Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

આમરણ પાસે ટોરસ ટ્રક હડફેટે એકટીવા કડિયા પરિણીતાનું મોતઃ પિત્રાઇ બહેનને ઇજા

પૂજાબેન ધનાણી માવતરે જામદૂધઇ આંટો મારવા આવેલ અને સાસુ તથા મામાને મળવા બાજુના ગામડે જતા'તા ત્યાં કાળ આંબી ગયો

આમરણ તા.૧૩: આમરણ નજીક માવના ગામના પાટિયા પાસે એકટીવામાં જઇ રહેલ બે બહેનોને ટોરસ ટ્રકે અડફેટે લેતા પરિણીતા કડિયા યુવતી પૂજાબેન મિલનભાઇ ધનાણી (ઉ.વ.૨૫)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું ૃમૃત્યુ નિપજયું છે. જયારે પિતરાઇ બહેન પાયલબેન કિશોરભાઇ ગાંગાણીનો સામાન્ય ઇજા સાથે આબાદ બચાવ થયો છે.

આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ જામદૂધઇ ખાતે રહેતા અમૃતભાઇ ગાંગાણીના પુત્રી પૂજાબેનને એક વર્ષ પહેલા બાજુના માવનાભાગે ધનાણી પરિવારમાં લગ્ન કરાવી સાસરે વળાવ્યા હતા. ત્યારબાદ પીરવાર ધંધાર્થે અમદાવાદ ખાતે સ્થાયી થયેલ હોય તેઓ હાલ અમદાવાદથી માવતરે જામદૂધઇ આંટો દેવા આવેલ હતા. બાદમાં માવના ગામે એકલા રહેતા સાસુને તેમજ બાજુનાં અંબાલા ગામે રહેતા મામાને ત્યાં મળગા ગયા હતા.

ગઇ સાંજે જામદૂધઇ પાછા વળતી વખતે માવનાગામના પાટીયેથી કોસ્ટલ હાઇવે પર વળાંક લેતાં જ જામનગરથી માળિયા તરફ જતા ટોરસ ટ્રકે બંને બહેનોને અડફેટે લઇ લેતા પૂજાબહેનનું અપરણિત નાની બહેનની નજર સામે જ મોત નિપજયું હતું. પાયલ ફંગોળાઇ જતા આબાદ બચાવ થયો હતો. પાયલના પિતા જામદૂધઇ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પૂજાબેનનાં મૃતદેહ એકટીવામાં ફસાઇ ગયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક નાશી છૂટયો છે. જોડિયા પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી ચેક કરી ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. ઘટનાની અમદાવાદ ખાતે જાણ કરાતા પતિ-સસરા પરિવારજનો માવના ગામ ખાતે  આવ્યા હતા.

(11:47 am IST)