Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ખેડૂતોને ન્યાય મળે તે માટે હાર્દિક પટેલ હવે 'યુદ્ધ એ જ કલ્યાણ' સાથે આંદોલનનો પ્રારંભ કરશે

રાજકોટ, તા. ૧૨ :. કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને ખેડૂત નેતા હાર્દિક પટેલની અધ્યક્ષતામાં કાલે સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી પડધરીમાં ખેડૂતોને ન્યાય મળે તે માટે ૧ દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કરીને 'યુદ્ધ એ જ કલ્યાણ' સાથે ખેડૂતોને ન્યાય માટે માંગણી કરશે.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે ખેડૂત આંદોલનમાં જીવ દેવો પડે તો આપીશ. આજે ગુજરાતને વિઠ્ઠલભાઈ રાદડિયા જેવા ખેડૂત નેતાની ખોટ પડી રહી છે. હવે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ખેડૂતોના આંસુ લૂંછવાનુ કામ કરવામાં આવશે. ગમે તે પરિસ્થિતિમાં ખેડૂતોની પડખે ઉભા રહીશું.

આ આંદોલનમાં ભાજપ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ પરંતુ હજુ સુધી રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ટંકારા, પડધરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરા સિવાય બીજા કોઈ રાજકીય પક્ષના નેતાઓએ આંદોલનને સમર્થન આપેલ નથી.  કાલે ઉપવાસ આંદોલનમાં હાર્દિક પટેલ સાથે કિસાન સંઘમાંથી પાલભાઈ આંબલીયા, ઠાકરશીભાઈ પીપળીયા, રમેશભાઈ હાપલીયા, કમલેશભાઈ વસોયા, પાસ ટીમમાંથી મનોજભાઈ પનારા, જયેશભાઈ પટેલ, મનિષભાઈ દોંગા, રજનીકભાઈ વેજપરા, કલ્પેશભાઈ ભાલોડીયા, અમિતભાઈ ટીંબડીયા, મહીપાલભાઈ પાણ, દલપતભાઈ ભોજાણી સહિતના હાજર રહેશે તેમ બ્રિજેશભાઈ પટેલે જણાવ્યુ છે.

(3:47 pm IST)