Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બાબરાના ખાતર ડેપોમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ : ૧૦૦ થી ૫૦૦ ગ્રામ ખાતર ઓછું

 બાબરા તા. ૧૩ : બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી શહેરમાં આવેલ ખાતરના અલગ અલગ ડેપોમાં જનતા રેડ કરવામાં આવી હતી. જોકે અમુક ડેપોના માલિકને જાણ થતાં તેઓ ડેપો બંધ કરી ને ચાલ્યા ગયા હતા કોંગ્રેસની આ જનતા રેડમાં મોટાભાગના ડેપોમાં રાસાયણિક ખાતરની થેલી ઓમાં ઓછું વજન ધ્યાનમાં આવતા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો ચોંકી ઉઠ્યા હતા.

બાબરા તાલુકા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળની આગેવાની હેઠળ, વિનુભાઈ કરકર, અરવિંદભાઈ મેવાડા, ઈકબાલભાઈ ગોગદા, રહીમભાઈ અજમેરી સહિતના નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને આગેવાનો તેમજ સ્થાનિક ખેડૂત દ્વારા શહેરમાં યાર્ડ નજીક આવેલ સરકારી ખાતરનો ડેપો અને અન્ય સરકારી માન્ય ખાનગી ડેપોમાં જનતા રેડ કરી ખાતરની થેલીઓનું જાત નિરક્ષર વજન કરાવ્યું હતું.

રાજયભરમાં રાસાયણિક ખાતરમાં ઘટાડો જોવા મળતા ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવામાં આવી રહ્યો છે અને ખાતરની થેલીમાં પૂરતો વજન ભરી ખેડૂતો ખાતર આપવામાં અને ખેડૂતોને લૂંટવાનું બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ત્યારે બાબરા તાલુકા કોંગ્રેસ દ્વારા શહેરમાં આવેલ સરકારી તેમજ સરકાર માન્ય ખાનગી ખાતરના ડેપોમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા જાત નિરીક્ષણ કરી ખાતરની થેલીનું વજન કરતા સરેરાશ ૧૦૦ગ્રામથી ૫૦૦ ગ્રામ સુધીનો ખાતર નો ઘટાડો નોંધાયો હતો.

ત્યારે તાલુકા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા જણાવ્યું હતું કે રાજય સરકારની આ નિષ્ફળતાનો ઉત્તમ નમૂનો છે. અગાઉ મગફળી કાંડ, તુવેર કાંડ અને હવે ખાતર કાંડ હવે કયું કાંડ કરવાની પેરવીમાં છે. સરકાર તેવો આક્ષેપ કરી તાત્કાલિક અસરથી ખેડૂતોને પૂરતું વજનવાળું ખાતર મળે તેવી માંગ કરવામાં આવી હતી.

કોંગ્રેસ અને ખેડૂતોની ખાતરના ડેપોમાં તપાસના કારણે અન્ય ખાતરના ડેપો બંધ જોવા મળ્યા હતા.

(3:44 pm IST)