Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કાલથી દ્વારકાધીશ ભગવાનના લગ્નોત્સવનો પ્રારંભ

રાજમાર્ગો ઉપરથી ઠાઠ-માઠ સાથે ભગવાનનો વરઘોડો નીકળશે

દ્વારકા તા.૧૩ : દ્વારકાધીશએ દ્વારકાના રાજા હોય તેમનો લગ્નોત્સવ દર વર્ષની જેમ પારંપારિક રીતે રાજકીય ઠાઠમાઠથી ઉજવવામાં આવશે. તા.૧૪-૪ રવિવારે સાંજે ૬-૩૦ કલાકથી દ્વારકાની બ્રહ્મપુરી ખાતે સાંજીના ગીત યોજાશે.

રાત્રે ૧૦-૩૦ કલાકે સંગીતસંધ્યા લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે યોજાશે. તા.૧૫મીએ સોમવારે સવારે ૧૦ થી ૧૧-૩૦ સુધી ગ્રહશાંતી બાદ ૧૨-૩૦ થી ર વાગ્યા સુધી માતાજીનો છપ્પનભોગ દર્શન યોજાશે. સાંજે ૭ દ્વારકાધીશ મંદિરેથી ભદ્રકાલી ચોક સુધી ભગવાનનો વરઘોડો (ફુલેકુ) શહેરના રાજમાર્ગો પર થઇ નીકળશે. તા.૧૬ મીએ મંગળવારે સવારે ૯ વાગ્યે જગતમંદિરે ધ્વજાજીનું પૂજન શારદાપીઠ મંદિર ખાતે યોજાયા બાદ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ અને સાંજે ૭-૩૦ કલાકથી રૂકમણિ મંદિરના પટાંગણમાં ભગવાન દ્વારકાધીશના માતા રૂકિમણી સાથે લગ્ન થશે. જાનનું જમણ તથા મહાપ્રસાદ તથા બ્રહ્મભોજન રાત્રીના ૯ કલાકથી ગુગ્ગળી બ્રહ્મપુરી નં.૧ દ્વારકા ખાતે યોજાશે.

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી રૂકિમીણીજી સંગ દ્વારકાધીશના લગ્નની ઉજવણી દર વર્ષે પારંપારિક રીતે ધામધૂમપૂર્વક થાય છે. પૌરાણિક કથા મુજબ ચૈત્ર સુદ અગિયારસના શુભદિને ભગવાન શ્રીકૃષ્ણે શ્રી રૂકિમણીજી સાથે વિવાહ કર્યા હતા. ત્યારથી આ શુભદિને દ્વારકાના રૂકિમણી મંદિર ખાતે ભગવાનશ્રી દ્વારકાધીશ તેમજ માતા રૂકિમણીના વિવાહ ઉત્સવ ઉજવવામાં આવે છે. રૂકિમણી માતાજીના વારદાર પૂજારી અરૂણભાઇ દવેની યાદીમાં આગામી તા.૧૪ થી તા.૧૬ એપ્રિલ સુધી દ્વારકાના રાજા એવા ભગવાનશ્રી દ્વારકાધીશનો ભવ્યાતિભવ્ય વિવાહ ઉત્સવ ઉજવવાનું જણાવી ગામલોકોને ભગવાન માતાજીના લગ્નોત્સવમાં સમ્મિલીત થવા તથા પ્રભુ પ્રસાદી લેવા આમંત્રણ પાઠવાયુ છે.

(11:51 am IST)