Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કાલથી માધવપુરનો લોકમેળોઃ ૫ દિવસ સોરઠની સંસ્કૃતિ-સમૃદ્ધિ-સાધુતા છલકાશે

સૌરાષ્ટ્રના તરણેતર અને ભવનાથના શિવરાત્રી મેળા જેવુ મહત્વઃ શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ પ્રસંગમાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટી પડશે

પોરબંદર, તા. ૧૩ :. પોરબંદર અને માંગરોળ અરબી સમુદ્ર કાંઠે માધવપુર (ઘેડ)માં પુરાણ પ્રસિદ્ધ માધવપુર (ઘેડ)ના લોકમેળાનો કાલે ૧૪મીથી પાંચ દિવસનો ચૈત્રસુદ નોમથી તેરસ સુધી ભગવાન શ્રી રામના પ્રાગટય દિને પ્રારંભ થઈ રહેલ છે.

પૌરાણિક અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક દર વર્ષે ચૈત્ર સુદ નોમ થી તેરસ  સુધી સોરઠી ઢબનો મેળો ભરાય છે. પાંચ દિવસ માધવપુર પંથકમાં વિવાહમય વાતાવરણ છવાઈ જાય છે. પ્રાકૃતિક સૌંદર્યથી વિટંળાયેલા પશ્ચિમ સૌરાષ્ટ્રના સૌંદર્યધામો માંગરોળ - ચોરવાડ જેટલુ પ્રાચીન નગર માધવપુર (ઘેડ) છે.

ભજનીક સ્વ. મોહનલાલ રાયાણીએ ભજનમાં ગાયુ છે કે 'મારૂ રે મહિપરિયું માધવપુરમાં મધુરાનગરમાં, વેલડુ જોડે તો મળવા જોઈએ' શ્રીકૃષ્ણ - રૂક્ષ્મણીના લગ્નની વાતો હજારો વર્ષ પછી હૈયામાં સંઘરીને બેઠેલુ માધવપુર સૌરાષ્ટ્રના નૈઋત્ય કોણમાં માંગરોળથી વાયેવ્યે ૧૮ માઈલ, કેશોદ સ્ટેશનથી અગ્નિ ખૂણામાં ૩૬ માઈલના અંતરે આવેલુ ઐતિહાસિક નગર છે. અહીં યુગપુરૂષ લોકજીવનના આરાધ્ય દેવ અને સાડા ત્રણ હજાર વર્ષ પછીયે જનહૈયામાં ધબકી રહેલા ભગવાન શ્રી કૃષ્ણ અરબી સમુદ્રના કાંઠે માધવરાયજીરૂપે મંદિરમાં બિરાજે છે. સાગર રાણો અહર્નિશ એમના પગ પખાળે છે.

સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ મેળા તરણેતર, શિવરાત્રી અને માધવપુરમાં માધવપુર મેળાનું મહત્વ વધારે છે. ધેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે તેમાં ભાદર, ઓઝત અને મધુવંતી આ ત્રણેયનું સંગમ સ્થાન માધવપુર છે. લોકહૃદયના હૈયે પણ ગવાય છે કે 'ગંગા, યમુના, સરસ્વતી, ગોમતી એ ગૌદાન, તેથી અધિક મધુવંતી, જ્યાં પરણ્યા શ્રી ભગવાન'. આ મેળા અંગે 'માધવપુરનો માંડવો, જાદવકુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી શ્રી માધવરાય ભગવાન' કહેવત ખૂબ પ્રચલિત છે.

તીર્થભૂમિ ગુજરાત પુસ્તકમાં લેખક રઘુવીર ચૌધરી નોંધે છે કે, માધવરપુર (ઘેડ) સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધકનું સંગમ સ્થળ છે. સાધકોનો માળો અને ભકતોનો મેળો માધવપુર છે. સ્કંદ પુરાણના માધવપુરા મહાત્મ્યમા જે તીર્થોનો ઉલ્લેખ છે. એમના કેટલાક અદ્રશ્ય થઈ ગયા છે. છતા બ્રહ્મ કુંડ, ગદાવાવ, કર્દમકુંડ, મેરાયા, વરાહકુંડ, ચો-બારી, કપીલ ડેરી અને સિદ્ધતીર્થ સંગમ નારાયણ આદિના વર્ણનો મુજબ અસ્તિત્વ છે.

સાગરકાંઠાની ઉંચાઈએ માધવરાયનું મંદિર છે. ત્યાંથી મધુવન ભણી જતા શ્રી રામદેવપીરનું નૂતન મંદિર બંધાયેલુ છે. મધુવનમાં મહાપ્રભુજીની બેઠક છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ રૂક્ષ્મણમા આવેલા કર્દમકુંડ ઉપર શ્રીમદ્દ ભાગવત પારાયણ તેમજ વ્યાખ્યાન કર્યુ હતુ. જ્યાં પરંપરાથી એમની ભારત વર્ષની ૮૪ બેઠકોમાંથી ૬૬મી બેઠક અહીં ચૂસવાઈ છે મહાપ્રભુજીની બેઠક નજીક રૂક્ષ્મણી શ્રી કૃષ્ણ લગ્ન માટેની ચોરી છે મહાપટુ છે.

મધુવનમાં આવેલ મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં રૂક્ષ્મણીના માવતર પક્ષની જગ્યા રૂક્ષ્મણી મઠથી બપોરે ૧૨ કલાકે ભગવાન શ્રીકૃષ્ણનું સામૈયુ કરવામાં આવે છે ત્યાર બાદ સાંજના ચાર કલાકે નીજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણનું જાનનું પ્રમાણ થાય છે. શ્રી કૃષ્ણ વરરાજા બને છે. રૂપેણવનમાં જાનનું આગમન થાય છે. વેવાઈઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે.

હિન્દુ સમાજમાં થતી લગ્નવિધિ મુજબ કન્યાદાન દેવાય છે. મંગળ ફેરા કરે છે. શાસ્ત્રોકતવિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રી કૃષ્ણ - રૂક્ષ્મણી સાથે અગ્નિની સાક્ષીએ લગ્નગ્રંથીથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેંચાય છે.

લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાન આખી રાત રૂપેણ વનમાં રોકાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે સવારે કરૂણ વિદાય પ્રસંગ આવે છે. શ્રી કૃષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરના ત્રણ કલાકે નીજ મંદિરમાં પધારે છે. તે સાથે માધવપુરના મેળાની પૂર્ણાહુતિ થાય છે.

મેદાનમાં વર્ષો પહેલા ઉંટ અને અશ્વ દોડની હરિફાઈઓ થતી જાનવરોના પાણી મપાતા જોરાવસિંહ જાદવના સૌરાષ્ટ્રનું સંસ્કૃતિ દર્શનમાં માધવપુર ધેડનો લોકિયો મેળોએ શિર્ષક તળે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્નની તલસ્પર્શી વાતો આલેખી છે.

લગ્નના દિવસે જે રથમાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. તે પ્રાચીન રથ પણ કાષ્ઠકલાના ઉત્તમ નમૂનારૂપ જોવા જેવુ નજરાણુ છે. વર્ષો પહેલા આ રથ બદલીને નકલી રથ મુકી દેવાયો હતો અને અસલી રથ કાનૂની પ્રક્રિયા બાદ પરત મળ્યો તેની કથા પણ રસપ્રદ છે. લગ્ન સમયે આ રથ દોડાવવામાં આવે છે.

માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદિર આવેલુ છે. આ ભગ્ન મંદિર સોલંકી ઢબનું બારમી સદીનું ગણાય છે. ઉત્તર શિલ્પ સ્થાપત્યથી મઢેલુ આ મંદિર પ્રાચીનતા અને કલા સમૃદ્ધિથી ભરેલું છે અને નયનાકર્ષક છે. સમુદ્ર કિનારાની રેતીથી અડધુ દટાયેલુ આ મંદિર પ્રાચીન ઇતિહાસને જાળવીને બેઠું છે. મંદિરનું શીખર વર્તુળાકાર છે. ઉત્પનન દરમિયાન મંદિર સંકુલનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો તેની આસપાસ જીર્ણવાવ સપ્ત માતૃકા અને અન્ય મંદિરોના ભગ્નાવશેષો પણ મળી આવ્યા હતા. આ મંદિરના ૧૬ થાંભલા અને તેને આધારિત સિંહમંડપ છે. આ મંદિર પુરાતત્વના અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. અદ્ભૂત શિલ્પ-સ્થાપત્ય કલાત્મક કોતરણી અને પ્રાચીનના કોઇ પણ અભ્યાસુ મનોવૃત્તિના દર્શકને રોમાચિંત કરે તેવી અને સૌને જોવી ગમે છે, પરંતુ આ મંદિરનો વિકાસ થયો નથી અને જર્જરીત બની ગયેલ આ મંદિર પુરાતત્વ ખાતા હસ્તકનું હોવાથી તેની જાળવણી માટે પણ તંત્ર ગંભીર નથી.

ભગવાન શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રની ભૂમિમાં અમસ્તા ભૂલા નહોતા પડયા. સોરઠની પ્રજાના નિર્મળ હૃદયનો પારદર્શક પ્રેમ અને ભકિતભાવ ભાળી જાણી જોઇને ભૂલા પડયા હતાં અને રૂકમણી સાથે લગ્ન કરીને સોરઠની ધરતી ધન્ય બનાવી હતી. આ પણ સુપ્રિદ્ધ કવિ રમેશ પારેખે કહ્યું છે કે

આ મન પાંચમના મેળામાં,

સૌ જાત લઇને આવ્યા છે,

કોઇ આવ્યા છે સપનું લઇને

કોઇ રાત લઇને આવ્યા છે

આ ભાતીગળ મેળામાં દિવ્ય પ્રેમ અને અલૌકિક સ્મૃતિઓનો આનંદ-ઉલ્લાસ લઇ પોતાના વતનની વાટે વળે છે.

માધવપુરમાં આવેલા મહાપ્રભુજીની બેઠકની સાંનિધ્યમાં રૂક્ષ્મણીના માવતર પક્ષની જગ્યા રૂક્ષ્મણીમઠથી બપોરે ૧ર કલાકે ભગવાન શ્રી કૃષ્ણનું ાસમૈયું કરવામાં આવે છે ત્યારે બાદ સાંજના ચાર કલાકે નિજ મંદિરેથી ભગવાન શ્રીકૃષ્ણ જાનનું પ્રયાણ થાય છે. શ્રી કૃષ્ણ વરરાજા બને છે રૂણેવનમાં જાનનું આગમન થાય છે., વેવાઇઓ દ્વારા જાનનું સ્વાગત થાય છે. હિન્દુ સમાજમાં થતી લગ્નવિધિ મુજબ કન્યાદાન દેવાય છે. મંગળફેરા ફરે છે. શાસ્ત્રોકત વિધિ અને વેદોચ્ચાર મંત્રો સાથે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી સાથે અગ્નિનો સાક્ષીએ લગ્ગ્રંથીથી જોડાય છે. લગ્નની ખુશાલીમાં કંસારનો પ્રસાદ વહેચાય છે. લગ્નવિધિ પૂરી થયા બાદ જાન આખી રાત રૂપેણવનમાં રોકાય છે. ચૈત્રસુદ તેરસને દિવસે સવારે કરૂણ વિદાય પ્રસંગ આવે છે. શ્રી કૃષ્ણ વાજતે ગાજતે પરણીને બપોરના ત્રણ કલાકે નિજ મંદિરમાં પધારે છે તે સાથે માધવપુરના મેળાની પૂર્ણાહુતિ થાય છે.

માધવપુરના મેળામાં યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન-આવાસ

પોરબંદર, તા. ૧૩ : માધવપુરના મધુવનમાં શ્રી રામદેવજી મંદિરના સાનિધ્યમાં વિશાળ મેદાનમાં અદ્યતન સુવિધાયુકત કોળી સમાજની વંડી આવેલી છે. મેળા દરમિયાન પ્રતિવર્ષ ગ્રામ પંથકમાંથી આવતી જનતા માટે નાત-જાતના ભેદભાવ વગર કોળી સમાજની વંડીમાં ભોજન-આવાસની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે.

આ પંથકના લોકો ખેતીની નવી ઉપજમાંથી ઘઉં, ચણા તેમજ રોકડ રકમની આ વંડીને દાનરૂપે સહાય કરે છે. હાલ વંડીનું નવનિર્માણનું કાર્ય ચાલુ છે. જેમાં માધવપુરના દાતા ભીમાભાઇ ભરડા, દેવશીભાઇ કરગરીયા, , પ્રભાબેન કરગરીયા, રૂડાભાઇ કરગરીયા વેલજીભાઇ કરગરીયા, ગોવિંદભાઇ વાજા, નગીનભાઇ દેવરાજ અને માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગરીયા સહિત અન્ય દાતાઓનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન અને જાણીતા કેળવણીકાર ડો. ઇશ્વરભાઇ ભરડાની સેવાકીય પ્રવૃત્તિમાં અનોખી પ્રેરણા અને પ્રોત્સાહક પૂરી પાડી રહ્યા છે.

કોળી સેવા સમાજના પ્રમુખ પરબતભાઇ ધરસંડા, વંડીના વ્યવસ્થાપક રમેશભાઇ કરગરીયા, સેવા મંડળના પ્રમુખ કાનભાઇ કરગરીયા સરપંચ રામજીભાઇ દેવશીભાઇ કરગરીયા, અખંડ જયોત યુવક મંડળના પ્રમુખ હરજીવનભાઇ ભૂવા, દેવાભાઇ માવદીયા, સમાજ શ્રેષ્ઠી કારૂભાઇ ભૂવા, ભરતભાઇ બારૈયા, પ્રવિણભાઇ માવદીયા, લાખાભાઇ કરગરીયા, આશિષભાઇ ખેર, વિપુલભાઇ વાજા, ભીમજીભાઇ કામરીયા, રામભાઇ વાળા, હરીશભાઇ મોકરીયા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઇ કરગરીયા સહિત કાર્યકરો આવાસ -ભોજનની વ્યવસ્થા પાંચ દિવસ ઉમદા સેવા કાર્ય કરીને જાળવે છે. (૨-૪)

(11:50 am IST)