Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

કોડીનારમાં મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં દિનુભાઇ સોલંકી-ધીરસિંહભાઇ બારડ વચ્ચે સમાધાન

કોડીનાર તા.૧૩: કોડીનાર તાલુકાના દેવળી ગામે વીર સપૂત દેદાબાપાની મૂર્તિ અનાવરણનું કાર્યક્રમ દોસ્તીનું નિમિત્ત બનતા કાર્યક્રમમાં કોડીનારની રાજકીય ઇતિહાસની અનેક ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. કોડીનારના કારડીયા રાજપૂત સમાજના રાજકીય અગ્રણીઓ ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડ છેલ્લા ૨૦ વર્ષથી અબોલા હતા. ત્યારે દેદાબાપાની મૂર્તિ અનાવરણમાં ભાજપ કોંગ્રેસના આ બન્ને દિગ્ગજ નેતાઓ ૨૦ વર્ષ બાદ સાથે નજરે પડતા અને લોકડાયરામાં બન્નેએ સાથે મળી રૂપિયાનો વરસાદ કરતા તેમજ આ સમગ્ર કાર્યક્રમમાં બન્નેની એકતા જોવા મળતાં કોડીનારમાં રાજકીય ચર્ચાઓએ ભારે વેગ પકડયું છે.

કોડીનારના રાજકારણના મુખ્ય બન્ને સ્તંભ ૨૦ વર્ષે એક થતા આવનારા દિવસોમાં કોડીનારના રાજકીય સમીકરણોમાં ભારે બદલાવની ચર્ચાએ ભારે જોર પકડયું છે.

આ તકે પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે કારડીયા રાજપૂત સમાજના મોભી ધિરસિંહભાઇ બારડ વીર સપૂત દેદાબાપાની પાંચમી પેઢીના સભ્ય છે, અને સમાજની ઇચ્છા હતી કે આવા સારા પ્રસંગે સાથે મળીને કામ કરીએ અને ભવિષ્યમાં પણ સમાજને મજબુત કરવા અને સમાજના હિત માટે સાથે મળીને કામ કરીએ તે માટે થઇને અમે સમાજના તમામ નેતાઓ એક થયા છીએ, અને મારી અને ધીરસિંહ બાપા વચ્ચે હવે કોઇ ખટરાગ ન હોવાનું જણાવી સમાજના કામો અમો બધાએ સાથે મળીને કરવાનું નક્કી કર્યાનું જણાવ્યું હતું.

ત્યારે કોડીનારના કોંગ્રેસ ભાજપના આ બે બાહુબલી નેતાઓ એક થતા કોડીનારના રાજકારણમાં આવનારા દિવસોમાં નવાજુની થવાની ચર્ચા છે. આ બન્નેની એકતાના વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.(૧.૪)

(10:09 am IST)