Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પૂ. મોરારીબાપુ પ્રેરીત સુપ્રસિધ્ધ 'કાગ' એવોર્ડ જાહેર

દમયંતિબેન બરડાઇ, હરદાનજી ખડિયા, ગોવિંદ અમરા ગઢવી તથા દેવકરણસિંહ રાઠોડનો સમાવેશઃ સ્વ. ભુધરજી જોષીને મરણોતર સન્માન આપવાનો નિર્ણય

કુંઢેલી તા. ૧૩ :.. લોક સાહિત્ય અને ચારણી ક્ષેત્રના વર્ષ ર૦૧૮ માં  અર્પણ થનારા પૂ. મોરારીબાપુ પ્રેરિત સુપ્રસિધ્ધ 'કાગ' એવોર્ડની ઘોષણા કરવામાં આવી છે. ચારણી, સંત અને લોકસાહિત્ય પરંપરાના વિદ્વાન સારસ્વત સ્વ. ભૂધરજી જોષીને મરણોતર એવોર્ડ તેમજ ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય પરંપરાના શ્રી હરદાનજી ખડીયા, સુપ્રસિધ્ધ ગુજરાતી લોક ગાયીકા દમયંતીબહેન બરડાઇ, ચારણી સાહિત્યના કલાકાર શ્રી ગોવિંદ અમરા ગઢવી તથા લોકવિદ્યાવિદ્ અને રાજસ્થાની ચારણી સાહિત્યના આજીવન સંશોધક-ચારણી છંદશાસ્ત્રના વિદ્વાન સારસ્વત ડો. દેવકરણસિંહ રાઠોડને ઉપરાંત આ વર્ષે ખાસ એક લોકસાહિત્ય સંસ્થાન 'શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર' સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાગ એવોર્ડ, એમ કુલ છ એવોર્ડ આ વર્ષે પૂ. મોરારીબાપુના હસ્તે કવિ કાગની ૪૧ મી પુણ્યતિથીએ તા. ૧૯ ને સોમવારે મજાદર (કાગધામ) ખાતે રાત્રીના સાડા આઠ કલાકે અર્પણ કરવામાં આવશે.

આ પૂર્વે સાંજના સાડા ત્રણ કલાકે 'કાગના ફળિયે કાગની વાતું' શિર્ષક હેઠળ ચારણ સાહિત્યના જાણીતા વિદ્વાન શ્રી માયાભાઇ આહીર અને ડો. જગદીશ ત્રિવેદી કવિ કાગના પ્રદાન અંગે વકતવ્ય આપશે.

બંને કાર્યક્રમોમાં સમાપન વકતવ્ય પૂ. મોરારીબાપુ આપશે. એમ એક યાદીમાં કાગ એવોર્ડ ચયન સમિતિના સંયોજક ડો. બળવંત જાની તથા શ્રી હરિશ્ચંદ્ર જોષીએ ઉપસ્થિત રહેવા માટે જાહેર નિમંત્રણમાં જણાવ્યું છે.

(11:33 am IST)