Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રવિવારે જુનાગઢમાં તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલનું લોકાર્પણ

પૂ. જનકમુની મહારાજની ઇચ્છા મુજબ હોસ્પિટલમાં આધુનિક મેડિકલ સાધનોની સુવિધા : ચંદ્રકાંત દફતરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ :  જૂનાગઢમાં જલારામ સોસાયટી ખાતે સમાજ સેવક અને દાતા સ્વ.ચુનીભાઈ લોઢીયા પરિવાર દ્વારા નિર્મિત શ્રી તુલજા ભવાની હોસ્પિટલનું નવા રૂપ-રંગ તેમજ વર્ધમાન સેવા સંઘની દેખ-રેખ નીચે લાયન્સ કલબ જૂનાગઢ રૂદ્રાક્ષના સંચાલન સાથે આગામી તા.૧૬ ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે ૯ કલાકે લોકાર્પણ રાખવામાં આવેલ છે.

મનોરંજન સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં વર્ધમાન સેવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ દફતરીએ જણાવેલ કે, જૂનાગઢની ભુમિએ સંતો-મહંતોની ભુમિ છે. અહીથી અનેક સંતો-મહંતો વિશ્વને નવી રાહ, નવો રસ્તો બતાવી ચુકયા છે. જૈનાચાર્ય વિશ્વવિખ્યાત છે. પુ.ગુરૂદેવ જનકમુની મહારાજ સાહેબે પણ જુનાગઢની બાજુમાં આવેલ પલાસ્વા ગામે જન્મ ધારણ કરેલ. તેઓશ્રીએ માત્ર જૈન સમાજને જ નહી પરંતુ જૈનેતર સમાજ માટે પણ ખુબ જ મહત્વનું યોગદાન આપેલ છે

શ્રી દફતરીએ વધુમાં જણાવેલ કે, ગીરના જંગલ વચ્ચેના ૧૦૦ કીમીના વિસ્તારમાં ૪૦ વર્ષ પહેલા ઉના અને વિસાવદરમાં સાર્વજનિક હોસ્પિટલનું સર્જન કરી અને આ વિસ્તારના લોકોને ખુબ જ સહાયરૂ૫ થયા, તેમના જન્મ સ્થળ પલાસ્વામાં શ્રી જનકમુની મહારાજ સાહેબે જયાં અભ્યાસ કરેલ તે જગ્યાએ કુમાર શાળા અને કન્યા શાળાનું નિર્માણ કરાવેલ છે. તેઓશ્રી દ્વારા જૂનાગઢમાં કન્યા છાત્રાલયનું પણ લોકાર્પણ કરેલ છે. તેવી જ રીતે રાજકોટમાં જૈન કન્યા છાત્રાલય પણ બનાવી અને ગ્રામ્ય વિસ્તારની તમામ ધર્મની દિકરીઓને ઼ આગળ ભણવાની ઉમદા તક આપેલ છે .

તેઓશ્રીની ભાવના હતી કે, જુનાગઢમાં એક ચેરીટેબલ હોસ્પીટલ થવી જોઈએ જોગાનુજોગ જુનાગઢમાં શ્રી તુલજા ભવાની હોસ્પિટલ કાર્યરત ન હતી. સ્વ. ચુનીભાઈ લોઢીયાના પરીવાર દ્વારા પૂ. ગુરૂદેવ જનકમુની મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલતા ટ્રસ્ટ શ્રી વર્ધમાન સેવા સંધનો સંપર્ક કરાયો અને શ્રી તુલજા ભવાની હોસ્પિટલને કોઈપણ જાતનુ ભાડુ લીધા સિવાય સમાજ ઉપયોગી થવાય તે હેતુ માટે શ્રી વર્ધમાન સેવા સંઘને સોપવામાં આવી.

જુનાગઢમાં લાયન્સ કલબ ઈન્ટરનેશનલની ક્લબો સરસ મજાની સેવાકીય પ્રવતીઓ કરી રહી છે. જેમાં લાયન્સ ક્લબ ઓફ જુનાગઢ રૂદ્રાક્ષના પ્રણેતા લોકપ્રિય મહિલા આગેવાન રૂપલબેન લખલાણી દ્વારા ખુબ જ સારી કામગીરી કરવા આવી રહી છે આથી શ્રી વર્ધમાન સેવા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંત દફરીએ તેમનો સંપર્ક સાધતા શ્રી રૂપલબેન અને તેમની ટીમે આ લાયન્સ હોસ્પીટલનું સંચાલન કરવાની તૈયારી બતાવી જેના ફળ સ્વરૂપે આ હોસ્પીટલમાં એમડી ડોકટર આંખના રોગ, સ્ત્રી રોગ, દંતરોગ, હાડકાના રોગ, બાળરોગ, માનસીક રોગ, આર્યુવેદીક વિભાગ, ફીઝયોથેરાપી વિભાગ વિગેરેના ડોકટરો સેવા આપશે

શ્રી દફતરીએ વધુમાં જણાવેલ કે, નોમીનલ ચાર્જમાં લાયન્સ હોસ્પિટલમાં નિદાન કરી આપવામાં આવશે અને દવા પણ  રાહત ભાવે આપવામાં આવશે . લેબોરેટરી ટેસ્ટ અને એક્સરે પણ રાહતભાવે કરી આપવામાં આવશે આંખના દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે જુનાગઢની બહાર જવું પડું છે તેના બદલે હવૅથી મોતીયાના વિનામુલ્યે ઓપરેશન પણ કરી આપવામાં આવશે. અન્ય જરૂરીયાત પ્રમાણે માટેના ઓપરેશન નિદાન દ્વારા કરવાના થશે તો જે તે ડોકટરો દ્વારા તે ઓપરેશન પણ રાહત દરે કરી અપાશે.

શ્રી દફતરીએ આ તકે હોસ્પિટલને નવા રૂપરંગ આપવા માટે લાયન્સ કલબ જૂનાગઢ રૂદ્રાક્ષના મેમ્બરો છેલ્લા ચાર માસથી જહેમત ઉઠાવી રહ્યા હોવાનું જણાવીને આ તમામ સભ્યો અને ભરતભાઈ લખલાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ તકે સ્વ. ચુનીભાઈ લોઢીયાના પરીવારનો શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી અને રૂપલબેન લખલાણીએ આભાર પ્રગટ કરેલ અને તેઓશ્રીની ઈચ્છા મુજબ આ હોસ્પીટલ  માનવ સેવા માટેનુ એક સરસ મજાનું માધ્યમ બની રહેશે તેમ જણાવ્યુ હતું.

આ તકે લાયન્સ કલબ જૂનાગઢ રૂદ્રાક્ષના પ્રણેતા રૂપલબેન લખલાણીએ જણાવ્યુ હતુ કે, દર્દીઓની સેવા એજ શ્રી તુલજા ભવાની હોસ્પિટલનો ધ્યેય છે.

હોસ્પિટલના ઈન્ચાર્જ સુશ્રી રૂપલબેન લખલાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, શ્રી તુલજા ભવાની લાયન્સ જનરલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે તા.૧૬ રવિવારના રોજ સવારે ૧૦ થી ૧-૩૦ કલાક દરમ્યાન વિનામૂલ્યે નેત્ર યજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આમ મહામાનવ પૂ . ગુરૂદેવ જનકમુની મહારાજ સાહેબની ઈચ્છા પૂર્ણ કરવા માટે રૂપલબેન લખલાણી અને સમગ્ર લાયન્સ પરીવારની મહેનતને બિરદાવા અને આ હોસ્પિટલનુ લોકાર્પણ તા.૧૬ના સવારે ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યના વરદ હસ્તે રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે સસંદ સભ્ય રાજેશભાઈ ચુડાસમાના હસ્તે દિપ પ્રાગટ્ય થશે.

લોકાર્પણ સમારોહના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ભીખાભાઈ જોશી, મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર તુષાર સુમરા, ડે. મેયર હિમાંશુ પંડયા, લાયન્સ કલબના ગવર્નર વસંતભાઈ મોવાલીયા, જેતપુરના ઉધોગપતિ અને લાયન્સના પૂર્વ ગર્વનર  ધીરૂભાઈ રાણપરીયા, તુલજા ભવાની હોસ્પિટલના ટ્રસ્ટી શ્રીમતી વિજયાબેન લોઢીયા, વિસાવદરના વતની અને હાલ રાજ કોટ અને પૂ . ગુરૂદેવના નજદીકી શિષ્ય ભાવેશભાઈ નટુભાઈ શેઠ,  વર્ધામને સેવા સંઘના ટ્રસ્ટી ડૉ . નરેન્દ્ર ભાઈ કોઠારી-જુનાગઢ અને રાકેશ ભાઈ ગોપાણી-મુંબઈની ઉપસ્થીતીમાં આ હોસ્પીટલનું લોકાર્પણ કરવામાં આવશે.

વર્ધમાન સેવા સંઘના એડમિનીસ્ટ્રેટર  અતુલભાઈ શાહ આ હોસ્પીટલને નવા રૂપરંગ સાથે તૈયારી કરી રહ્યા છે. વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ દફતરીએ જુનાગઢની પ્રજાને આગામી તા ૧૬ના રોજ સવારે ૯ કલાકે આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે ભાવ ભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

પત્રકાર પરિષદમાં શ્રી દફતરી તથા શ્રીમતી રૂપલબેન લખલાણી ઉપરાંત હોસ્પિટલના ટ્રસ્ટી વિજયાબેન લોઢીયા, ધીરૂભાઈ રાણપરીયા, આગેવાનો ભરતભાઈ વાંક, મનસુખભાઈ વાજા, અમિતભાઈ ચરડવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:57 pm IST)