Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

વાંકાનેર ગાયત્રી શકિત પીઠનો સોમવારે ૨૭મો પાટોત્સવ

વાંકાનેર તા.૧૩: શ્રી મહાકાળી માતાજીના ડુંગરની તળેટીમાં આવેલ સુપ્રસિધ્ધ શ્રી ગાયત્રી શકિતપીઠનો સોમવારે ૨૭મો પાટોત્સવ ધર્મ-ભકિત સાથે ઉજવાશે.

શાંતિકુંજ હરિદ્વાર પ્રેરીત વાંકાનેર ગાયત્રી શકિતપીઠના ૨૭માં પાટોત્સવ પ્રસંગે સવારે ૫ વાગ્યે સ્થાપિત દેવતાઓનું પુજન બાદ ૮-૩૦ કલાકથી નવકુંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થશે ૧૧-૩૦ કલાકે યજ્ઞ પુર્ણાહુતી હોમ બાદ મહાપ્રસાદનો પ્રારંભ થશે.

સર્વે ભાવિકોને પધારવા વાંકાનેર ગાયત્રી શકિતપીઠના ટ્રસ્ટીઓ તથા વંદનીય સતકાર્યના સમાહર્તા મહંતશ્રી અશ્વીનભાઇ રાવલે નિમંત્રણ સાથે યાદીમાં જણાવેલ છે. માં ડુંગરાવાળીના આર્શિવાદ અને દાતાઓના સહયોગથી ગાયત્રી શકિતપીઠમાં ધર્મભકિત સાથે વેદમાતા ગાયત્રી પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ શ્રી ગાયત્રી મંદીરની બાજુમાંજ રાજપરિવાર દ્વારા દાન સ્વરૂપે મળેલ જગ્યામાં સુંદર સ્કુલ બીલ્ડીંગ ઉભુ કરી તેમા મંદીર આસપાસમાં વસતા પછાત અને શિક્ષણથી દુર રહેતા પરિવારના બાળકોને સમજાવી આ સ્કુલમાં ફ્રી (મફત) શિક્ષણ સાથે ડ્રેસ પાર્ટી-પેન-નોટબુક સ્કુલના ચોપડા પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે અને આ વિસ્તારના ૫૦૦ થી વધુ બાળકો નિઃશુલ્ક શિક્ષણનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. સાથે મહીલાઓ અને દીકરીઓ પણ પગભર બની શકે તે માટે મીલ પ્લોટ અને કુંભારપરા જેવા પછાત વિસ્તારમાં સંસ્થાને મળેલી જગ્યામાં શિવણ કલાસ શરૂ કરી અનેક બહેનો સીવણની તાલીમ લઇ પોતાના પરિવારના નિભાવ ખર્ચમાં મદદરૂપ બની રહી છે.

''બાલવાત્સલ્ય મંદીર''નામે સુંદર શાળા નિર્માણ પામી આજે આ શાળામાં પણ વાંકાનેર શહેરના છેવાણા સુધી રહેતા આવા માનસીક ક્ષતીગ્રસ્ત ૭૦ થી વધુ બાળકોને આ શાળામાં ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યુ છે.

આ બાળકોને મંદીરના સ્કુલ વાહન દ્વારા તેના ઘરેથી સવારે લઇ આવી બપોરે ભોજન-નાસ્તો સાથે નિત્ય સમય સુધી તેને કાલીવાલી ભાષા સાથે ચારથી પાંચ બહેનો આ બાળકોને યોગ્ય જ્ઞાન આપી પરત સ્કુલ વાહનમાં તેમના ઘરે પહોંચવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા મંદીરની બાજુમાંજ સુંદર ગૌ શાળા બનાવી તેમા નિયમીત ગૌ સેવા અને તેની સેવા ચાકરી મંદીરના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત ''અન્નદાન મહાદાન''ના સુત્રને ધ્યાનમાં રાખી અને સક્ષમ સદ્દગુસ્ત દાતાઓ આ સુત્રને વરેલા છે તેના આર્થિક સહયોગથી વાંકાનેરના પ્રતાપચોક પાસે સંસ્થાને મળેલા મકાનમાં અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ આ ઉપરાંત અસકત અને દવાખાના દર્દીઓના સગા-વાહલાઓને તેમના ઘર કે હોસ્પીટલ સુધી નિયમીત ટીફીન સેવા થકી ભોજન પ્રસાદ પહોંચાડવાની પણ સુંદર વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

હાલમાં આ અન્નપૂર્ણા ગૃહમાં ૩૦૦ થી વધુ લાભાર્થીઓ લાભ લઇ રહ્યા છે અને ઘરે ઘરે ટીફીન પહોંચાડવા માટે માણસો પણ રાખવામાં આવ્યા છે માત્ર ટોકન ભાવ ચાલતી આ સેવામાં દાતાઓનો સહયોગ મળતો રહે તે પણ જરૂરી હોય છે.

(11:52 am IST)