Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કેશોદમાં તુવેર ખરીદીમાં ભેળ-સેળ કરનાર વધુ એક શખ્સ ઝડપાયો

જુનાગઢ, તા.૧૩: નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ-૨ નાગરીક પુરવઠા નિગમ કચેરી જુનાગઢના અધિકારી નાથાભાઇ ખીમાભાઇ મોરીએ કેશોદ પો.સ્ટે.માં તુવેર ખરીદીમાં ગેરરીતી કરી ભેળસેળ કરનારા જે.બી.દેસાઇ સહિત ૭ શખ્સ વિરૂધ્ધ ફરીયાદ લખાવતા આ ગુન્હાની તપાસ ઉંડાણપુર્વક કરવા માટે આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી જુનાગઢ રેન્જ તથા એસ.પી. સૌરભસિંઘ જુનાગઢના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ અમોને સોંપતા આ કેસમાં અગાઉ બે આરોપીને અટક કરેલ હતી જેઓ હાલ જેલ હવાલે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે, આ ગુન્હામાં નાસતો-ફરતો આરોપી જયેશ લખમણ ભારથી બાવાજી (રે.કેશોદ ગાંધીનગર સોસાયટી વાળો પોતાના ઘરે આવેલ હોય જેથી તેના ઘરે ઝડતી તપાસ કરતા આરોપી મળી આવેલ અને મજકૂર આરોપીને ગુન્હાના કામે આજરોજ તા.૧૧/૫/૧૯ ના કલાક-૧૧/૪૦ વાગ્યે ધોરણસર અટક કરેલ અને મજકૂરે તુવેરમાં ભેળસેળ કરવા અને મજુરો દ્વારા તોલ-માપ કરાવી આપવા અંગેના નાણા પોતાને રોકડ રૂપિયા-૨૩,૦૦૦/- મળેલ હોવાનુ કબુલાત કરતા તેના ઘરેથી કબ્જે કરેલ છે. અને આ આરોપીએ અગાઉ નામદાર સેશન્સ કોર્ટ કેશોદમાં આગોતરા જામીન મળવા અરજી કરેલ હતી. જે અરજી ગઇ કાલે નામદાર કોર્ટે નામંજુર કરેલ છે. આ આરોપીની પુછ-પરછ દરમ્યાન પોતે મજુરો પુરા પાડવા મુકદમા તરીકેનુ કામ કરતો અને દાત્રાણા ગામના ભરત પરસોતમ વઘાસીયાએ ત્રણ ટેમ્પામાં નબળી અને હલ્કી ગુણવત્તાવાળી તુવેર લઇ આવેલ જે પોતે ફૈજલ મોગલના કહેવા મુજબ કામ કરેલ હતુ. અને પોતે મજુરોને મજુરીના પૈસા ચુકવતા કુલ ચોખ્ખા રૂપિયા-૨૩,૦૦૦/- મળેલ છે. આમ આ આરોપીએ હલ્કી ગુણવત્તાવાળી તુવેર સારી ગુણવત્તાવાળી તુવેરમાં અન્ય આરોપીના કહેવાથી તોલ-માપ કરતી વખતે ભેળસેળ કરેલ છે. અને આ કેસમાં આ આરોપીની સઘન પુછ-પરછ ચાલુ છે તથા બીજા નાસતા-ફરતા ચાર આરોપીઓને પકડવા તજવીજ ચાલુ છે.

(3:41 pm IST)