Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

બાલાસિનોર પંથકના ગણપતસિંહ ચૌહાણની ક્રુર હત્યા કરી લાશ કુવામાં ફેંકી દેવાઇ'તી

મોરબીના પીપળી પાસે મ્હો છૂંદી - પત્થર સાથે બાંધેલી હાલતમાં મળેલ યુવાનની લાશ ઓળખાઇ : ફોરેન્સિક પી.એમ. રીપોર્ટમાં માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા થયાનું ખુલ્યું: પિતાએ કપડા પરથી પુત્રની લાશ ઓળખી બતાવીઃ મૃતક ગણપતસિંહ પીપળી પાસે ફેકટરીમાં કામ કરતો'તોઃ હત્યાનું કારણ અને હત્યારા અંગે તપાસનો ધમધમાટ

રાજકોટ,  તા. ૧૩ : મોરબીના પીપળી ગામ પાસે કુવામાંથી અજાણ્યા યુવાનની મ્હો છુંદી પત્થર સાથે બાંધેલી  મળી આવેલ લાશ બાલાસિનોર પંથકના અને હાલ મોરબી પાસે ફેકટરીમાં કામ કરતા રજપુત યુવાન હોવાનું અને તેની હત્યા કરાયાનું ખુલતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ મોરબીના પીપળી ગામના કુવામાં અંદાજે ૩૫ વર્ષના યુવાનની મોઢું છુંદી,  ગોદડું વીંટી પથ્થર સાથે બાંધેલ હાલતમાં  લાશ મળી આવી હતી. આ યુવાનની  હત્યા થયાની શંકાએ મોરબી તાલુકા પોલીસે લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડી હતી. ફોરેન્સીક પીએમમાં મૃતક યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું હતું.

દરમિયાન હત્યાનો ભોગ બનનાર યુવક ગણપતસિંહ બળવંતસિંહ ચૌહાણ (ઉ.વ.ર૩) (રહે. પાંડવા, તા. બાલાસિનોર, જી. મહિસાગર) હોવાનું  અને તેને તેના કપડા પરથી તેના પિતાએ ઓળખી બતાવ્યો હતો. મૃતક યુવક હાલમાં મોરબીના પીપળી રોડ પર આવેલ ઉમા એપ્રાઇઝર નામના કારખાનામાં કામ કરતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર ગણપતસિંહ અપરણીત છે હત્યારાઓએ  ગણપતસિંહની ઓળખ ન થાય તે માટે માથામાં તથા મ્હોં પર ક્રુરતા પુર્વક બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી બાદમાં ગોદડુ વિંટી લાશને પથ્થર  સાથે બાંધી કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે હત્યાના કારણ અને હત્યારાઓ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ તુર્ત પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ તાલુકાના પીએસઆઇ રાણા ચલાવી રહયા છે.

(3:43 pm IST)