Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

કાલે હાર્દિક પટેલ પડધરીમાં: ખેડૂતોના પ્રશ્ને ઉપવાસ આંદોલન

આખો દિવસ દેશભકિતના ગીતો ગુંજશેઃ ખેડૂતો પોતેજ ખેત, ઉત્‍પાદનના ભાવ નકકી કરે તે માટે ઠરાવ થશે : ખેડૂતોને તાત્‍કાલીક સંપૂર્ણ પાક વિમો આપો, ખેડૂતોનુ સંપુર્ણ દેવુ માફ કરો મુખ્‍ય માંગણીઃ કોંગ્રેસના ધારાસભ્‍યો, ખેડૂતો, આગેવાનો ઉમટશે : સાંજ સુધી પ્રતિક ઉપવાસ

રાજકોટ તા. ૧ર : યુવા નેતા, ખેડૂત પુત્ર અને કોંગ્રેસના સ્‍ટાર પ્રચારક હાર્દિક પટેલનું કાલે પડધરીમાં આગમન થશે. પડધરીનાં વસુંધરા હોટલ, બાયપાસ રોડ ઉપર સવારના ૧૦ થી સાંજના પ વાગ્‍યા સુધી ખેડૂત સત્‍યાગ્રહ-એક દિવસના પ્રતિક ઉપવાસ સાથે ખેડૂતો માટે આંદોલનના મંડાણ થશે.

આ અંગે હાર્દિક પટેલે ‘‘અકિલા''ને જણાવ્‍યુ હતું કે,  ખેડૂતોને તાત્‍કાલીક ધોરણે સંપૂર્ણ પાકવિમો આપો, ખેડૂતોનું સંપૂર્ણ દેવુ માફ કરવાની માંગણી કરવામાં આવશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યુ હતું કે, આ ઉપવાસ આંદોલન માટે ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્‍યોને આમંત્રણ આપવામાં આવ્‍યું છે કોંગ્રેસના આ વિસ્‍તારનાં ધારાસભ્‍ય લલીતભાઇ કગથરા, ખેડૂત આગેવાનો, મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉમટી પડશે.

જેમાં સવારથી સાંજ સુધી દેશભકિતના ગીતો ગુંજશે અને ખેડૂતો પોતાના પાક ઉત્‍પાદનના ભાવ ખેડૂતો પોતે જ નકકી કરે તે માટેનો ઠરાવ આ ઉપવાસ આંદોલનમાં કરાશે. તેમ હાર્દિક પટેલે જણાવ્‍યું છ.ે

હાર્દિક પટેલે વધુમાં જણાવ્‍યું કે  સમગ્ર ગુજરાતમાં હાલ ખેડૂત જ યાતના ભોગવી રહ્યા છે એક બાજું સરકાર ની નિતીઓ અને બીજી બાજું કૂદરત નાં પ્રકોપનો ભોગ ખેડૂતો બની રહ્યાં છે.

ગુજરાત માં છેલ્લા ત્રણ વર્ષથી કુદરતી આપત્તિ નો ભોગ સતત ખેડૂતો બની રહ્યા છે.

આ કુદરતી આફતો સામે ની નુકશાની માટે વિમા કવચ માટે પ્રિમિયમ પણ ભરી રહ્યા છે પણ વિમા કંપનીઓ ખેડૂતો ને કાયમ અંગુઠો બતાવે છે અને વળતર માટે ઠાગાઠૈયા કરે છે, આના કારણે ખેડૂતો સતત પાયમાલ થઈ રહ્યાં છે અને કંપનીઓ તગડી થઈ રહી છે.

શા માટે આમ થઈ રહ્યું છે?? ખેડૂતો માં હજુ સંગઠન શક્‍તિ નો મોટો અભાવ છે બીજું કે રાજકીય પક્ષો માં વહેચાયેલા છે અને હજું જાત-પાત ના વાડાઓ માંથી બહાર નિકળી શક્‍યા નથી તે પણ સ્‍વીકાર કરવો જ પડશે. હવે આપણે ખેડૂતો ને આ તમામ રાજકીય પક્ષો જાત-પાત છોડી એક ખેડૂત તરીકે જ એક મંચ ઉપર આવવાનો સમય આવી ગયો છે.

હવે ખેડૂતો માટે લડત આપતાં હોય તેવા કોઈપણ આગેવાન ને આપણે સપોર્ટ કરવો જ પડશે અને આપણી સંગઠિત શક્‍તિ રૂપે તેમને બળ પૂરું પાડવું પડશે. તો જ આગેવાનો આપણી વાત ને ઉચ્‍ચ કક્ષાએ પહોચાડશે અને આપણ ને ન્‍યાય અપાવવા સતત પ્રયત્‍નશીલ રહેશે.

વાત ખેડૂતો ની હશે તેની સાથે આપણે હાથ મિલાવી ચાલવું પડશે. ખેડૂતો માટે કોઈ પણ વ્‍યક્‍તિ પ્રતિનિધિત્‍વ કરતાં હોય તેને આપણે કાયમ સપોર્ટ કરવો જોઈએ.

હાર્દિક પટેલે જણાવ્‍યું કે સરકાર દ્વારા અપાતી ખેડૂતો માટે ની સબસિડી કંપનીઓ ને ફાળવવામાં આવતી હોય છે. ખાતર, બિયારણ, ઓઝારો, અને વિમા કંપનીઓ ને પ્રિમિયમ માં તે સબસિડી ખેડૂતો ને ડાયરેકટ મળી શકે તો પણ આપણ ને મોટો ફાયદો મળી શકે છે તે જગજાહેર વાત છે. પરંતુ આમ થતું નથી અને ખેડૂતો માટે ના પૈસા કંપનીઓ ચાંઉ કરી જાય છે. તે બંધ કરાવવામાં આવે તે માટે પણ એક મોટી લડત લડવી પડશે.

હવે આપણે તમામ ખેડૂતો તરીકે જ એક ઓળખ ઊભી કરવી પડશે જેમાં કોઈ જાત-પાત જ્ઞાતિ કે પક્ષના-પક્ષી થી અલગ થઈ એક ખેડૂત તરીકે જ આગળ આવી લડત આપવી પડશે. ખેડૂતો સંગઠિત બનશે તો સરકાર પણ તેનાં નિર્ણયોમાં ફેરફાર કરશે જ હાલ ખેડૂત નું સંગઠન રાજય લેવલે કોઈ કામ કરતું હોય તેમ જણાંતુ નથી. થોડા આગેવાન કામ કરી રહ્યા છે અને પરીણામ સુધી પહોંચી પણ ગયા છે. તો તેવા ખેડૂતો ની વાત કરનાર આગેવાન ને આપણે સાથ સહકાર આપશું તો વધું તાકાત થી લડત આપી શકશે. તાલુકા લેવલ થી સંગઠન બનાવી રાજય લેવલ સુધી પંહોચવું પડશે એ જવાબદારી છે.

હવે પછી જે પણ ખેડૂતો માટે કાર્યક્રમ થતાં હોય સંમેલન થતાં હોય અથવા રજુઆતો માટે જવાનું હોય ત્‍યારે આપણે નાત જાત કે રાજકીય પક્ષો ને એકબાજુ મુકી ફક્‍ત ને ફક્‍ત ખેડૂતો ના નાતે આપણે હાજરી આપવી પડશે. આપણો નેતા આપણે જ છીએ તેમ માની લડતમાં જોડાઈ જવું પડશે. તમામ ખેડૂતો ની લડાઈ અને લડત તેના નેતા પણ તમામ ખેડૂતો જ છે.તેમ અંતમાં હાર્દિક પટેલે જણાવ્‍યું હતું.

ખેડૂતોના પાક વિમા સહિતના પ્રશ્ને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ફરી મેદાને આવ્‍યા છ.ે હાલ સતત વરસાદની સ્‍થિતિમાં અનેક ખેડુતોને પાક ઉપજ સહિતનો ફટકો પડયો છે તથા પાકવિમો નથી મળ્‍યો ત્‍યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કાલે પડધરીમાં ઉપવાસ આંદોલન કરશે. આ મામલે તંત્ર તરફથી પણ મંજુરી મળી ગઇ છ.ે

પાટીદાર યુવા અગ્રણી તથા હાલ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ૧૩મીએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ઉપવાસ આંદોલન માટે તંત્રની મંજુરી માગી હતી. મામલતદાર તેમજ પોલીસ તંત્ર તરફથી મંજુરી મળી જતા, બુધવારે પડધરી હાઇવે પર બંસીધર હોટેલ  નજીક ઉપવાસ-ધરણાં કરશે. આ સાથે ખેડુતોને પાક વીમો વહેલો આપવા, તેમજ વરસાદ-અતિવૃષ્‍ટિથી થયેલી નુકસાનીનું વળતર વહેલાસર ચુકવવાની માંગણી બુલંદ બનાવશે.

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્‍ટ્રમાં જાહેરમાંથી અદ્રશ્‍ય હાર્દિક ખેડૂતોના પ્રશ્ને ફરી મેદાને આવશે. ઉલ્લેખનીય છે. કે ગત મંગળવારે રાજકોટમાં પત્રકાર પરિષદમાં હાર્દિકને ખેડૂતને અઠવાડિયામાં પાક વિમો નહી મળે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્‍ચારી હતી. પડધરી, લોધિકા, જસદણ સહિતના વિસ્‍તારોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની વાત વચ્‍ચે હાર્દિકે ઉપવાસનું સ્‍થળ પડધરી પસંદ કર્યું છે જો કે ખેડૂતોના પાકવીમા પ્રશ્ને તે આંદોલનને બુલંદ બનાવશે.

(12:15 pm IST)