Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મહાશિવરાત્રી પર્વની ભવ્યતાથી ઉજવણી

શિવાલયોમાં અભિષેક, પુજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમોઃ અનેક જગ્યાએ શિવજીની શોભાયાત્રા

રાજકોટ તા.૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે મહાશિવરાત્રી પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી સર્વત્ર શિવાલયોમાં ભાવિકો વહેલી સવારથી ઉમટી પડયા છે અને પુજન, અર્ચન, અભિષેકનો લાભ લઇ રહ્યા છે.

મહાશિવરાત્રી પર્વ અંતર્ગત શિવ મંદિરોમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે અને હર હર મહાદેવ... ઓમ નમ શિવાય...ના નાદ ગુંજી રહ્યા છે. જુદા-જુદા શિવ મંદિરોમાં વિશેષ પુજન-અર્ચનની સાથોસાથ અભિષેક કરવામાં આવે છે અને ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે અને અનેક સ્થળોએથી નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો ઉમટી રહ્યા છે.

ભાવનગર

આશરે ૬પ૦ વર્ષ જુના અતિપ્રાચિન એવા ઐતિહાસિક શ્રી માળનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે શિવપુજા-અર્ચના તેમજ દિપમાલા, આરતી તથા મહાપ્રસાદ (ફળાહાર)નું ભવ્ય આયોજન શ્રી માળનાથ ગ્રુપ કરે છે જેની સ્થાપના ૧૯-૧-૧૯૯રના રોજથી પક્ષીઓ માટે ચણ એકઠુ (ભેગુ) કરીને માળનાથ મહાદેવના સાનિધ્યમાં આશરે દરરોજ ૭પ કિલો જેટલુ ચણ પહોંચાડે છે અને પક્ષીઓ દરરોજ ૭પ થી ૧૦૦ કિલો ચણ ચણી જાય છે. આ ઉપરાંત માળનાથ ગ્રુપ પક્ષીના પાણીના કુંડા તથા પક્ષીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરે છે. શ્રી જય માળનાથ ગ્રુપ દ્વારા આજે ભંડારીયા સ્થિત શ્રી માળનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના દિવસે વહેલી સવારે ૬ કલાકે દિપમાળા, સવારે ૯-૩૦ કલાકે ધ્વજારોહણ, બપોરે ૧ર-૩૯ કલાકે દિપમાળા, સાંજના ૭-૦૦ કલાકે દિપમાળા, રાત્રીના ૧ર કલાકે દિપમાળા તથા શ્રી જય માળનાથ ગ્રુપ દ્વારા મહાપ્રસાદ (ફળાહાર)નું સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના પ-૦૦ કલાક સુધી શિવપુજા, શિવપુજા સ્તવન તેમજ આ પ્રસંગે પધારનાર ભાવિક ભકતોને શિવદર્શનનો વિશિષ્ટ લાભ તથા પધારનાર સાધુ-સંતોનુ ભવ્ય સ્વાગત વિગેરે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાશે.

આ પ્રાચિન મંદિરનું મહત્વ એ છે કે આ મંદિર આથમણી દિશાનું છે તથા તેની પરસારમાં આવેલ બીલીપત્રનું વૃક્ષ શિવલીંગની સન્મુખ છે આવો સમન્વય ભાગ્યે જ જોવા મળતો હોય છે. શિવભકતોને દર્શનનો લાભ લેવા શ્રી માળનાથ ગ્રુપ દ્વારા ધાર્મિક જનતાને આમંત્રણ પાઠવ્યુ છે.

ધોરાજી

ધોરાજી : મહાશિવરાત્રી મહોત્સવના ભાગરૂપે શહેરના તમામ શિવાલયોમાં મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાશે. જેમાં મહાપુજા-મહાઆરતી બાદ ભાંગના મહાપ્રસાદ સાથે ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠયા છે.

જેમાં ઋષિવાડી આનંદનગર ખાતે આવેલ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે મહાઆરતી યોજાશે. જેમાં સુપ્રસિધ્ધ કથાકાર પૂ.મોટાભાઇ હેમેન્દ્રભાઇ જોષી દ્વારા મહામંત્રના નાદ સાથે શિવજીને અભિષેક મહાપુજા-મહાઆરતી થશે બાદ બપોરે ભાંગ પ્રસાદનું આયોજન કરાયુ હતુ.

ધોરાજીના ઋષિવાડી ખાતે શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે બપોરે ૩-૦૦ કલાકે વિશાળ પાલખીયાત્રા શિવજીના શણગારોના ફલોટ સાથે નીકળશે. જેમાં કથાકાર પૂ.ભાઇજી હેમેન્દ્રભાઇ જોષી સાથે ભાવિક ભકતજનો જોડાશે. જે પાલખીયાત્રા બીલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પ્રારંભ પીપરવાડી-જુનાગઢ રોડ-બાપુના બાવલા ચોક સ્ટેશન રોડ થઇ આનંદનગર થઇ મંદિર ખાતે પુર્ણ થશે બાદ મહાપ્રસાદ-ભાંગ પ્રસાદ લાવવામાં આવશે.  તેમજ શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર આશ્રમ ખાતે શ્રી બટકેશ્વર મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ, રત્નાબાપા મંદિર, નાગનાથ મહાદેવ મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર, શિવાલયોમાં મહાશિવરાત્રી મહોત્સવ સાથેઓમ નમ શિવાયનું મહામંત્ર સાથે નામ ગુંજી ઉઠશે.

જુનાગઢ

જુનાગઢ : સોમેશ્વર મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના દિવસે દરેક ભાવિક ભકતજનોને ફરાળ રૂપી પ્રસાદી શ્રી સાંઇ પુષ્પા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ આશાબેન શૈલેષભાઇ શ્રીવાસ્તવના પરિવાર તરફથી ફરાળની પ્રસાદી આપવાનો કાર્યક્રમ તેમજ કોર્પોરેશન દ્વારા વડીલો માટે મુકવામાં આવેલ બાકડાઓનું લોકાર્પણનો કરાશે.

આ કાર્યક્રમમાં મેયર આદ્યાશકિતબેન નિલેશભાઇ ધુલેશીયા, શૈલેષભાઇ દવે, પ્રિતિબેન સાંગાણી ઉપસ્થિત રહેશે.

આ તકે સવારે ૮ થી ૧૦-૩૦ કલાકે શિવપુજા, બપોરે ૧૦-૩૦ થી ૧૦-૪પ કલાકે સન્માન તથા મંદિર પરિસરમાં થયેલ સીસી કામો તથા બાકડા લોકાર્પણ, બપોરે ૧૧-૦૦ કલાકે મહેમાનો અને ટ્રસ્ટીગણ તથા દાતાશ્રી રાજેશભાઇ શ્રીવાસ્તવના ફરાળ પ્રસાદીનું વિતરણ કરાશે તેમ શ્રી સોમેશ્વર મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ પ્રમુખ અતુલકુમાર દેવડીયા, ચેરમેન ભાવેશભાઇ વેકરીયા, મંત્રી અલ્કેશકુમાર ગુંદણીયાએ જણાવ્યુ છે

 

(6:53 pm IST)