Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

લોધીકા પાસે અકસ્માતમાં ત્રણ યુવકોના મોતથી અરેરાટી

દેવડા ગામના પાટીયા પાસે બે બાઈક સામસામા ટકરાતા જામનગરના રણછોડ વાઘેલા તથા તેના મામાના પુત્ર ખંઢેરા : ગામના કરશન સોલંકી અને હાલ રાજકોટ અને મૂળ વિરનગરના હર્ષિત રામાણીના ઘટના સ્થળે જ મોત : મૃતક રણછોડ તથા તેના મામાના પુત્ર કરશન સાથે હરીપરપાળ ગામે માતાજીના માંડવામાં જતા'તા અને હર્ષિત રામાણી કાલાવડ જતો'તો અને અકસ્માત થતા ત્રણેયને કાળ ભેટી ગયોઃ ત્રણેય યુવાનોના પરિવારમાં શોકનું મોજ

રાજકોટ, તા. ૧૨ :. લોધીકાના દેવડા ગામના પાટીયા પાસે બે બાઈક સામસામા ટકરાતા ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના દેવડા ગામના પાટીયા પાસે પરમ દિ' રાત્રે બે બાઈક સામસામા ટકરાતા ડબલસવારી બાઈકમા બેઠેલા રણછોડ ગોરધનભાઈ વાઘેલા (ઉ.વ. ૨૦) રહે. શંકરટેકરી વિસ્તાર જામનગર તથા કરશન બચુભાઈ સોલંકી (ઉ.વ.૨૦) રહે. ખંઢેરા, તા. કાલાવડ અને હર્ષિત તુલસીભાઈ રામાણી (ઉ.વ. ૨૩) રહે. મુંજકા ગામ રાજકોટ મૂળ વિરનગર તા. જસદણના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતા લોધીકાના એએસઆઈ કે.કે. ગઢવી અને રાઈટર ઉપેન્દ્રસિંહ ગોહિલ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અકસ્માતમાં મોતને ભેટેલ જામનગરનો રણછોડ વાઘેલા કાલાવડના ખંઢેરા ગામે રહેતા તેના મામાના પુત્ર કરશન સાથે રાજકોટના હરીપરપાળ ગામે પોતાના દેવીપૂજક સમાજના માતાજીનો માંડવો હોય ત્યાં જવા નિકળ્યા હતા અને બીજી તરફ રાજકોટના મુંજકા ગામે રહેતો હર્ષિત રામાણી પોતાના બાઈક પર કોઈ કામ અર્થે કાલાવડ તરફ જવા નિકળ્યો હતો ત્યારે લોધીકાના દેવડા ગામના પાટીયા પાસે બાઈક સામસામે અથડાતા ત્રણેય યુવકો બાઈક પરથી ફુટબોલની જેમ ફંગોળાતા અને ત્રણેયને બ્રેઈન હેમરેજ થઈ જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ૧૦૮ના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા.

મૃતક હર્ષિત અને રણછોડ તેના માતા-પિતાના એકલૌતા પુત્ર હતા, જ્યારે કરશન બે ભાઈ અને એક બહેનનો સૌથી નાનો હતો. રણછોડ અને કરશન મજુરી કામ કરતા હતા જ્યારે હર્ષિત રાજકોટની માલવીયા ચોકમાં આવેલી સિલ્વર પેલેસ હોટલમાં નોકરી કરવાની સાથોસાથ હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરતો હતો. ત્રણેય યુવકોના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

(11:45 am IST)