Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

બોઇલર ફાટતા ૪ બિહારી મજૂરના મોતઃ એક મૃતદેહ ૪૦૦ મીટર દૂર ઉછળ્યોઃ ટ્રક-ટેન્કર-બાઇક પણ ફાટી ગયાઃ ૧૨ મજૂરોને ઇજા

કુવાડવા-વાંકાનેર રોડ પર પીપરડીના પાટીયે આવેલી ત્રણ ભાગીદારોની દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની સિલિકોન બનાવતી ફેકટરીમાં જીવલેણ દૂર્ઘટના : શ્રવણ મહંતોનું રાતે પોણા વાગ્યે અને બાકીના ત્રણ મજૂરો બબલુકુમાર સિંગ, દયાનંદ મહંતો તથા મુકેશકુમાર મહંતોએ રાતે અઢીથી પોણાત્રણે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ બાકીના ત્રણને રાજકોટ સિવિલ-ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાઃ છ મજૂરોને પ્રાથમિક સારવાર અપાઇઃ બોઇલર કયા કારણે ફાટ્યું? તે જાણવા એફએસએલની તપાસ

જીવલેણ ધડાકોઃ કુવાડવા વાંકાનેર રસ્તા પર પીપરડીના પાટીયે આવેલી સિલીકોનનું ઉત્પાદન કરતી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં બોઇલર ફાટતાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. ફેકટરીમાં ફસાયેલા મજૂરોને કઇ રીતે બહાર કાઢવામાં આવ્યા તેના દ્રશ્યો પ્રથમ બે તસ્વીરમાં જોઇ શકાય છે. ત્રીજી તસ્વીરમાં ઘાયલોને પ્રથમ કુવાડવાની હોસ્પિટલમાં સારવાર અપાઇ તે દ્રશ્ય અને સોૈથી નીચેની ચાર તસ્વીરોમાં હતભાગી ચાર મજૂરોનો મૃતદેહ જોઇ શકાય છે. જેમાંથી બે મૃતદેહની પ્લાસ્ટીક કોથળીમાં પેક કરીને લાવવા પડ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા, મહમદ રાઠોડ-રાજકોટ-વાંકાનેર)

રાજકોટ તા. ૧૩: કુવાડવા-વાંકાનેર રોડ પર ખેરવા ગામની સીમમાં પીપરડી ગામના પાટીયો આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલની ફેકટરીમાં રાતે બોઇલર ફાટતાં ૪ મજૂરોના ગંભીર રીતે દાઝી જવાથી મોત નિપજ્યા છે. જ્યારે બાર જેટલા મજૂરોને દાઝી જતાં અને ઇજા થતાં સારવાર માટે વાંકાનેર, રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મૃત્યુ પામનારા ચારેય હતભાગી મુળ બિહારના વતની હતાં અને થોડા સમય પહેલા જ અહિ પેટીયુ રળવા આવ્યા હતાં. મોડી રાતે ચારેય મૃતદેહોની ઓળખ થઇ શકી હતી. ધડાકો એવો હતો કે આસપાસના રહેવાસીઓ ધરતીકંપ થયાનું સમજી ઘર બહાર ભાગ્યા હતાં. ભડથું થઇ ગયેલા મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બોઇલર ફાટતાં જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોઇ એ રીતે બધા ફંગોળાઇ ગયા હતાં અને એક મૃતદેહ તો ફેકટરીથી ઉડીને ૪૦૦ મીટર દૂર ફેંકાઇ ગયો હતો.

બોઇલર ફાટવાથી કંપનીનો શેડ અને બીજા બોઇલર પણ ફાટી ગયા હતાં. એક ટેન્કર, એક ટ્રેકટર અને ટાંકો તથા કેપ્સ્યુલ તેમજ મોટર સાઇકલ, ઓફિસ-ફર્નિચરને ભારે નુકસાન થયું હતું. તેમજ વિજલાઇનના થાંભલાને પણ નુકસાન થયું હતું. બોઇલર અંદર સિલીકોન નામનું કેમિકલ હતું જે સમગ્ર શેડમાં પથરાઇ ગયું હતું. રાજકોટ ફાયર બ્રિગેડને જાણ થતાં રાજકોટ, બેડીપરા ફાયર સ્ટેશનથી ગાડીઓ દોડાવાઇ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. મોરબી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. દૂર્ઘટનામાં ચાર મજૂરોનો જીવ ગયો હતો અને બાર જેટલાને દાઝવાથી તથા પડી જવાથી ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર લીધી હતી. અમુકને દાખલ કરવામાં આવ્યા હતાં.

મોડી રાતે ચાર મજૂરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. દાઝીને ભડથું થઇ ગયેલા આ ચારેયને તબિબે મૃત જાહેર કર્યા હતાં. આ મૃતકોમાં મુળ બિહાર કઠીયાર જીલ્લાના નક્કીપુર અને ગેરાવાડીના શ્રવણ રાજેન્દ્રકુમાર મહંતો (ઉ.વ.૨૫), બબલુકુમાર રામપરેજ સિંગ (ઉ.વ.૧૯), દયાનંદ શ્રીરામમુરાદ મહંતો (ઉ.વ.૨૦) તથા મુકેશકુમાર દુખન મહંતો ઉ.વ.૧૯)નો સમાવશે થાય છે.

જ્યારે અન્ય મજૂરો અભીમન્યુ અખીલેશભાઇ પ્રસાદ (ઉ.વ.૨૦), મહેશ્વર બનારસી શર્મા (ઉ.વ.૪૦), વાંકાનેરના જોધપરના રઝાક અમીભાઇ સેરશીયા (ઉ.વ.૩૦)ને સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અભીમન્યુને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. મહેશ્વર શર્મા સિવિલમાં દાખલ છે. તેના કહેવા મુજબ તે અને બીજા બે મજૂરો તો હજુ ગયા ગુરૂવારે જ આ ફેકટરીમાં કામે લાગ્યા હતાં. બધા મજૂરો બિહારના વતની છે.

જ્યારે છ મજૂરોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. જેમાં બિહારના રોશન મથુર (ઉ.વ.૧૯), શની રાજભર (ઉ.વ.૨૦), અરમાન (ઉ.વ.૩૦), શિવમ માથુર (ઉ.વ.૩૦), મનોજ કુમાર (ઉ.વ.૨૧) અને છોટન શત્રુઘ્ન (ઉ.વ.૨૬)નો સમાવેશ થાય છે.

આ મજૂરોના કહેવા મુજબ પોતે મુળ બિહાર કઠીયાર નક્કીપુરના વતની છે અને કેટલાક મહિનાથી અહિ મજૂરીએ આવ્યા છે. દેવ ઇન્ડસ્ટ્રીમાં બધા અલગ અલગ વિભાગમાં કામ કરે છે. બોઇલર (ભઠ્ઠી)માં લાકડા નાંખવાનું કામ અમુક મજૂરનું હોય છે. તો અમુકને બીજા વિભાગમાં કામ કરવાનું હોય છે. વિશાળ બોઇલર નીચે લાકડા નાંખી ભઠ્ઠો ચાલુ રાખવાનો હોય છે. ઉપર કેમિલકની મોટી ટાંકી હોય છે. ગત સાંજે સાડા આઠેક વાગ્યે અચાનક આ બોઇલર ધડાકાભેર ફાટતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં બોઇલર પાસે જ કામ કરી રહેલા ચાર મજૂરો દાઝી જતાં ભડથું થઇ ગયા હતાં.

બાકીના દૂર અને બીજા વિભાગમાં હતાં. આમ છતાં ધડાકાને કારણે બોઇલર ફાટતાં અને આગ લાગતાં બીજા એક ટેન્કર, ટ્રેકટર, ટાંકો, કેપ્સ્યુલ પણ ફાટી જતાં તેના કારણે બીજા મજૂરોને પણ ઇજાઓ થઇ હતી અને દાઝયા હતાં.

બનાવની જાણ થતાં એરપોર્ટ રોડ પોલીસ સ્ટેશનનના પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ. આર. હેરભા, યશપાલસિંહ, ડી સ્ટાફના રાણાભાઇ ચીહલા, અશોકભાઇ કલાલ, યોગેન્દ્રભાઇ ચોૈહાણ સહિતનો કાફલો પહોંચ્યો હતો. જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા એસીપી એસ. આર. ટંડેલ પણ પહોંચ્યા હતાં.

પોલીસના કહેવા મુજબ આ ફેકટરીના ત્રણ ભાગીદારો દેવેશભાઇ કારીયા, હાર્દિકભાઇ પટેલ અને સંજયભાઇ પીલીયા છે. બોઇલર કઇ રીતે ફાટ્યું તે જાણવા પોલીસ એફએસએલની મદદ લઇ આગળ કાર્યવાહી કરશે. તેમજ તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યું છે.

ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ સિલીકોન નામનું કેમિકલ આખી ફેકટરીમાં પથરાઇ ગયું હતું અને તેમજ ફેકટરીમાં બહારથી આવેલા ટેન્કર, ટ્રેકટર પણ ફાટી જતાં નુકસાન થયું હતું.  વહેલી સવાર સુધી પોલીસે અને ફાયર બ્રિગેડ ટીમે કાર્યવાહી કરી હતી.

  • મૃત્યુ પામનાર શ્રવણ પરિણિત હતોઃ સસરા સાથે આવ્યો'તોઃ બીજા ત્રણ બબલુ, દયાનંદ મુકેશ કુંવારા હતાં

. દૂર્ઘટનામાં કાળનો કોળીયો બની ગયેલા ચાર પૈકીનો શ્રવણ મહંતો તેના સસરા વિજયકુમાર મહંતો સાથે અહિ મજૂરી કરવા આવ્યો હતો. તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. તેને સંતાન નથી. તે બે ભાઇ અને ચાર બહેનમાં મોટો હતો.

જ્યારે અન્ય ત્રણ હતભાગીમાં બબલુ બે ભાઇ અને એક બહેનમાં મોટો, દયાનંદ ચાર ભાઇ અને એક બહેનમાં નાનો તથા મુકેશ સાત ભાઇમાં ત્રીજો હતો. આ ચારેય પેટીયુ રળવા આવ્યા હતાં અને અકાળે કાળનો કોળીયો બની જતાં સાથી કર્મચારીઓમાં પણ શોક છવાઇ ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં આ ચારેયે રાતે એકથી પોણા ત્રણ વચ્ચે દમ તોડી દીધો હતો.

(11:48 am IST)
  • દેશમાં કોરોનાએ આડોઆંક વાળ્યો :એક્ટિવ કેસની સંખ્યા 12,58 લાખને પાર પહોંચી : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,60,694 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,36,86,086 થઇ :એક્ટિવ કેસ 12,58,906 થયા : વધુ 96,727 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,22,50,440 સાજા થયા :વધુ 880 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,71,089 થયો : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 51,751 નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ , દિલ્હીમાં 11,491 કેસ અને કર્ણાટકમાં 9579 કેસ નોંધાયા: ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા access_time 1:14 am IST

  • અમેરિકાનું ઐતિહાસિક પગલું : 11 સપ્ટેમ્બર સુધીમાં કોઈપણ શરતો વિના અફઘાનિસ્તાનથી તમામ યુએસ સૈનિકો પરત ખેંચવાનું જાહેર કરતા રાષ્ટ્રપતિ જો બાયડન : અમેરિકાએ, સૈનિકોને પરત લાવવા દરમ્યાન કોઈપણ હુમલા અંગે આતંકી તાલિબાનને 'ભયાનક પ્રતિસાદ' આપવાની ચેતવણી આપી : સૈનિકોને અફઘાનિસ્તાનથી અમેરિકા પરત લાવવા બાબતે બુધવારે રાષ્ટ્રપતિ બાયડન સંબોધન કરશે તેમ વ્હાઇટ હાઉસ પ્રવક્તાએ જણાવ્યું છે. access_time 11:18 pm IST

  • કોરોના ઇફેકટઃ પટ્ટાવાળાથી માંડી એડી. કલેકટર સુધીના તમામની રજા રદ કરતા કલેકટરઃ ગાંધીનગર જવા અંગે પણ મંજૂરી લેવી પડશે : કલેકટરશ્રી રેમ્યા મોહને ગઇકાલે એક મહત્વનો પરિપત્ર બહાર પાડી કોરોના વાયરસની ભવિષ્યની અસરને પહોંચી વળવા-ત્વરીત કામગીરી સંદર્ભે મહેસૂલના તમામ રપ૦ કર્મચારી જેમાં પટ્ટાવાળાથી માંડી એડીશનલ કલેકટર સુધીનાની રજાઓ રદ કરી નાંખી છેઃ અને આ પરિપત્ર જીલ્લા સંકલન સમિતિના સભ્યો-તમામને લાગુ પડાયો હોય અન્ય તમામ કચેરી પણ આવરી લેવાઇ છેઃ ગાંધીનગર જવા માટે મંજૂરી લેવી પડશેઃ હેડ કવાર્ટર નહી છોડવા પણ આદેશો access_time 3:38 pm IST