Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મોરબીના જલારામ મંદિરે પૂજ્ય જલાબાપાની ૨૨૨મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી

હોટલમાં વેઇટર તરીકે કામ કરતા મહિલાઓના હસ્તે કેક કટીંગ : પ્રભાતધૂન, અન્નકુટ દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૨ : મોરબીના જલારામ મંદિરે આજે પૂજય જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. જેમાં સવારે ૬.૩૦ કલાકે પ્રભાતધૂન, ૯.૩૦ કલાકે અન્નકોટ દર્શન યોજાયા હતા. ખાસ કરીને જલારામ મંદિર દ્વારા વિશિષ્ઠ વ્યકિતના હસ્તે કેક કટિંગ કરવાની પરંપરા અનુસાર આ વર્ષે હોટલમાં વેઈટર તરીકે કામ કરતા નેપાળી મહિલાઓના હસ્તે કેક કટિંગ કરાયું હતું.મોરબી જલારામ મંદિર ખાતે પૂજય જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતી અવસરે અનેકવિધ આયોજન કરાયા હતા જેમાં દર વર્ષે વિકલાંગ, મનોદિવ્યાંગ જેવા ક્ષતિગ્રસ્ત લોકોના હસ્તે કેક કટિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે હોટેલમાં વેઇટર તરીકે કામ કરતા નેપાળી પરિવારના બહેનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવ્યું હતું.બપોરે ૧૨.૦૦ મહા આરતી તેમજ ૧૨.૩૦ કલાકે મહાપ્રસાદ યોજાયો હતો.સાંજે ૫.૦૦ કલાકે વૈદિકયજ્ઞ તેમજ ૬.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે ભાવિકજનો મોટી સંખ્યામાં તમામ કાર્યક્રમમાં જોડાઈ હર્ષોલ્લાસ સાથે જન્મ જયંતિ પ્રસંગને દીપાવ્યો હતો.

(12:19 pm IST)