Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ઉમરાળી ગામે જળુ (આહિર) પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથાની આજે પુર્ણાહુતિ

આટકોટ, તા. ૧૩ : સરધાર પાસે આવેલ ઉમરાળી ગામે જળુ (આહિર) પરિવાર દ્વારા થાણા ગાલોળવાળા કિરીટભાઇ જોષીના વ્યાસાસને ચાલતી ભવ્ય ભાગવત કથા આજે વિરામ લેશે.

સમસ્ત જળુ (આહિર) પરિવારના સહયોગથી ઉમરાળી ખાતે આવેલ કુળદેવીમાંના મંદિરે ચાલતી આ ભાગવત કથામાં સમગ્ર ગુજરાતમાંથી આહિર પરિવાર મોટી સંખ્યામાં ઉમટી પડયો છે.

ગરમીના દિવસોને ધ્યાને રાખી જળુ પરિવાર દ્વારા કથા મંડપ અને ભોજનશાળા માટે અલગ-અલગ વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં પંખા-કુલર અને પાણીના ફુવારા લગાવવામાં આવ્યા હોય કથા શ્રવણ કરતા શ્રોતાઓને ગરમી લાગતી જ નથી.

કથા મંડપની બહાર ચા-પાણી અને શેરડીના રસની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા રાખવામાં આવી હોય દિવસ દરમિયાન ર૦થી રપ હજાર ગ્લાસ શેરડીના રસનું વિતરણ થાય છે તેમજ આખો દિવસ ચા પણ આપવામાં આવે છે. મીનરલ વોટરની ૧ લીટરની ઠંડી બોટલો કથા શ્રવણ કરતા શ્રોતાજનોને તેમની જગ્યા ઉપર જ આપી દેવામાં આવતી હોય આયોજકોની ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

આ ઉપરાંત સવાર-બપોર અને સાંજે મહા-પ્રસાદની પણ અત્યંત સુંદર વ્યવસ્થા હોય જેમાં રોજ ૧૦ હજાર માણસો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.

નાનકડા એવા ઉમરાળી ગામે જાણે સૌનો પોતીકો પ્રસંગ હોય ઘરે ઘરે મહેમાનો મહેમાનગતિ માણી રહ્યા છે.

કથા દરમિયાન આહિર સમાજ અને બીજા અનેક રાજકીય તેમજ સમાજ શ્રેષ્ઠીઓ કથામાં હાજર રહ્યા હતાં.

કથા દરમિયાન રોજ રાત્રે આહિર સમાજના બહેનો દ્વારા દેશી પદ્ધતિ મુજબ ચુલા ઉપર બાજરાના રોટલા બનાવી પુણ્યનું ભાથુ બાંધ્યું હતું.

ગઇકાલે રૂક્ષ્મણી વિવાહની પણ ખૂબજ ધામધૂમેથી ઉજવણી કરવામાં આવી હતી.

(11:51 am IST)