Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પોરબંદરમાં મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે હલ્લાબોલ : કોંગ્રેસના પ૦ કાર્યકરોની અટકાયત

સુદામા ચોકમાં ધરણા યોજાયા : કલેકટર સહિત મુખ્યમંત્રીને આવેદન પત્ર

પોરબંદર, તા. ૧ર : મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર ખેડૂતોના પાક વિમા તથા માછીમારો સહિતના પ્શ્ને કચેરીએ હલ્લાબોલ કરવા જતા કોંગ્રેસના પ૦ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરીને ત્યારબાદ છોડી મૂકવામાં આવ્યા હતાં. સુદામા ચોકમાં ધરણા યોજાયા હતાં ત્યાર પછી મુખ્યમંત્રીને કલેકટર હસ્તક આવેદન મોકલી આપ્યું હતું અને પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, રામદેવભાઇ મોઢવાડીયા સહિત કોંગ્રેસ આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતાં.

કોંગ્રેસ દ્વારા આવેદનમાં મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ટ્રાફીકના કાળા કાયદાએ પ્રજામાં મચાવેલ હાહાકાર મચાવ્યો તેમ જણાવેલ છે. પ્રજાની સળગતી સમસ્યાઓ ખેડૂતોને પાક વીમો માછીમારોને વાવાઝોડામાં થયેલ નુકશાનીનું વળતર, ભૂર્ગભ ગટરના ઉભરાતા પાણી, નગરપાલિકામાં થઇ રહેલો ભ્રષ્ટાચાર અને લોકોની સુખાકારી આપવામાં નગરપાલિકાની ઉદાસીનતા દાખવે.

આવેદનમાં જણાવેલ કે, ધંધા રોજગાર ભાંગતા જાય છે. સરકારે ચૂંટણી પહેલા દર વર્ષે બે કરોડ નોકરીનું વચન આપ્યું હતું, પરંતુ આજે ૭ વર્ષમાં એક પણ નોકરી આપી શકયા નથી, પરંતુ જેની પાસે રોજગારી હતી તેની રોજગારી પણ છીનવાઇ રહી છે. આજે પોરબંદર જિલ્લામાં સેંકડો એન્જીનીયરો અને હજારોની સંખ્યામાં બેકારોની ફોજ ઉભી થઇ છે જે રોજગારીની તલાશમાં અહીંથી તહીં ભટકે છે.

અચ્છે દિન આયેગે ઓર મોંઘવારી ઘટાડીશું જેવા ચૂંટણી સ્લોગન બનાવીને પ્રજાને આવા વચનો આપીને સતા પર આવીને આપેલા વચનો ભૂલી ગયા છે. ડુંગળીથી માંડીને પેટ્રોલ સીહતના તમામ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગેસનો બાટલો ૩૦૦ રૂપિયામાંથી ૧૦૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે. તમામ રાજમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લોકોના ઘરના ચુલા સળગી ના શકે એવી હાલત ભાજપના રાજમાં થઇ છે.

નગર પાલિકામાં રોડ રસ્તાના કામમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે. શહેરના રસ્તામાં જે પેવર બ્લોક નાખવામાં આવે છે તે બ્લોક ખારા પાણીમાંથી બનાવવામાં આવે છે અને નબળી ગુણવતત્તાના નાખવામાં આવ્યા છે અને અત્યારે પણ હલકી કક્ષાના બ્લોક નાખવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીના પેવર બ્લોકના થયેલા કામોમાં અને અત્યારે થઇ રહેલા પેવર બ્લોકના કામોમાં પેવર બ્લોકની નીચેની સેન્ડ બેન્ડીંગની આઇટમ અને પેવર બ્લોકની નીચે પીસીસીની આઇટમ નહીવત કરવામાં આવી છે તેમ આવેદનપત્રમાં જણાવેલ છે.

(1:18 pm IST)