Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સંતોની બેઠક પર દેવપક્ષનો વિજય થતાં ઉજવણી કરાઈ

રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ ચૂંટણી પરિણામો જાહેર : પાર્ષદ વિભાગમાં ભગતનો વિજય થયો : પરિણામને લઇ હજારો હરિભકતોમાં ભારે ઉત્સાહ-ખુશીના દ્રશ્યો દેખાયા

અમદાવાદ,તા. ૧૩ : જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા, જેમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને પાર્ષદ વિભાગમાં ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો ૫૫૬ મતે વિજય થયો હતો, જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો ૯૯ મતે વિજય થયો હતો. પાર્ષદ વિભાગમાં કુલ ૧૩૨ મતમાંથી ૨ મત રદ થયા અને સંત વિભાગમાં ૫૫૬ મતમાંથી ૧ મત રદ કરવામાં આવ્યો હતો. આજના પરિણામોને લઇ હજારો હરિભકતોમાં ભારે ઉત્સાહ અને ખુશીના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો હારનાર પક્ષના હરિભકતોમાં કયાંક નિરાશાની લાગણી છવાઇ હતી. જૂનાગઢના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી ગઇકાલે ભારે ઉત્સાહ અને રસાકસીભર્યા વાતાવરણમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. રાધારમણ દેવ વહીવટી સમિતિની કુલ સાત બેઠકોની યોજાયેલી ચૂંટણીના મતદાન દરમ્યાન મતદારોના ભારે ધસારા દરમ્યાન એક તબક્કે પોલીસ અને મતદારો વચ્ચે ઘર્ષણ અને ધક્કામુક્કીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જો કે, સાંજે છેલ્લી ઘડીના મતદાન દરમ્યાન એક તબક્કે ચૂંટણીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો, ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામેન સહિતના મીડિયાકર્મીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જની ઘટના ઘટતાં વિવાદ ગરમાયો હતો. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયભરના પત્રકાર આલમમાં પોલીસના અમાનવીય અને શરમજનક કૃત્યને લઇ ઉગ્ર આક્રોશ તો, આમજનતામાં પોલીસની પત્રકારો પરની ગુંડાગીરીને લઇ ફિટકારની લાગણી વરસી હતી. પ્રતિષ્ઠાભરી એવી આ ચૂંટણીની મતગણતરી આજે સોમવારે હાથ ધરાઇ હતી. જો કે, વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતાં મતગણતરી પોણો કલાક મોડી શરૂ થઈ હતી.  નોંધનીય છે કે, રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની આ ચૂંટણી સીધી જ ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ યોજાઈ હતી. વહીવટી સમિતીની કુલ બેઠકો ૭ છે. જેમાં ગૃહસ્થ વિભાગની ૪ બેઠકો માટે ૧૪, સંત વિભાગની ૨ બેઠકો માટે ૫ અને પાર્ષદ વિભાગની ૧ બેઠક માટે ૫ ઉમેદવારો મેદાનમાં હતા. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચાર બેઠક પર દેવ પક્ષ અને આચાર્ય પક્ષની પેનલના ચાર-ચાર ઉમેદવાર હતા. જ્યારે ૬ અપક્ષ ઉમેદવાર મળી ગૃહસ્થ વિભાગમાં ૧૪ ઉમેદવાર હતા, તેમજ પાર્ષદ વિભાગની એક બેઠક માટે બન્ને પક્ષના એક એક તથા ત્રણ અપક્ષ મળી કુલ પાંચ ઉમેદવાર હતા. જ્યારે સાધુ વિભાગની બે બેઠક માટે બન્ને પક્ષના બે-બે ઉમેદવાર તથા એક અપક્ષ મળીને પાંચ ઉમેદવાર હતા. આજે જાહેર થયેલા પરિણામોમાં સંતોની બંને બેઠક પર દેવ પક્ષનો વિજય થયો છે અને પાર્ષદ વિભાગમાં ભગતનો વિજય થયો છે. દેવપક્ષના દેવનંદન સ્વામીનો ૫૫૬ મતે વિજય થયો હતો, જ્યારે આચાર્યપક્ષના પાર્ષદ વિભાગના ઉમેદવાર ન્યાલકરણ ભગતનો ૯૯ મતે વિજય થયો હતો.

(9:08 pm IST)