Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જુનાગઢમાં પત્રકારો ઉપર લાઠીચાર્જ કરનારા જવાબદાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગ

 જુનાગઢ, તા., ૧૩: રાધારમણ દેવ વહીવટી કમીટીની ચુંટણી દરમ્યાન જુનાગઢમાં પત્રકારો પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં મિડીયા કર્મીઓએ રાત્રે એસપી કચેરીએ ધરણા જારી રાખીને આક્રોશ વ્યકત કર્યો હતો.

રવિવારે રાધારમણ દેવ વહીવટી સમીતીની ચુંટણીના કવરેજ દરમ્યાન પત્રકારોને અટકાવી ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર પોલીસ કર્મીઓ પર લાઠી વીંઝી હતી અને તેની લાઇવ કીટને નુકશાન પહોંચાડયું  હતું.

આ બનાવના પગલે સ્થળ પર દોડી ગયેલા એસપી સૌરભસિંઘ સમક્ષ પત્રકારોએ ઉગ્ર રજુઆત કરી હતી. જેના સંદર્ભમાં સૌરભસિંઘે તપાસ  કરીને કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

પરંતુ મીડીયા કર્મીઓને એસપીના જવાબથી સંતોષ નહિ થતા ગઇકાલે સાંજે મીડીયા કર્મીઓ એસપી કચેરી ખાતે જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ધરણા ઉપર બેસી ગયા હતા.

રાત્રે પણ મિડીયાકર્મીઓએ એસપી કચેરીએ પડાવ કરીને ધરણા જારી રાખ્યા હતા અને જયાં સુધી જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહી આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

બીજી તરફ એસપી સૌરભસિંઘે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ગઇકાલની ઘટના અંગે કોઇ પ્રકારની પોલીસ ફરીયાદ કરવામાં આવી નથી. આમ છતાં લાઠી ચાર્જ શા માટે કરાયો અને કંઇ સ્થિતિમાં કરવામાં આવ્યો તેના સાચા કારણો મેળવવા માટે માંગરોળ એએસપી રવી તેજા વાસમ શેટ્ટીને તપાસ સોંપવામાં આવી છે.

(11:02 am IST)