Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સામે કોંગ્રેસી આગેવાનની ફરિયાદ- રાપરની સભામાં ઇભલા શેઠ માટે લુખ્ખા શબ્દનો પ્રયોગ કર્યો

વિનોદ ગા દ્વારા ભુજ:::લાગે છે કે, આ લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને વિવાદ એ બન્ને એકબીજાના પર્યાય બની ગયા છે. આ વખતે ચૂંટણીની જાહેરસભાઓ માં પ્રચાર દરમ્યાન જીતુભાઈ વાઘાણીની વિરુદ્ધ અલગઅલગ શેરોમાં અસંસદીય ભાષા બોલવા બદલ ફરિયાદો ઉઠી છે.  તે વચ્ચે શુક્રવારે કચ્છના રાપર મધ્યે સભા સંબોધવા આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ હવે કચ્છમાં વિવાદમાં ફસાયા છે. કચ્છ કોંગ્રેસના આગેવાન હાજી જુમા રાયમા દ્વારા કચ્છની રાપરની જાહેરસભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની વિરુદ્ધ અભદ્ર શબ્દ પ્રયોગ કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહનને ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજુઆત કરી છે. જુમા રાયમાએ પોતે કરેલી ફરિયાદની સાથે ચૂંટણી અધિકારીને રાપરની જાહેરસભાનો વીડિયો પણ મોકલ્યો છે. પોતાની લેખિત ફરિયાદમાં જુમા રાયમાએ ચૂંટણી અધિકારીને જણાવ્યું છે કે, જીતુભાઈ વાઘાણીએ રાપરની જાહેરસભામાં અબડાસાના મરહુમ મુસ્લિમ આગેવાન ઇભલા શેઠ માટે 'લુખ્ખા' શબ્દનો પ્રયોગ કર્યો છે. મુસ્લિમ સમાજના આગેવાન મરહુમ ઇભલા શેઠ ભલે આજે આ દુનિયામાં હયાત નથી.પણ તેમના માટે આજેય લોકોના દિલમાં આદર છે. તેમના માટે 'લુખ્ખા' શબ્દનો પ્રયોગ કરીને જીતુભાઈ વાઘાણીએ મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. માટે તેમની સામે ચૂંટણી આચારસંહિતા ના ભંગ બદલ કાયદેસરના પગલાં ભરી ફરિયાદ દાખલ કરવામાં આવે.

હાજી જુમા રાયમાએ જિલ્લા ચૂંટણી અધિકારીને કરેલી ફરિયાદ સાથે મોકલાવેલ વીડિયો

 

* અબડાસાની ચૂંટણી ઇભલા શેઠ વગર જીતવી અશક્ય હતી..

રાપરની જાહેરસભા ના ભાષણ માં જીતુભાઈ વાઘાણીએ ભૂતકાળની કોંગ્રેસ સરકારો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળમાં કચ્છ ઇભલા શેઠ જેવા દાણચોર અને લુખ્ખાઓના નામે ઓળખાતું એવું જણાવીને નરેન્દ્રભાઈ આવ્યા પછી કચ્છ આશાપુરા ના નામે ઓળખાતું થયું હોવાનો દાવો કર્યો હતો.

કચ્છના ભૂતકાળની વાત કરીએ તો મૂળ કોઠારાના એવા ઇભલા શેઠ ઉપર દાણચોરીના ગુનાઓ દાખલ હતા. જોકે, અબડાસા પંથક માં તેમનું રાજકીય વર્ચસ્વ જબરદસ્ત હતું. કોંગ્રેસ, જનતાદળ હોય કે ભાજપ કોઈ પણ રાજકીય પક્ષ હોય અબડાસાની ચૂંટણી જીતવા ઇભલા શેઠનું સમર્થન અવશ્ય લેવું પડતું. ઇભલા શેઠ ઉર્ફે હાજી અબ્દુલા મંધરા આજે આ દુનિયામાં હયાત નથી પણ તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનતા એટલે લોકો એ સ્વયં એમને 'શેઠ' ની ઉપમા આપી હતી.

(7:36 pm IST)