Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

મહામારી વચ્ચે આધુનિક બુંગીયો દરરોજ ગામને સૂચના આપે છે

સંપર્કની આગવી પ્રણાલી વિકસાવતું સાંજણાસર ગામ : એક સ્થળેથી અપાતી સૂચનાઓ ક્ષણભરમાં સમગ્ર ગામમાં પહોંચી જાય તેવું આયોજન : આજથી ગામમાં અનાજ વિતરણ

અમદાવાદ,તા.૧૨ :  કાલથી ગામમા સરકાર દ્વારા અનાજ વિતરણ થવાનું છે, જેથી સર્વ ગ્રામજનોને વિનંતી કે જેમના રાશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ઝીરો અથવા એક છે તેમણે કાલે મોં પર માસ્ક પહેરી સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં સસ્તા અનાજની દુકાને આવવું . સર્વે ખેડૂત ભાઈઓને જણાવવાનું કે પીજીવીસીએલ દ્વારા કાલ રાત્રે ૯ થી ૧ વાગ્યા સુધી વીજકાપ જાહેર કરવામા આવેલ છે જેથી રાત્રે પાણી વાળવા જતા ખેડૂતો આ બાબત ખાસ ધ્યાને લેવી . સર્વે માલધારી મિત્રોને જણાવવાનું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા નીચાણવાળો વિસ્તાર પ્રતિબંધીત જાહેર કરાયો છે જેથી તે વિસ્તારમાં પોતાના માલ-ઢોર ચરાવવા જવું નહી . આ પ્રકારની અને આવી તો કંઈક કેટલીયે લોકોપયોગી સૂચનાઓ આપે છે પાલીતાણાના સાંજણાસરના ગ્રામજનોએ વિકસાવેલો આધુનિક બુંગીયો.

       પહેલાના જમાનામાં કોઈ અગત્યની સૂચના આપવા ગામની મધ્યમાં ઢોલ વગાડી લોકોને તેની જાણ કરવામાં આવતી જેને બુંગીયો ઢોલ કહેવામાં આવતો. આધુનિકતા ઉમેરી ઉભી કરાયેલી કંઈક આવીજ વ્યવસ્થા આજ સાંજણાસરના ગ્રામજનો માટે આશીર્વાદરૃપ સાબિત થઈ રહી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના સાંજણાસર ગામે સુચનાના આદાન-પ્રદાનની તેમજ જનસંપર્કની જે વ્યવસ્થા ઊભી કરાઇ છે તે ભારતભરમાં પ્રેરણાદાયી બની શકે તેમ કહેવામાં લગીરે અતિશ્યોક્તિ નથી. આ ગામમાં સરકાર દ્વારા ફાળવાયેલા ૭૦ હજાર તેમજ લોકફાળાના ૪૦ હજાર એમ કુલ ૧.૧૦ હજારના ખર્ચે જનસંપર્કની એક આધુનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર ગામને આવરી લે તે રીતે ગામના દરેક ચોકમાં ૧૨ જેટલા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયત કચેરીએથી માઈક વડે અપાતી લોકોપયોગી સૂચનાઓ કે કોઈ અગત્યનો સંદેશો આ ૧૨ લાઉડ સ્પીકર મારફત એક સાથે એક જ ક્ષણે ગામના તમામ લોકો સુધી પહોંચી જાય છે.

(9:24 am IST)