Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ભાવનગરમાં રેડક્રોસ દ્વારા ‌ત્રિવિધ મહોત્‍સવ યોજાયો સેવાભાવીઓનું સન્‍માન

ભાવનગર તા.૧૩ : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા ત્રિવિધ મહોત્સવ યોજાયો હતો. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની માનવતાના મુલ્યો અંગે તથા પ્રવૃતિઓનો વ્યાપ વધારવા અને પીડીતોની પીડા ઓછી કરવાના કાર્યો અંગે પ્રશ્નોતરી અને માર્ગદર્શન યોજાયુ હતુ તથા દરેક શાખાઓની કઇ કઇ પ્રવૃતિઓ છે તેની માહિતી અપાઇ હતી.

અલગ અલગ કુલ ૩૮ જીલ્લા તથા તાલુકા શાખાઓના ૧૫૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજય શાખાના ચેરમેન ડો.ભાવેશભાઇ આચાર્ય, નવનીતભાઇ તનેજા, ડો.પ્રકાશભાઇ પરમાર, ડો.અશોકભાઇ શીલુ, સુરેશભાઇ ગામી, ઇશીતભાઇ, નરેશભાઇ ગોહિલ તથા મનીષાબેને ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવેલ. ઇન્ડિયન રેડક્રોસ સો. ભાવનગર જિલ્લા શાખા દ્વારા ગુજરાત રાજય શાખાના પૂર્વ ચેરમેન  ડો.મધુબેન નાયકનું માનવતાના પથદર્શક ટાઇટલ હેઠળના પુસ્તકનું વિમોચન  પૂ.મોરારીબાપુના હસ્તે કરવામાં આવેલ. આ પુસ્તકનું લેખન અને સંકલન ભાવનગર જિલ્લા શાખાના વાઇસ ચેરમેન સુમીતભાઇ ઠકકર (એડવોકેટ) દ્વારા કરવામાં આવેલ હતુ.

જાણીતા યુવા લેખક અને વકતા જય વસાવડાનું માનવતાવાદી મૂલ્યો અને રેડક્રોસ વિશે વકતવ્ય યોજાયુ હતુ. જે લોકોએ રસથી રસપાન કરેલ આ વકતવ્યમાં તેઓએ માનવતા અંગે અલગ અલગ ઉદાહરણો સાથે વકતવ્ય આપી આજના આ દિવસને ઉજાગર કર્યો હતો. આ ત્રિવિધ કાર્યક્રમોની સાથે રેડક્રોસની માનવતાવાદી પ્રવૃતિઓ સાથે ૧૫ વર્ષ કરતા વધુ સમયથી સંકળાયેલ વિવિધ તાલુકા અને જિલ્લા શાખાઓના ૪૦ વ્યકિતઓનું સન્માન કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ. કોન્ફરન્સમાં ભાગલેનાર દરેક જિલ્લાઓનું સન્માન કરાયુ હતુ.

આ કાર્યક્રમોને સફળ બનાવવા ભાવનગર રેડક્રોસની ટીમ પ્રતાપભાઇ શાહ, ડો.મિલનભાઇ દવે, સુમીતભાઇ ઠકકર, વર્ષાબેન લાલાણી, ભારતીબેન ગાંધી, નરેન્દ્રભાઇ ત્રિવેદી, ડો.કાર્તિકભાઇ દવે, પરેશભાઇ ભટ્ટી સહિત જહેમત ઉઠાવેલ હતી.(૪૫.૫)

(11:34 am IST)