Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

દાત્રાણામાં મંદિરના માધ્યમથી સમાજ સેવાનો રાહ કંડારતુ ગોપી મંડળઃ ધામધુમથી ઉજવાશે નવનિર્મિત ગોપીનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ

હરસુખભાઇ વઘાસીયા પરિવારના મુખ્ય આર્થિક સહયોગથી આશરે રૂ. પ૦ લાખના ખર્ચે નવું મંદિર બન્યુ : સાધુ-સંતો અને સૌરાષ્ટ્રભરના આગેવાનોની હાજરીમાં તા. ર૪ થી ર૬ દરમિયાન ત્રણ દિવસ યોજાશે ભવ્ય કાર્યક્રમઃ ગ્રામજનો માટે ધુવાડા બંધ સમુહ ભોજન પ્રસાદનું આયોજનઃ શિવ પંચાયતના સાનિધ્યમાં વિશાળ સત્સંગ હોલ, ચબુતરો, વિશાળ પટાંગણની સુવિધા

જૂનાગઢ તા. ૧૩ :.. લેઉવા પટેલ સમાજના સમુહલગ્ન માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા બની ગયેલુ જુનાગઢના મેંદરડાનું પ્રગતિશીલ ગામ દાત્રાણા હવે ધર્મના માધ્યમથી સમાજ સેવાનો નવો રાહ ચિંધવા જઇ રહ્યું છે. અહીં સમયની જરૂરીયાતને પારખીને સમુહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયા પરિવારના મુખ્ય આર્થિક સહયોગથી તેમજ રાધે-કૃષ્ણ ગોપી મહિલા મંડળના ઉપક્રમે તૈયાર થયેલા નવા શિવમંદિર ગોપીનાથ મહાદેવ મંદિરનો પાટોત્સવ આગામી તા. ર૪ થી ર૬ સુધી ત્રણ દિવસ માટે ધામધુમથી ઉજવવામાં આવશે. આ તકે સાધુ-સંતો અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હાજર રહેનારા આગેવાનો તથા પ્રજાજનો આ પ્રેરક કાર્યને બિરદાવીને પ્રોત્સાહીત કરશે.

મેંદરડાના દાત્રાણા ગામ ખાતે રાધે-કૃષ્ણ ગોપી મંડળ દ્વારા ઘોડા સમય પહેલા અહીં વિશાળ મંદિર બને તેવી અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. જેના થકી સમાજ સેવાના કાર્યો પણ થઇ શકે તેવા આ ભવ્ય શિવમંદિરના નિર્માણના કાર્યને સમુહલગ્નના પ્રણેતા અને સમાજ સેવાને વરેલા હરસુખભાઇ વઘાસીયા પરિવારે સ્વીકારી લીધુ હતું. તેમના મુખ્ય આર્થિક સહયોગ તેમજ નાના - મોટા અનેક દાતાના સહકારથી આજે દાત્રાણામાં આશરે રૂ. પ૦ લાખથી વધુના ખર્ચે એક વિશાળ સંકુલમાં શિવમંદિરનું નિર્માણ પુરૂ થયું છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તા. ર૪ થી ર૬ ફેબ્રુઆરી સુધી ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાધે-કૃષ્ણ ગોપી મહિલા મંડળ, સમસ્ત દાત્રાણા ગામ અને શિવ મંદિર સમિતિના ઉપક્રમે થનારી આ ઉજવણીમાં તા. ર૪ ને શનિવારે ગણપતી પૂજન, દેવતા પૂજન અને જલયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જયારે તા. રપ ને રવિવારે પ્રતિમાની નગરયાત્રા, સ્થાપનવિધી વગેરે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તેમજ તા. ર૬ ને સોમવારે મુખ્ય દિવસે વિદ્વાન બ્રાહ્મણ શાસ્ત્રીઓના વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવ પંચાયતની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દિવસે સાંજે ૪ કલાકે યજ્ઞમાં બીડુ હોમાશે. આ મહોત્સ્વ અંતર્ગત એક દિવસ માટે સમસ્ત ગ્રામજનો માટે ધુવાડાબંધ ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.

દાત્રાણામાં વિશાલ સંકુલમાં આકાર પામેલા આ શિવ મંદિરની સાથે અદ્યતન સત્સંગ હોલ, ચબુતરો, અન્ય રૂમ વગેરે સુવિધા ઉભી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ધીમે ધીમે આ સુવિધા વધારીને સમાજ સેવાનો વ્યાપ વિસ્તારવામાં આવશે. મહોત્સ્વ દરમિયાન રાત્રે લોકડાયરો, બહેનોના રાસ-ધુન-ભજન-કિર્તન વગેરે કાર્યક્રમો યોજાશે.

તા. રપ ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે હાસ્ય કલાકાર ઘનશ્યામભાઇ કળસીયાનો કાર્યક્રમ યોજાશે. આસપાસના ગામડાના ગ્રામજનોને પણ આ મહોત્સ્વમાં દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, જોષીપરા, સૂર્ય મંદિરના મહંત જગજીવનદાસબાપુ, ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ, ગોદડ અખાડાના મહંત વૈજનાથગીરીબાપુ, જૂના અખાડાના મહંત બુધ્ધગીરીબાપુ, બિલનાથ મંદિરના મહંત રામપ્રસાદદાસજી વગેરે હાજર રહેશે. આ ઉપરાંત રાજય સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, હર્ષદભાઇ રીબડીયા, ભીખાભાઇ જોષી, પૂર્વમંત્રી જશુમતીબેન કોરાટ, દેવાણંદભાઇ સોલંકી, સમાજ સેવક અને અગ્રણી દાતા કાનભાઇ કાનગડ, રમેશભાઇ ગજેરા, વલ્લભભાઇ દૂધાત, એલ. ટી. રાજાણી, કીરીટભાઇ પટેલ, વિનુભાઇ બુહા, રાજુભાઇ હીરપરા, જેન્તીભાઇ વઘાસીયા, વિનુભાઇ કથીરીયા, વલ્લભભાઇ ચાવડા, ભારતીબેન ધીરૂભાઇ કુંભાણી, હમીરભાઇ માડમ, દિનેશભાઇ વેકરીયા, હરેશભાઇ ઠુંમર, પ્રિતીબેન વઘાસીયા, શારદાબેન ગાજીપરા, જયશ્રીબેન વેકરીયા, રૂપલબેન વઘાસીયા, મનસુખભાઇ પટોળીયા, સંજયભાઇ છોડવડીયા, સવજીભાઇ કાનાણી, વિઠ્ઠલભાઇ સોલંકી, ચુનીભાઇ રાખોલીયા, હરેશભાઇ ખુંટ, ગોગનભાઇ ઢેબરીયા, ડાહીબેન ઢોલા, વેલજીભાઇ વઘાસીયા વગેરે હાજર રહેશે.

મંદિર નિર્માણના આ પાવન કાર્યમાં જયાબેન ગોકળભાઇ વઘાસીયા, રમાબેન નરોતમભાઇ વઘાસીયા, રસિલાબેન હરસુખભાઇ વઘાસીયા, આરતીબેન મહેન્દ્રભાઇ વઘાસીયા, જેન્તીભાઇ મોહનભાઇ વઘાસીયા, રાધે-કૃષ્ણ ગોપી મહિલા મંડળ, નીતિનભાઇ (ટીનુભાઇ) ફડદુ, ભરતભાઇ રાણોલીયા, સંજયભાઇ વઘાસીયા, ગોરધનભાઇ રાણોલીયા, ફુલાભાઇ રાણોલીયા, વલ્લભભાઇ વઘાસીયા, ચંદુભાઇ રાઘવજીભાઇ પટેલ, બાલુભાઇ શાંતીભાઇ વઘાસીયા, બચુભાઇ બોઘાભાઇ પટોળીયા, જમનભાઇ નરસિંહભાઇ વડાલીયા, રસિકભાઇ વઘાસીયા, ભુપતભાઇ અને અશોકભાઇ બાવનજીભાઇ વઘાસીયા, ભનુભાઇ વઘાસીયા તથા હીરાભાઇ હિરપરા સહિતના નાના-મોટા અનેક દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. મહોત્સવને સફળ બનાવવા માટે દાત્રાણાના સમસ્ત ગ્રામજનો તેમજ રાધે-કૃષ્ણ ગોપી મહિલા મંડળના બહેનો, ગામના યુવા કાર્યકરો વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:35 am IST)