Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

કોડીનારમાં વીમાંશી ઠકરારની હત્યાનાં વિરોધમાં હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ મોન રેલીઃ શ્રધ્ધાંજલી અર્પણ

 કોડીનાર તા.૧૨: ધનતેરસના દિવસે લોહાણા સમાજની દીકરી વિમાંશીનું અપહરણ કરી ક્રુરતાપૂર્વક કરાયેલી હત્યાના બનાવે સમગ્ર સમાજને હચમચાવી મુકયો છે અને આ હીંચકારી ઘટનાથી લોકોમાં ભારે રોષ ભભુકી રહયો હોય તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહયા છે. ત્યારે સમાજ જીવનને કલંકિત કરનારા આ હત્યાના બનાવમાં તટસ્થ તપાસ કરી સંડોવાયેલા તમામ હત્યારાઓને કડક સજા કરવાની માંગ સાથે કોડીનારના ઇતિહાસમાં પ્રથમ વખત હિન્દુ-મુસ્લિમ સમાજના તમામ ૩૩ સમાજો દ્વારા ચેમ્બર્સ ઓફ કોમર્સની સાથે મળી શુક્રવારે સવારે વિશાળ મોૈન રેલી કાઢવામાં આવી હતી અને મામલતદાર અને ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોડીનાર સમગ્ર સમાજ દ્વારા પાઠવાયેલા રોષપૂર્ણ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વિમાંશીના મૃતદેહને જોતા આ હત્યામાં રથી વધુ લોકો સંડોવાયેલા હોવાની અને આ કેસમાં અનેક રહસ્યો ગૂંથાયેલા હોવાની ચર્ચાઓ થઇ રહી હોય આ કેસમાં અલગ અલગ એન્ગલથી ઝીણવટભરી તટસ્થ તપાસ કરી સંડોવાયેલા તમામ હત્યારાઓને કડક અને દાખલારૂપ સજા કરવા માંગ કરી હાલ શહેરમાં નાની અને કુમળી માનસીકતાના બાળકોને યેનકેન પ્રકારે શિકાર બનાવતી ટોળકી સક્રિય હોય તેને ખુલ્લી પાડી અને રોમીયોગીરી કરતા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી છે. આ રેલીમાં તમામ રાજકીય અગ્રણીઓ, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો, લોકો અને તમામ વેપારીઓ એ પોતાના વેપાર રોજગાર બંધ રાખી મોટી સંખ્યામાં લોકો કોડીનારની સૌથી મોટી ઐતિહાસિક મોન રેલીમાં જોડાયા હતા.

કોડીનારમાં વીમાંશીની ક્રુર હત્યાના બનાવથી સમગ્ર સમાજના લોકો હચમચી ઉઠયા છે ત્યારે ઉનાઝાપાના મુસ્લિમ યુવાનો દ્વારા વિમાંશીને શ્રધ્ધાંજલી આપવા કાર્યક્રમ યોજાયો હતો. નાત જાત ધર્મના ભેદભાવને ભુલી માનવતાથી કોઇ મોટો ધર્મ નથીની કહેવતને સાર્થક કરતા હિંદુ બહેન વિમાંશીની આત્માની શાંતિ માટે ર મિનિટનું મોન પાળી કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ રફીકભાઇ જુણેજા, ઉપ પ્રમુખ શીવાભાઇ સોલંકી, ચેમ્બર્સ પ્રમુખ હરિભાઇ વિઠલાણી, જીશાનભાઇ નકવી સહિતના હિંદુ મુસ્લિમ સમાજના લોકો હાજર રહયા હતા.

(1:26 pm IST)