Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

જામનગર જી.જી. હોસ્પિટલમાં કોરોનાથી દર્દીઓના ટપોટપ મોત

છેલ્લા બે દિવસથી ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ : ખાટલા ખૂટી પડયા : સત્તાવાર મૃત્યુનો આંકડો 'ઝીરો' બતાવાય છે ?

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે વકરી રહી છે ત્યારે જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની આવકથી ખાટલા ખૂટી પડ્યા છે. અને સ્થિતિ ખૂબ જ વણસી રહી છે ત્યારે અનેક કોરોના પોઝિટિવ દર્દીઓના ટપોટપ મોત થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ આ અંગે કોઈ તંત્ર તરફથી બહાર પાડવામાં આવતા બુલેટિનમાં સત્તાવાર કોરોનાથી મૃત્યુનો આંકડો ઝીરો દેખાડવામાં આવી રહ્યો છે.

જયારે અત્યારસુધીમાં કોરોનાથી જામનગર શહેરમાં કુલ ૨૨ અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૬ મોત થયાનું દર્શાવવામાં આવી રહ્યું છે. જામનગરમાં છેલ્લા બે દિવસથી ૩૦૦થી વધુ પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે ૪૮ કલાકમાં અનેક દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાનું સામે આવી રહ્યું છે. દર કલાકમાં અનેક દર્દીઓના મૃતદેહોને બહાર પી.પી.ઇ કિટમાં લાવવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક પણ વધી રહ્યો છે. જામનગર જિલ્લા ઉપરાંત મોરબી રાજકોટ પોરબંદર દ્વારકા ખંભાળિયા સહિતના જુદા જુદા જીલ્લાઓમાંથી પણ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો જી.જી. હોસ્પિટલમાં ફાટી રહ્યો રહ્યો છે. ત્યારે ૧૩૦૦થી વધુ દર્દીઓ હાલ ઉમટી પડતા જી.જી.હોસ્પિટલના ચારેય કોવિડ વિભાગ પણ ફૂલ થઈ ચૂકયા છે.(તસ્વીર : કિંજલ કારસરીયા)

(12:45 pm IST)