Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ગોંડલ કોરોનાના ભરડામાં : બે દિ'માં ૮ના મોત : ૧૮૦ કેસ

સરકારી અને ખાનગી હોસ્‍પિટલોમાં ટેસ્‍ટીંગ કિટ ખૂટી પડી : કોંગ્રેસ દ્વારા આકરી રજૂઆત : ઓક્‍સિજન બાટલાની પણ તિવ્ર અછત સર્જાઇ

 (જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૩ : ગોંડલમાં કોરોના બેકાબુ બનવાં પામ્‍યો છે. રોજનાં સરેરાશ પચાસથી વધું પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે. છેલ્લા બે દિવસ માં ૧૮૦ પોઝીટીવ કેસ બહાર આવ્‍યાં છે. સિવીલ હોસ્‍પિટલમાં કોરોના ટેસ્‍ટ સેન્‍ટરમાં સવારથી જ ટેસ્‍ટીંગ માટે કતારો લાગે છે. સેન્‍ટર બહાર છાંયાની કોઈ વ્‍યવસ્‍થા ના હોય લોકો આકરાં તડકામાં હેરાન થતાં નજરે પડે છે.શનિવારે એન્‍ટીજન રેપીડ ટેસ્‍ટ ૨૨૭ લોકોએ તથા રવિવારનાં ૨૦૭ અને સોમવારનાં ૨૨૭ લોકોએ કોરોના ટેસ્‍ટ કરાવ્‍યું હતું. છેલ્લા બે દિવસથી કોરોનાને કારણે આઠ વ્‍યક્‍તિઓ એ જીવ ગુમાવ્‍યાં છે. આરટી પીસીઆર ટેસ્‍ટ માટે પણ લાંબી કતારો લાગી છે. આજે રેપીડ ટેસ્‍ટની કીટ ખુટી પડતાં લોકો હેરાન પરેશાન બન્‍યાં હતાં.

સિવિલ હોસ્‍પિટલ કોવિડ વિભાગના તમામ ૫૪ બેડ તથાં અમૃત હોસ્‍પિટલ નાં ૩૧ બેડ દર્દીઓથી ફુલ થઇ ચુક્‍યાં છે.જયાંરે શહેરની ચાર ખાનગી હોસ્‍પિટલમાં કોવિડ સારવાર શરૂં કરાઇ છે અને ત્‍યાં તમામ બેડ ફુલ હોય કોરોના પીડીતો ઓકસીજન તથાં બેડ માટે અહીં તહીં ભટકતાં નજરે પડતાં હોય પીડાદાયક દ્રષ્‍યો નજરે પડી રહ્યા છે.

કોંગ્રેસી આગેવાન કુલદીપસિંહ જાડેજા કાલમેઘડા, ધર્મેશભાઈ બુટાણી, ઋષભરાજસિંહ પરમાર અને કુલદીપસિંહ જાડેજા કેરાડી સહિતના આવોને સરકારી હોસ્‍પિટલમાં કોરોના ની કીટ ખાલી થઈ હોય અને દર્દીઓની હાલત બદતર થઈ હોવાની વ્‍યાપક ફરિયાદો મળતાં હોસ્‍પિટલ ખાતે દોડી ગયા હતા જયાં ફરિયાદો  સાચી લાગતા કરતા કુલદીપસિંહ જાડેજા દ્વારા બ્‍લોક હેલ્‍થ ઓફિસર ગોહિલને રજૂઆત કરવામાં આવી હતી ત્‍યારે બ્‍લોક હેલ્‍થ ઓફિસર દ્વારા સાંજ સુધીમાં કોરોના ટેસ્‍ટીંગ કીટ આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્‍યું હતું.

સરકારી હોસ્‍પિટલ તેમજ પીએચસી મળીને રોજિંદા ૯૦૦ થી ૧૦૦૦ કોરોના ટેસ્‍ટિંગ કરવામાં આવી રહ્યા છે અને દર્દીઓની સંખ્‍યા રોજબરોજ વધી રહી હોય દરમિયાન ટેસ્‍ટીંગ કીટ ખાલી થઈ ગઈ હોય સરકારના સબ સલામતના દાવા પોકળ થઈ રહ્યા હોવાનું આગેવાનોએ રોષ સાથે જણાવ્‍યું હતું.

ગોંડલ શહેર તાલુકામાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ શ્રી મુક્‍તેશ્વર સેવા ટ્રસ્‍ટ દ્વારા નિઃશુલ્‍ક આપતા ઓક્‍સિજનના બાટલાઓ પુરા થઈ જવા પામ્‍યા છે રિફીલિંગ કરાવવામાં પણ લાબું વેઇટિંગ હોય દર્દીઓ અને તેના પરિવારજનો મુંજવણમાં મુકાયા છે.

શ્રી મુક્‍તેશ્વર સેવા ટ્રસ્‍ટના સંચાલક અરવિંદભાઈ ભલાળાએ જણાવ્‍યું હતું કે અમારા ટ્રસ્‍ટ પાસે ૬૦ જેટલા ઓક્‍સિજનના બાટલા છે. કોરોનાના દર્દીઓ વધતા સરકારી અને ખાનગી હોસ્‍પિટલો ભરચક થઈ જવા પામી છે ત્‍યારે ઘણા લોકો હોમ કોરન્‍ટાઇન થઈ સારવાર લઈ રહ્યા છે અને ઓક્‍સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને નિઃશુલ્‍ક સેવાના રૂપે ડિપોઝીટની સામે ઓક્‍સિજનના બાટલાઓ આપવામાં આવ્‍યા છે એ ઉપરાંત પણ ઓક્‍સિજનના બાટલાની વધુ માંગ થઈ રહી છે.

ઓક્‍સિજન રિફીલિંગનું કામ શાપર ભૂમિ ગેઇટ પાસે આવેલ તિરૂપતિ ઓક્‍સિજન ફેકટરીમાં ભાવેશભાઈ માકડીયાને ત્‍યાં થઈ રહ્યું છે પરંતુ ત્‍યાં પણ લાબું વેઇટિંગ હોય આગામી દિવસોમાં ઓક્‍સિજન વગર દર્દીઓની હાલત વધુ કફોડી બનેતો નવાઈ નહીં કહેવાય. વર્તમાન પરિસ્‍થિતિને લઈ સેવાભાવી સંસ્‍થાઓ પણ દ્વિધા માં મુકાઈ જવા પામી છે, મુક્‍તેશ્વર સેવા ટ્રસ્‍ટ દ્વારા એક એમ્‍બ્‍યુલન્‍સ પણ સરકારને કોરોના સેવા માટે આપી દેવામાં આવી છે.

(10:56 am IST)