Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજકોટ જીલ્લામાં માવઠા બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય બફારો

સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમી વધીઃ બપોરે ધોમધખતો તાપ

રાજકોટ, તા., ૧૩: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે બપોરના સમયે બફારાનો અનુભવ થઇ રહયો છે.

વહેલી સવારના સમયે ધુપ-છાંવનો અનુભવ થાય છે. જો કે જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ વાદળા અદ્રશ્ય થઇ જાય છે.

ગઇકાલે રાજકોટ જીલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ, રાજકોટ હાઇવે, કોટડા સાંગાણી, સરધાર, હલેન્ડા સહીતના વિસ્તારોમાં કમોસમી વરસાદ કરા સાથે પડયા બાદ સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ છવાયેલો છે.

રાજકોટમાં આજે દિવસભર અસહ્ય બફારો થયો હતો ત્યારે સમી સાંજે રાજકોટ નજીકના સરધારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે  પવન સાથે વરસાદી ઝાપટા પડયા હતા જયારે જસદણ તાલુકાના કનેસરા, વિરનગર, બળધોઇ, શાંતીનગર સહીતના પંથકમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તોફાની પવન સાથે કરાનો કમોસમી વરસાદ પડયો હતો.

જસદણ

જસદણઃ વીંછીયા પંથકમાં રવિવારે સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. સાંજે સાડા ચાર કલાકે સુર્ય નારાયણ દેવ અચાનક અલોપ થતા અંધકાર છવાયો હતો ત્યાર બાદ જસદણમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડી જતા રોડ રસ્તાઓ ભીંજાય ગયા હતા.

તાલુકાના કનેસરા, વિરનગર, બળધોઇ, શાંતીનગર સહીતના પંથકમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલ્ટો આવ્યો હતો. તોફાની પવન સાથે કરાનો કમૌસમી વરસાદ પડયો હતો.

કોટડા સાંગાણી

બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ઘેઘુર વાદળો સાથે કમોસમી અડધો ઇંચ વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

હવામાન વિભાગની આગાહી કોટડા સાંગાણી વિસ્તારમાં સાચી પડવા પામી હતી અને બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો ચોમાસાના માફક ઘેઘુર વાદળો ઘેરાયા હતા. પ.૩૦ વાગ્યાના અરસામાં કોટડા સાંગાણી તેમજ આસપાસના ગામડાઓ ભાડવા, રાજપરા, ખરેડા, સોળીયા, રાજગઢ સહીતમાં વાવાઝોડા અને કરા ધોધમાર અડધા ઇંચ વરસાદ ખાબકતા લોકોને ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ રાજપરામાં વાવાઝોડાના કારણે એક વાડીની પીઢીયા પાપડાની ફોલ્ડીંગ દિવાલ પડી ગઇ અને બાવળો પણ પડી જવા પામ્યા હતા.

જામનગર

જામનગરઃઆજનું હવામાન ૩૬.પ મહતમ ર૬ લઘુતમ ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર.૬ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

(3:31 pm IST)