Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો બીજો દિ': માનવ મહેરામણ

દરરોજ રાત્રીનાં લોકડાયરો, ભજન, સંતવાણીની રમઝટ

વેરાવળ-પ્રભાસપાટણ, તા. ૧૨ :. સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનાં પાંચ દિવસના મેળાને આજે કલેકટર અજય પ્રકાશના હસ્‍તે સાંજના ૬ કલાકના અરસામાં દિપ પ્રાગટય કરી અને ખુલ્લો મુકવામાં આવેલ હતો. આ તકે તમામ મહાનુભાવોનું ઢોલ, શરણાઈ અને ફટાકડાની રમઝટ સાથે સ્‍વાગત કરેલ અને મેળાનું ઉદઘાટન થતાની સાથે ફટાકડા ફોડી અને આતશબાજી કરેલ. મેળાના ઉદઘાટન બાદ આ વર્ષે બે કુટીર મેળા આવેલ છે. જેમાં એકમાં ૫૦ સ્‍ટોલ અને બીજામાં ૯૫ સ્‍ટોલ આવેલ છે. આ બન્ને સ્‍ટોલને રીબીન કાપી અને ખૂલ્લા મુકવામાં આવેલ અને કલેકટર અને મહાનુભાવો દ્વારા રાજકોટ જેલના કેદીઓના ભજીયા તેમજ કેદીઓ દ્વારા બનાવેલ અન્‍ય ચીજવસ્‍તુના સ્‍ટોલને ખુલ્લો મુકેલ અને ભજીયાઓનો આનંદ માણેલ અને બીજા ખાણીપીણીના સ્‍ટોલમાં પણ પગપાળા ચક્કર મારેલ હતી. આજે મેળાનો બીજો દિવસ છે.

આ મેળામાં મોટા ઝાંયટ ચકરડા તેમજ બાળકો માટેના મનોરંજન માટેની અનેક આઈટમો આવેલ છે તેમજ આઈસ્‍ક્રીમ, ખાણીપીણી અને લોકડાયરા અને સંતવાણી માટે પણ આયોજન થયેલ છે. જેમા ૧૧ થી ૧૫ સુધી રોજ રાત્રીના જુદા જુદા કલાકારો લોકોને મોજ કરાવશે. આ મેળામાં કલેકટર અજય પ્રકાશની સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ મંત્રી જશાભાઈ બારડ, ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, ફીશ એસોસીએશનના લખમભાઈ ભેસલા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જે.ડી. પરમાર તેમજ અનેક મહાનુભાવો અને મોટી સંખ્‍યામાં લોકો આ ઉદઘાટન પ્રસંગે જોડાયા હતા.

(11:45 am IST)