Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

બ્લાકસ્ટ થતાં આસપાસના દસ કિ.મી. સુધી અવાજ સંભળાયોઃ પતરા દૂર સુધી ઉડ્યાઃ પીપરડી સહિતના વિસ્તારમાં વિજળી ગૂલ

બામણબોરથી બાબુલાલ ડાભીના જણાવ્યા મુજબ બોઇલર ફાટતાં ધડાકો એવડો મોટો હતો કે પીપરડી, ખેરવા તથા આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભારે ભયનો માહોલ છવાઇ ગયો હતો. દસેક કિલોમીટરના એરિયામાં ધડાકો સંભળાયો હતો. લોકોને ધરતીકંપ થયાનો અથવા તો બોમ્બ બ્લાસ્ટ થયાનો અનુભવ થયો હતો. બાબુલાલના કહેવા મુજબ પતરા ફેકટરીમાંથી ઉડીને દૂર સુધી પડતાં માલધારી પરિવારના બે ત્રણ સભ્યોને પણ ઇજા થતાં સારવાર લેવી પડી હતી. ધડાકાને કારણે ફેકટરીની અંદર નુકસાન થવા ઉપરાંત વિજ થાંભલા પણ ભાંગી જતાં પીપરડી, ખેરવા અને આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વિજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. દાઝેલા, ઘાયલ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. ઘાયલોને કુવાડવા રેફરલ હોસ્પિટલે ખસેડાતાં ત્યાંના સ્ટાફે તુરંત સારવાર આપી હતી. એ પછી વધુ સારવાર માટે તમામ ઘાયલોને રાજકોટ ખસેડાયા હતાં. તસ્વીરો બામણબોરથી બાબુલાલ ડાભીએ મોકલી હતી.

રાજકોટ-મોરબીના ફાયર બ્રિગેડની ટીમે કામગીરી કરી

ફાયર બ્રિગેડ ટીમના અધિકારીની રાહબરીમાં ફાયરમેન શૈલેષભાઇ, જયસુખભાઇ, બાબુભાઇ, અજયભાઇ, અરબાઝભાઇ સહિતની ટીમ રાજકોટથી દોડી ગઇ હતી. મોરબી ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી.

બાજુની ફેકટરીના મજૂરોને કાનમાં કાનમાં સંભળાતુ બંધ થઇ ગયું

. જાણવા મળ્યા મુજબ બોઇલર ફાટવાથી થયેલા ધડાકાનો અવાજ એટલો મોટો હતો કે દેવ ઇન્ડસ્ટ્રીઝની આજુબાજુની બીજી ફેકટરીઓના મજૂરોના કાનમાં ધાક પડી જતાં કલાકો સુધી તેઓને સંભળાતું બંધ થઇ ગયું હતું.

બ્લાસ્ટને કારણે ટેન્કરની પાછળનો ટાંકો પાંચસો મીટર દૂર ફેંકાયો

. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ બોઇલર ધડાકા સાથે ફાટતાં ફેકટરી કમ્પાઉન્ડમાં પડેલા બીજા વાહનોમાં પણ નુકસાન થયું હતું. જેમાં એક ટેન્કરનો પાછળનો ટાંકો ઉલળીને ચારસોથી પાંચસો મીટર દૂર ફેંકાઇ ગયો હતો.

(11:49 am IST)