ વાગ્‍યે રીપોર્ટ આવતા તેમાં ૭ કેસ પોઝીટીવ અને તમામ સગાવાલા જ નિકળતા તંત્રમાં એક સાથે સાત અને બપોરે એક એમ આઠ કેસ નોંધાતા હડકંપની સ્‍થિતિ થઇ ગઇ હતી.

સરકારી કોરોન્‍ટાઇનમાં જ હતા

જે સાત વ્‍યકિતઓ સલાયાના પોઝીટીવ નીકળયા છે તે તમામ ખંભાળીયા પાસે કુહાડીયાની સરકારી  આદર્શ નિવાસી શાળામાં જ આઠ દિવસથી કોરોન્‍ટાઇન હતા અને ગઇકાલે તેમના રીપોર્ટ કઢાવતા પોઝીટીવ નીકળ્‍યા!!!

રાત્રે જ તંત્ર એ વ્‍યવસ્‍થા કરી

રાત્રે ૧૨/૩૦ વાગ્‍યે જામનગર લેબોરેટરીમાંથી સાત વ્‍યકિત સલાયાના પોઝીટીવનો મેસેજ આવતા જ તંત્ર દોડયુ હતું તથા જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રિ ડો. પટેલ દ્વારા તેમની ટીમ  સાથે આ તમામ સાત  વ્‍યકિતઓ કે જે કુંહાડીયા કોરોન્‍ટાઇન હતા તેમને  ખંભાળીયાની સરકારી હોસ્‍પિટલમાં  સ્‍પેશ્‍યલ વોર્ડમાં રાખી દેવામાં આવ્‍યા હતા તથા તેમની  સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.

કુલ ૧૩૦ રિપોર્ટમાંથી આઠ પોઝીટીવ

 દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧ દિવસમાં ૫૦ અને બીજા દિવસે ૮૦ એમ ૧૩૦ સેમ્‍પલ જામનગર મોકલાયા હતા જેમાં ૮ પોઝીટીવ આવ્‍યા. જેમા સાત સલાયા ૧ બેટ દ્વારકા, આમ અત્‍યારે જીલ્લાનો કુલ પોઝીટીવ દર્દીનો આંકડો ૧૧  થયો છે. ૧ જામનગરમાં સારવારમાં છે.  તે સહિત ૧૨ થાય છે.

અજમેરથી આવેલ મહિલાના સંપર્કમાં ચેપ ફેલાયા

અજમેર ૪૨ દિવસ  રોકાયને ત્‍યાના હોટસ્‍પોટ સેન્‍ટરમાંથી આવેલા આ મહિલા સહિત ૨ વ્‍યકિતઓને  ત્‍યાંથી આવ્‍યા પછી હોમ કોરોન્‍ટાઇન કરાયા હતા. તથા  મુસ્‍લિમ રિવાજ પ્રમાણે  અહી લોકો પગે લાગે , હાથ ચુમવાનો શીષ્‍ટાચાર હોય છે. આ રોગ એનાથી વધુ ફેલાયાનો અનુમાન  કરાય છે તો આ અજમેરથી સલાયા આવનાર બે વ્‍યકિતઓના સંપર્કમાં ૭૬ જેટલી વ્‍યકિતઓ આવેલી જે તમામના સેમ્‍પલ લઈને ટેસ્‍ટ કરવાની કાર્યવાહી ગઈકાલથી જ આરોગ્‍ય તંત્રએ શરૂ કરીને પ્રથમ જ દિને સલાયામાંથી સાત કેસ પોઝીટીવ નિકળ્‍યા !!

સરકારી કોરોન્‍ટાઈન હોય સંક્રમણ ઓછું થયું

કોરોના પોઝીટીવ સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ જણાવેલ હતુ કે આ તમામ વ્‍યકિતઓ જે અજમેરથી આવેલી મહિલા પોઝીટીવ નિકળી તેના નજીકના લોકો હતા તથા તેની સાથે વધુ સંપર્ક હતો તે તમામને ૧-૫થી જ સરકારી કોરોન્‍ટાઈનમા દેખરેખ હેઠળ રાખવામાં આવેલા તથા ગઈકાલે તેમના રીપોર્ટ કરાયેલા પણ તેમા પોઝીટીવ નિકળ્‍યા છે. આ તમામને ૧૨ દિવસથી સરકારી કોરોન્‍ટાઈનમાં જ રખાયા છે તથા સતત મેડીકલ તપાસ થાય છે જેથી પણ સંક્રમણ ઓછુ થયું છે.

તમામ કોરોના લક્ષણો વિનાના છે !!

જો કે નવાઈની વાત છે કે જે સાત વ્‍યકિતઓને આ પોઝીટીવ નિકળ્‍યા છે તે તમામ લક્ષણો વગરના છે. કોરોનાથી જે લક્ષણો થાય તાવ, શરદી, ઉધરસ, છીંકો આવવી તે એક પણ લક્ષણ આ સાતેયમાં ન હોતા તથા અગાઉ પણ જે બેટ દ્વારકાના બે તથા સલાયાની મહિલાને કોરોના પોઝીટીવ નિકળ્‍યો તે પણ લક્ષણો વગરના જ હતા !!

લક્ષણો વગરનાના ટેસ્‍ટની સરકાર ના કહે છે !!

જો કે નવાઈની વાત એ છે કે સરકારની આરોગ્‍ય વિભાગની નવી ગાઈડ લાઈન મુજબ કોરોનાના લક્ષણો ના હોય તો ટેસ્‍ટ પણ ના કરાવવાનો પરંતુ દ્વારકા જિલ્લાના અધિકારીઓએ મહિલાના નજીકના સંબંધીઓનો ટેસ્‍ટ લક્ષણો ના હોવા છતાં પણ કરાવતા જિલ્લા તંત્રને ફાયદો થયો અને આ સાત કેસ પોઝીટીવ નીકળ્‍યા તેથી તંત્ર ને રોગ ફેલાતો અટકાવવામાં રાહત થઇ

સાથે રહેવાસીઓમાં ભય

સરકારી કવોરેન્‍ટાઇન સેંદર કુહાડીયા આદર્શ નિવાસી શાળામાં ૧-પ થી રહેતા આ સાત વ્‍યકિતઓના રીપોર્ટ કોરોના પોઝીટીવ નીકળતા ત્‍યાં કોમન સંડાસ બાથરૂમ હોય તેમની સાથે જ દિવસોથી રહેતા લોકોમાં પણ ભારે ભય ફેલાયો છે.

બેટ દ્વારકાની બાળકીનું  ત્રીજુ ટેસ્‍ટીંગ પોઝીટીવ

દેવભૂમિ દ્વારકાની જે મહીલાને પોઝીટીવ નીકળેલો તથા તેની એક વર્ષની પુત્રીને પણ ગઇકાલે પોઝીટીવ નીકળ્‍યો હતો. તપાસની વાત છે કે આ મહીલાને પોઝીટીવ નીકળતા જ તેના પતિ તથા પુત્રી વિ. ના ટેસ્‍ટીંગ બે વખત થયા હતા જેમાં નેગેટીવ આવ્‍યો હતો અને ત્રીજા રીપોર્ટમાં પોઝીટીવ આવ્‍યો હતો તેથી આ અંગે પણ આરોગ્‍ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

જે સાત કેસ સલાયાના પોઝીટીવ નીકળ્‍યા તેમાં ચારસ્ત્રીઓ તથા ત્રણ પુરૂષો છે. અગાઉના ચાર રીપોર્ટમાં પણ ત્રણ મહીલા અને એક પુરૂષ છે જેથી કુલ ૭સ્ત્રીઓ તથા ચાર પુરુષ પોઝીટીવના છે.

તંત્ર વધુ કડક થયું

ર૪ કલાકમાં આઠ કેસ નીકળતા આરોગ્‍ય વિભાગ દ્વારા બેટ દ્વારકા તથા સલાયામાં મેડીકલ તપાસની વધુ કામગીરી શરૂ કરી છે. તો પોલીસ તંત્ર દ્વારા પણ કડક ચેરીંગ લોકડાઉન કંટેન્‍ટન્‍મેટ ઝોનનાં ચુસ્‍ત અમલ  શરૂ કર્યો છે તથા સખત કાર્યવાહી પણ શરૂ થઇ છે.

સલાયામાં સોંપો પડી ગયો !!

નાનકડા સલાયા ગામમાં અગાઉ એક મહીલા પોઝીટીવ નીકળવાની ખબર પડતા જ આખું ગામ સ્‍વયંભૂ બંધ થઇ ગયું હતું તેમાં આજે એક સાથે સાત કેસ પોઝીટીવ નીકળતા સલાયામાં સોંપો પડી ગયો છે તથા લોકોમાં પણ ભયનું વાતાવરણ છવાઇ ગયું છે.

જેમાં દિલ્‍હીમાં તબલીગ જમાતને કારણે અનેક વિસ્‍તારોમાં વ્‍યાપક પોઝીટીવ થયા છે તેમ જાણે દ્વારા જિલ્લામાં પણ અજમેરથી આવેલા વ્‍યકિતઓ તબલીગ સમાન સાબિત થયા હોય તેમ જિલ્લામાં ૧૧ કેસ છે તે તમામ અજમેરથી આવેલા વ્‍યકિતઓ તથા તેમનાથી સંક્રમિત થયેલા જ છે. !!

(11:33 am IST)