Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ચાલુ ગરબામાં યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

સુરેન્દ્રનગરના લખતરનું વિઠ્ઠલગઢમાં લોહિયાળ ગરબા : હુમલાખોર અને મૃતક એક સમાજના હોવાના કારણે જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા

સુરેન્દ્રનગર, તા.૧૨ : હાલમાં માના નવલા નોરતા ચાલી રહ્યા છે. રાજ્યના ખૂણે ખૂણે લોકો માની આરાધના કરી રહ્યા છે. જોકે, આ નવલા નોરતામાં સુરેન્દ્રનગરના લખતરનું વિઠ્ઠલગઢ ગામ લોહિયાળ રંગથી રંગાયું છે. માના નોરતામાં જ ખૂની ખેલ ખેલાતા હાહાકાર મચી ગયો છે. અહીંયા એક ૨૨ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. જોકે, મૃતકની હત્યા ગરબામાં થતા ચકચાર મચી જવા પામી છે.

બનાવની વિગતો એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી વિઠ્ઠલગઢ ગામ એક ખૂની ખેલનું સાક્ષી બની ગયું છે. વિઠ્ઠલગઢ ગામમાં જ્યારે ગરબા રમાઈ રહ્યા હતા. ગરબાની વચ્ચે જ ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં ૨૨ વર્ષના વિજય લોરિયાનું મોત થયું છે. ચાલુ ગરબામાં એક જ સમાજના યુવકે હુમલો કરતા વિજયનું મોત નીપજ્યું હતું જ્યારે છરીના ઘા ઝીંકનાર યુવક ફરાર થઈ ગયો છે.

હુમલાખોરે વિજયને છાતી પર છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. છરીના હુમલામાં વિજયનું મોત થતા તેના મૃતદેહને વિરમગામની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યારે ફરાર યુવકની શોધખોળ શરૂ છે ત્યારે નાનકડા એવા વિઠ્ઠલગઢ ગામે સન્નાટો મચી ગયો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ હુમલાખોર અને મૃતક એક જ સમાજના હોવાના કારણે જૂની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસે ઘટના અંગે વધુ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ હત્યાનું કારણ આરોપી ઝડપાયા પછી જ જાણી શકાશે.

(10:57 pm IST)