Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જુનાગઢના ટીંબાવાડીમાં કાલે પૂ.શામજીબાપુની પુણ્યતિથિ નિમીતે લોકડાયરો મહાપ્રસાદ

જુનાગઢ તા.૧૩: કાળઝાળ કળિયુગમાં પણ જયાં માનવમાત્રને આદર, આવકાર, અન્ન અને ઉતારા મળે છે, દીનદુઃખીયા, મુંડીયા, ટેલીયા અને ગાય માતાની જયાં સેવા થાય છે એવી જગવિખ્યાત શ્રી સતાધારની જગ્યાના બ્રહ્મલીન મહંત પ.પૂ. સંતશિરોમણી શ્રી શામજીબાપુની છત્રીસમી પૂણ્યતિથિ જુનાગઢના ટીંબાવાડી ખાતે તા.૧૪, ગુરૂવારે ઉજવાશે.

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ - ટીંબાવાડી દ્વારા નિર્માણ પામી રહેલા શ્યામધામ ખાતે છેલ્લા દશ વર્ષથી પ.પૂ. શ્રી શામજીબાપુની પૂણ્યતિથિ ઉજવાય છે. ગુજરાતમાંથી હજારો લોકો લાભ લેવા પધારે છે.

આ નિમિતે સવારે ૮-૩૦ કલાકે પૂજનવિધિ થશે. બપોરે ર વાગ્યે શ્યામવાડી, દાતાર રોડથી શોભાયાત્રા શરૂ થઇ ૪ વાગ્યે શ્યામધામ ખાતે પહોંચશે. જયાં મહાઆરતી બાદ ધર્મસભાના રૂપમાં સંતોના આશિર્વાદ તથા મહાનુભાવોના પ્રવચનોનો લાભ મળશે.

આ વર્ષે તિથિ મહોત્સવના મુખ્ય યજમાન શ્રી શ્યામ મહિલા મંડળ, જુનાગઢ છે જેના અનુસંધાને વિશિષ્ટ સિધ્ધિ મેળવેલા સમાજના નારી રત્નોનું સન્માન થશે. સાથેસાથે મહિલાઓને ઉપયોગી વિવિધ સરકારી કાર્યક્રમો જેવા કે, મિશન, મંગલમ, સખી મંડળ, બેટી બચાવો, મહિલા હેલ્પ લાઇખ, આર્થિક સહાયની યોજનાઓ વગેરે વિશે  માહિતી મળી રહે તે માટે વિવિધ સ્ટોલનં આયોજન પણ સ્થળ ઉપર રાખેલ છે.

સાંજે હજારો લોકો હરિહરની હાકલ સાથે સમુહ મહાપ્રસાદનો લાભ લેશે. રાત્રે ૮-૩૦ કલાકે ભવ્ય લોકડાયરામાં શ્રી રણજીતભાઇ વાંક, ભગવતીબેન ગોસ્વામી તથા કુલદીપ ગઢવી જેવા નામી કલાકારો સાહિત્ય તથા સંતવાણી રજુ કરશે.

કાર્યક્રમનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી ભાઇ-બહેનોને પધારવા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ, શ્યામધામ - ટીંબાવાડી જુનાગઢ દ્વારા જણાવાયું છે. (૧૧.૪)

 

(11:35 am IST)