Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

કાલે સાંજે જસદણમાં પાટીદાર શૈક્ષણીક ભવનનું લોકાર્પણ

નરેશભાઇ પટેલ, ઉમીયામાતા સંસ્થાન ઉંઝાના પ્રમુખ મણીદાદા, પૂ. અર્પુવમુની સ્વામી, હાર્દિક પટેલ, લાલજીભાઇ પટેલ, અલ્પેશ કથીરીયા સહીતના ઉપસ્થિત રહેશેઃ રાત્રે ભવ્ય લોકડાયરો

(વિજય વસાણી દ્વારા) જસદણ તા. ૧ર :.. જસદણમાં કાલે આટકોટ રોડ ઉપર નવા આકાર પામી રહેલા પાટીદાર શૈક્ષણીક ભવનનાં લોકાર્પણ પ્રસંગે ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉમીયા માતા સંસ્થાન ઉંઝાના પ્રમુખ મણીદાદા, રાજકોટ સ્વામિનારાયણ મંદિરના અપૂર્વમુની સ્વામી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, લાલજીભાઇ પટેલ, અલ્પેશ કથીરિયા સહિત પાટીદાર સમાજનાં અનેક આગેવાનો, દાતાઓ, શ્રેષ્ઠીઓ સહિત ઉપસ્થિત રહેવાના હોય જસદણ પંથકમાં પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાત્રે ભવ્ય લોકડાયરો પણ યોજાશે.

જસદણના આટકોટ રોડ ઉપર વર્ષોથી પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયાના પ્રયાસથી પાટીદાર સમાજને ફાળવવામાં આવેલી જમીનમાં જસદણ તાલુકાનાં કમળાપુર ગામનાં અને પાટીદાર અનામત આંદોલનનાં આગેવાન દિનેશભાઇ બાંભણીયા, પાસની ટીમ અને સ્થાનિક પાટીદાર સમાજનાં આગેવાનોનાં સહયોગથી ખુબ જ ટૂંકા ગાળામાં જસદણમાં પાટીદાર શૈક્ષણીક ભવન કાર્યરત થઇ ગયું છે.

આ પાટીદાર ભવનમાં પાટીદાર સમાજનાં યુવાનોને ઉચ્ચ શૈક્ષણીક અભ્યાસક્રમની માહિતી, સરકારી યોજનાની જાણકારી તેમજ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવવામાં આવશે.

આવતીકાલે સાંજે ૭.૩૦ કલાકે આ ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ થશે.

પાટીદાર સમાજનાં આ ભવ્ય સમારોહમાં ખોડલધામના નરેશભાઇ પટેલ, ઉમીયાધામ ઉંઝાના પ્રમુખ મણીદાદા (મમ્મી), અનામત આંદોલનના પ્રણેતા હાર્ર્દિક પટેલ, અલ્પેશ કથીરીયા, સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને ખાસ પાટીદાર શૈક્ષણીક સંસ્થાના નેઝા હેઠળ અને તેમનાં માર્ગદર્શનથી તેમજ આર્થિક સહયોગથી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ભવ્ય સમારોહને આશીર્વચન આપવા રાજકોટ બી.એ.પી. એસ. સ્વામીનારાયણ મંદિરનાં અપૂર્વમુનિ ખાસ ઉપસ્થિત રહી યુવાનોને આશીર્વચન આપશે.

આ ઉપરાંત ખોડલધામ સમિતિનાં મહીલા મંડળના સુમિતાબેન કાપડીયા, ઉમીયાધામ ઉંઝાના મહિલા સમિતિના પ્રમુખ ડો. જાગૃતિબેન પટેલ, જસદણ પાલિકાના મહિલા પ્રમુખ અનિતાબેન રૂપારેલીયા, જસદણ ઉમીયા પરીવારના મહિલા અગ્રણી દયાબેન લાડોલા,

ખોડલધામ મહિલા મંડળના અગ્રણી ડો.મિનાબેન પટેલ તથા સ્થાનીક મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.

બીન રાજકીય આ કાર્યક્રમને સફળ બનાવવા દિનેશભાઇ બાંભણીયાની આગેવાની હેઠળ પાટીદાર યુવાનો અને આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

કાર્યક્રમ પુર્ણ થયા બાદ રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં અલ્પા પટેલ, યોગીતા પટેલ, મનસુખભાઇ વસાવા, ઘનશ્યામ લાખાણી સહીતના કલાકારો લોકડાયરાની ઝમાવટ કરશે.

આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શૈક્ષણીક ભવનના ટ્રસ્ટી અને જસદણના પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા, પુર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરા, વલ્લભભાઇ બોદર, છગનભાઇ કાકડીયા, ભરતભાઇ છાયાણી, અરવિંદભાઇ નાગડીયા, નાનજીભાઇ સિધ્ધપરા, ભુપતભાઇ ભાયાણી અને રમેશભાઇ હિરપરાએ યાદીમાં જણાવ્યું છે. (૪.૭)

પાટીદાર અનામત આંદોલનમાં શહિદ થયેલાનું સ્મારક પ્રથમ જસદણમાં નિર્માણ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧ર :.. જસદણનાં આટકોટ રોડ ઉપર કાલે યોજાનારા પાટીદાર શૈક્ષણીક ભવનનાં લોકાર્પણની સાથે સાથે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા સમાજનાં નવ લોહીયા યુવાનોનું ગુજરાતમાં પ્રથમ શહીદ સ્મારક જસદણ ખાતે બનાવવામાં આવ્યુ છે. તેવું દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું.

આ ઉપરાંત આંદોલનકારીઓ અને સમાજના મોભીઓ એક મંચ ઉપર ભેગા થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંભવિત જસદણનો આ લોકાર્પણ કાર્યક્રમ પ્રથમ રહેશે કે જેમાં ઉમીયાધામ ઉંઝા અને ખોડલધામ કાગવડનાં પ્રમુખો જાહેર કાર્યક્રમમાં એક મંચ ઉપર ભેગા થતાં હોય ... ! (પ-૧૧)

આર્થિક સધ્ધર ન હોવાથી અભ્યાસ છોડી દેનાર છાત્રોને ઉચ્ચ અભ્યાસ કરાવાશેઃ દિનેશ બાંભણીયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા., ૧રઃ પાટીદાર અનામત આંદોલનના પાયાના પથ્થર અને હાર્દીક પટેલના સાથીદાર દિનેશ બાંભણીયાએ જસદણમાં ખુબ જ ટુંકા ગાળામાં સ્થાનીક પાટીદાર સમાજના આગેવાનો અને તરવરીયા સમાજના યુવાનોની રાત-દિવસની મહેનતથી પાટીદાર શૈક્ષણીક ભવનનું નિર્માણ કરી પાટીદાર સમાજ જ નહી પરંતુ બીન અનામત કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પીઠબળ પુરૂ પાડી નવો જ રાહ ચિંધ્યો છે.

દિનેશ બાંભણીયા સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અનામત આંદોલન દરમિયાન જાણવા મળ્યું કે બીન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સરકારી યોજના કે સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ઓછી જાણકારી હોય હવે તેના તરફ આગળ વધી બીન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં, ઉચ્ચ અભ્યાસમાં એડમીશન માટે મદદ કરી તેમને આગળ વધારવા.

જેના ભાગરૂપે હાલ ગુજરાતના ૩૬ તાલુકામાં સ્થાનીક અને સમગ્ર અનામત આંદોલનકારીઓની ટીમના સહયોગથી સંકુલો કાર્યરત કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં ૧૩૪ તાલુકામાં ધીમે ધીમે ચાલુ કરવામાં આવશે. જેથી તમામ તાલુકા અને ગામડે ગામડે બીન અનામત અને પાટીદાર વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકાય.

તેમણે જણાવ્યું હતું કે અમુક હોશીયાર વિદ્યાર્થીઓ હોય છે કે તેઓ આર્થીક રીતે સધ્ધર ન હોવાથી અભ્યાસ છોડી દેતા હોય છે તેમને દતક લઇ તેમને ઉચ્ચ અભ્યાસ આગળ વધારવામાં આવશે.

કાલે જસદણમાં યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં સમગ્ર પાટીદાર સમાજને ઉપસ્થિત રહેવા તેમણે અનુરોધ કર્યો છે.

(11:49 am IST)