Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સુરેન્દ્રનગરમાં વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારનાં ૪ ડાયરેકટરો-૩ કર્મચારી સામે રૂ.૮૮.૪૭ લાખની છેતરપીંડીની ફરિયાદ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ, તા.૧૩: વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર કંપનીમાં વધુ વ્યાજથી લાલચે અનેકોએ રોકાણ કર્યુ હતુ. પરંતુ કંપનીના સંચાલકો અને ડાયરેકટરો નાણા લઇ છૂમંતર થઇ જતાં અનેક રજૂઆત અને ફરિયાદો બાદ આખરે સીઆઇડી ક્રાઇમમાં કંપનીના ડાયરેકટરો અને સંચાલકો સહિત ૭ શખ્સો સામે ગુનો દાખલ થયો છે. જેમાં ૮૮,૪૭,૭૦૦ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.

વર્ષ ૨૦૧૨માં શરૂ થયેલી વિશ્વામિત્ર કંપનીએ ૨૦૧૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં પદાર્પણ કર્યુ હતુ. સુરેન્દ્રનગર ઉપરાંત રતનપર, થાન, હળવદ, ચોટીલા, સાયલા, લખતર જેવા શહેરોમાં ઓફિસો ખોલી હિન્દી ભાષી સંચાલકો દ્વારા જિલ્લામાં ૬૦૦થી વધુ એજન્ટો બનાવાયા હતા. બેંક અને પોસ્ટ કરતા વધુ વ્યાજ મળવાની લાલચમાં રોકાણકારોના ૮૮,૪૭,૭૦૦થી વધુ રૂપીયા લઇ કંપનીની ઓફિસોને તાળા લાગી જતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

આ બનાવની અનેક રજૂઆતો અને પોલીસ મથકે અરજીઓ થયા બાદ સીઆઇડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો છે. જેમાં વિશ્વામિત્ર ઇન્ટરનેશનલ ઇન્ફ્રા લીમીટેડ, વિશ્વામિત્ર સોશીયલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ અને વિશ્વામિત્ર પ્રોડયુસર કંપની લીમીટેડના નામે દૈનિક, માસીક, વાર્ષિક રિકરીંગ તથા વાર્ષિક એફડી અને ડીબેન્ચર બહાર પાડી લોકો પાસેથી નાણા લેવામાં આવતા હતા. આ બનાવનો માસ્ટર માઇન્ડ અને ગુજરાતનો હેડ અરૂણાંશુ નંદી પહેલા સહારા ઇન્ડિયામાં હતો. બાદમાં આ કંપનીમાં આવી લોકોને છેતરવાનું કામ કરતો હતો. આ બનાવની વધુ તપાસ સીઆઇડી ક્રાઇમના પીઆઇ આર.બી.ધીયડ ચલાવી રહ્યા છે.

વિશ્વામિત્ર કંપનીના સંચાલકો હિન્દી ભાષી હતા. આથી તેઓએ સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૦૦થી વધુ એજન્ટો બનાવ્યા હતા. આ એજન્ટો જે લોકોને નાણાની જરૂર હોય તેને સમજાવી રોકાણ કરાવતા હતા. જેમાં તેઓને ૩ ટકા કમીશન પણ મળતુ હતુ. વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર દ્વારા અલગ-અલગ સ્કીમો બહાર પાડવામાં આવી હતી. જેમાં છેલ્લા ડીબેંચર રોકાણકારો સમક્ષ લવાયા હતા. જેમાં અમોએ સરકારમાં ૧૦ હજાર કરોડ ભર્યા છે આથી અમે ૧૦ હજાર કરોડ સુધી રોકાણકારો પાસેથી લઇ શકીએ તેમ કહી લોકોને છેતરતા હતા.

સામાન્ય રીતે બેંકો અને પોસ્ટ ઓફિસમાં વ્યાજનો દર ૬ થી ૭ ટકાની આસપાસ હોય છે. ત્યારે વિશ્વામિત્ર કંપની દ્વારા વાર્ષિક ૧૨ ટકાના વ્યાજની લાલચ આપી રોકાણકારોને વધુ વ્યાજની લાલચ અપાતી હતી.

કોની કોની સામે ગુનો નોંધાયો

મનોજકુમાર લક્ષ્મીચંદ, ચીફ એમડી -મનીલકુમાર લક્ષ્મીચંદ, ડાયરેકટર - બંદના મનોજકુમાર, ડાયરેકટર - હરી ગોવીંદસીંઘ, ડાયરેકટર - અરૂણાંશુ ગોવિંદરામ નંદી, ગુજરાતના મુખ્ય સંચાલક - અનિલકુમાર સીંઘ, સંચાલક - તિવારીજી, સંચાલક કંપનીના ડાયરેકટરો આસામમાં ચાના બગીચા અને ટીવી ચેનલના નામે રોકાણકારોને પૈસા રોકવામાં આવનાર હોવાનું કહેવાતું હતુ.  બાપ-દાદાએ ભેગી કરેલી રકમ રૂપિયા ૯,૨૫,૦૦૦નું કંપનીમાં વાર્ષિક ૧૨ ટકાના દરે રોકાણ કર્યુ હતુ. કંપની બંધ થઇ જતા એક ઝાટકે વર્ષોની કમાણી જતી રહી હતી. તેમ ગ્રાહકે જણાવ્યુ હતું.

(3:43 pm IST)