Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મોરબી જીલ્લા પંચાયતમાં જૂથવાદ શમ્યો :કમિટીની નિર્વિવાદ રચના થઇ :કોંગ્રેસ હાઈકમાન્ડને હાશકારો

અસંતુષ્ટ જૂથના હેમાંગકુમાર રાવલને કારોબારી સમિતિના અધ્યક્ષ બનાવ્યા

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણીમાં સર્જાયેલ જુથવાદને પગલે કમિટીઓની રચના ટલ્લે ચડી હતી આખરે જીલ્લા પંચાયતની સાધારણ સભામાં કમિટીઓની રચના કરીને હોદાની ફાળવણી કરાઈ હતી જેમાં સૌના આશ્ચર્ય વચ્ચે બધું સમું સુતરું પાર પડતા કોંગ્રેસ હાઈકમાન્ડે રાહતનો શ્વાસ લીધો છે

 મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ડીડીઓ એસ એમ ખટાણાના અધ્યક્ષસ્થાને જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સૌથી મુખ્ય એજન્ડા કમિટીઓની રચના કરવાનો હોય અને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. જીતુભાઈ પટેલ પાર્ટી દ્વારા ફાઈનલ કરેલું લીસ્ટ લઈને પહોંચ્યા હતા

  જેમાં કારોબારી સમિતિ અધ્યક્ષ તરીકે રાવલ હેમાંગભાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ તરીકે હસમુખભાઈ મુછડીયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષ અમુભાઈ હુંબળ, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે કુસુમબેન બાદી, જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ દીનાબેન અનિલભાઈ કામરીયા, અપીલ સમિતિના અધ્યક્ષ કિશોરભાઈ ચીખલીયા, અને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ અધ્યક્ષ તરીકે શારદાબેન માલકીયાની તેમજ મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ તરીકે રેખાબેન પટેલની વરણી કરવામાં આવી છે

  મોરબી જીલ્લા પંચાયતની સાધારણ સભામાં તમામ નવ એજન્ડા તેમજ પ્રમુખ સ્થાનેથી બે કમિટીઓની રચના સહિતના એજન્ડાઓને મંજુરી મળી છે પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટણીમાં કોંગ્રેસનો જુથવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો ત્યારે અસંતુષ્ટ જૂથના સુત્રધાર હેમાંગકુમાર રાવલને કારોબારી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે જેથી હાલ વિવાદ શમી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે અને લોકસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસમાં જુથવાદ શાંત થતા કોંગ્રેસ હાઈ કમાન્ડે રાહતનો શ્વાસ લીધો છે

(9:55 pm IST)