Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

જન્મથી બધા સરખા, કર્મથી વ્યકિત મહાન બનેઃ ડો.ગિરીશભાઈ શાસ્ત્રી

ભાવનગરમાં પરમાર પરિવાર આયોજીત કથાનો પ્રારંભઃ પુરૂષોતમભાઈ રૂપાલા અને સવિતાબેન રૂપાલાના હસ્તે પોથીયાત્રા : આજે સાંજે શિવવિવાહ, કાલે ગણપતિ- કાર્તિકેય પ્રાગટય, મોદક મનોરથ ઉજવાશેઃ ભાવિકોને લાભ લેવા ડો.જયેશ પરમારનો અનુરોધ

રાજકોટઃ ભાવનગર શહેરમાં જુનુ સિંધુ નગરમાં સંત પ્રભારામ હોલ ''કૈલાસધામ'' ખાતે રાજકોટ- સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ એવા ડો.જયેશ પરમાર અને ડો.ચૈતાલી જે.પરમાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે આયોજીત શિવગાથા જ્ઞાનયજ્ઞનો ગત શુક્રવારથી શુભારંભ થયો છે. આ શિવગાથા જ્ઞાનયજ્ઞના પ્રારંભ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતેથી ભવ્યાતિભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પુરૂષોતમભાઈ રૂપાલા, શ્રીમતિ સવિતાબેન પુરૂષોતમભાઈ રૂપાલા, ભાવનગરના મેયર શ્રી મોરી, જિલ્લા ભાજપના વનરાજસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો ભાવિકોની ઉપસ્થિતિમાં પોથીયાત્રા વાજતે- ગાજતે કૈલાશધામ ખાતે પહોંચી હતી.

કથાના પ્રારંભ પ્રસંગે કથાના વકતા ડો.ગિરીશભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે માણસ કર્મથી મહાન છે, સત્સંગથી તરી જવાય, અગર કોઈ કુસંગ થઈ જાય અને એક માત્ર વ્યકિત નહી પરંતુ આખા પરિવારની હાલત દયનિય બની જાય છે.

જન્મથી તો બધા એકસરખા છે પરંતુ કર્મથી માણસ મહાન છે શિવપરમતત્વન છે. શિવનો અર્થ કલ્યાણકારી છે. જીવ- શિવ એક જ છે. માણસ ત્રણ બાબતથી દુઃખી થાય છે. પ્રભાવથી, કોઈના પ્રભાવના ખોટી રીતે આવી જવાથી મુશ્કેલી પડે છે. અભાવથી, માણસ દેખાદેખીમાં પોતાને નબળો ગણે છે અને પોતાની પાસે કંઈ વસ્તુ નથી. પૈસો નથી, બંગલો નથી એવું વિચારીને અભાવથી પિડાય છે અને ત્રીજુ પ્રકૃતિ સ્વભાવથી, માણસને સ્વભાવ ઘણેઅંશે જન્મજાત હોય છે. તેનાથી પણ જીવનમાં મુશ્કેલી વેઠવી પડે છે. સત્સંગ જીવનમાં ખુબ જરૂરી છે સત્સંગથી પરિવાર અને જીવન સુખી થાય છે. સત્સંગએ હૃદયનો ખોરાક છે. સત્સંગથી પાપરૂપી મેલ ધોવાઈ જશે અને પરમત્વ મેળવી શકાય.

શાસ્ત્રીજીએ વધુમાં જણાવેલ કે સત્સંગએ ગુરૂના શરણમાંથી મળે અને સંસ્કારએ માતા- પિતા અને પરિવારમાંથી મળે છે. સંસ્કાર કોઈ બજાર કે મોલમાંથી મળતો નથી. માટે સારા જીવન માટે સત્સંગ અને સંસ્કાર જરૂરી છે.

સંગીતમયકથામાં ધ્રુવભાઈ જોષી, સાગરભાઈ રાજયગુરૂ, ભાવેશભાઈ મહેતા, સંગીતમાં કમલેશભાઈ ત્રિવેદી, જીતુભાઈ પંડ્યા, પિયુષભાઈ વ્યાસ સંગત આપી રહ્યા છે.

શિવગાથામાં આજે સોમવારે સાંજે ૫ વાગ્યાથી શિવવિવાહ, આવતીકાલે ૧૩મીના મંગળવારે ગણપતિ પ્રાગટ્ય, કાર્તિકેય પ્રાગટય મોદક મનોરથ જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે.

ભાવિકોને કથામૃતનો લાભ લેવા આયુવેદના ડો.જયેશ પરમાર (મો.૯૪૨૬૨ ૦૭૫૪૩), ડો.ચૈતાલી પરમાર તેમજ પરમાર પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

(11:52 am IST)