Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જૂનાગઢમાં વહેલી સવારે દાણાપીઠમાં પ્રચંડ આગ લાગતા અગરબતીનો જથ્થો ખાખ

શહેરની મધ્યમાં જ આગની ઘટનાથી અફડાતફડીઃ કોઇ જાનહાની નહિઃ લાખોનું નુકસાન

જૂનાગઢ દાણાપીઠમાં આગ ભભૂકીઃજૂનાગઢઃ દાણાપીઠમાં ભયાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. અને ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

જૂનાગઢ તા.૧૩: દાણાપીઠ ખાતે પીરની દરગાહ સામેની ગિરીરાજ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં આજે વહેલી સવારનાં પાંચ વાગ્યાનાં અરસામાં અચાનક આગ ફાટી નિકળી હતી.

આ અંગેની જાણ થતાં મહાનગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તેમજ પોલીસ કાફલો તુરત જ સ્થળ પર પહોંચી ગયો હતો.

ગિરીરાજ એન્ટરપ્રાઇઝ અગરબતીની પેઢી હોય જેથી અગરબતી તેમજ અગરબતી બનાવવાના કેમીકલને કારણે આગ જોતજોતામાં પેઢીના ઉપરનાં માળે પહોંચી ગઇ હતી. જેના લીધે આસપાસની પેઢીઓ,  દુકાનોમાં પણ આગ પહોંચવાની શકયતા વધી ગઇ હતી.

જો કે, ફાયર બ્રિગેડના સ્ટાફે સતત પાણીનો મારો ચલાવીને સવારે ૧૦ વાગ્યે પાંચ કલાકની જહેમતનાં અંતે આગને કાબુમાં લઇ લીધી હતી.

આ ઘટનાને લઇ દાણાપીઠમાં લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા. સદ્દનસીબે કોઇ જાતની જાનહાની થઇ ન હતી. પરંતુ અગરબતી વગેરે ખાખ થઇ જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હતું આગ લાગવા પાછળ ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરાય છે.

(3:26 pm IST)