Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ક્રુઝની મજા માણવા હવે સિંગાપોર જવુ નહિ પડેઃ સૌરાષ્‍ટ્રમાં જ ક્રુઝ ટુરીઝમ વિકસાવાશે

દ્વારકા, સોમનાથ, પોરબંદરને જોડતી ક્રુઝ ટુરીઝમ સર્કિટ શરૂ થશેઃ આવતા મહિનાથી દિવ-મુંબઈ વચ્‍ચે ક્રુઝ સેવાઃ મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગરમાં ક્રુઝ ટર્મિનલો બાંધવાના ટેન્‍ડરો બહાર પડયા : ટૂંક સમયમાં હજીરા-બાંદ્રા ફેરી સર્વિસ શરૂ થશેઃ દહેજ અને મુંબઈ વચ્‍ચે પણ સેવા શરૂ કરવા તૈયારીઓઃ ગુજરાતમાં પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ અને દમણને જોડતી ક્રુઝ ટુરીસ્‍ટ સર્કિટનું પણ આયોજન

નવી દિલ્‍હી, તા. ૧૨ :. જે લોકોને ક્રુઝમાં બેસીને ફરવાનો શોખ છે તેઓનો શોખ હવે ટૂંક સમયમાં પુરો થવાનો છે. શોખ પુરો કરવા માટે તેઓએ હવે વિદેશ જવાની જરૂર નહિ પડે. ગુજરાતના દરીયા કાંઠે જ આવી ક્રુઝની સુવિધા પ્રાપ્‍ત થશે તેવુ જાણવા મળે છે. દ્વારકા, સોમનાથ, પોરબંદર જેવા પ્રવાસન કેન્‍દ્રો પર ક્રુઝની સુવિધા ઉપલબ્‍ધ બનશે.

કેન્‍દ્રીય શિપીંગ મંત્રાલયે મહારાષ્‍ટ્ર, કેરળ અને લક્ષદ્વીપ ઉપરાંત ગુજરાતને પણ ક્રુઝની સુવિધાથી સુસજ્જ કરવાનો પ્‍લાન ઘડયો હોવાનું જાણવા મળે છે. આ મંત્રાલયને પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્‍યુ છે કે મુંબઈ સ્‍થિત ક્રુઝ ઓપરેટર એન્‍ગ્રીયા ટૂંક સમયમાં ભારતના નાણાકીય કેપીટલ એટલે કે મુંબઈથી દિવ વચ્‍ચે આવતા મહિનાથી ક્રુઝ સેવા શરૂ કરવાની છે.

તેમણે જણાવ્‍યુ હતુ કે ગયા સપ્તાહે એન્‍ગ્રીયા ક્રુઝના માલિકો મુંબઈ ખાતે મને મળ્‍યા હતા અને અમોએ ક્રુઝ ટુરીઝમ વિકસાવવા અંગે વાતચીત કરી હતી. ડિસેમ્‍બરથી આ કંપનીએ મુંબઈ અને દિવ વચ્‍ચે ક્રુઝ સેવા શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી.

અત્રે એ નોંધનીય છે કે આવતા થોડા દિવસોમાં હજીરા-બાંદ્રા વચ્‍ચે ફેરી સર્વિસ શરૂ થશે. શિપીંગ મંત્રાલય દહેજ અને મુંબઈ વચ્‍ચે પણ આવી સેવા શરૂ કરવા પ્રાઈવેટ ફેરી ઓપરેટરોના સંપર્કમાં છે.

ગુજરાતમાં ક્રુઝ ટુરીસ્‍ટ સર્કિટ કે જે પોરબંદર, દ્વારકા, વેરાવળ, દીવ અને દમણને જોડે તેવો પ્‍લાન ઘડવામાં આવ્‍યો છે. અત્રે નોંધનીય છે કે ૨૦૧૨-૧૩થી દ્વારકા, સોમનાથ, પોરબંદર અને માંડવી ખાતે પ્રવાસીઓનો પ્રવાહ વધી રહ્યો છે અને ૨૦૧૫-૧૬ સુધીમાં આ ચારેય સ્‍થળો પર ૩.૪ મિલીયન પ્રવાસીઓ આવ્‍યા હતા.

દરમિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડે મુંદ્રા, માંડવી, ઓખા, વેરાવળ અને જામનગર ખાતે ક્રુઝ ટર્મિનલના બાંધકામ માટેના ટેન્‍ડરો પણ જારી કરી દીધા છે. કુલ ૫ બંદરોએ આવા ટર્મિનલો બનશે.

(4:21 pm IST)