Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પોરબંદરનું જેના ઉપરથી નામ પડયુ તે પોરાઈ માતાજી મંદિરની જાળવણીમાં તંત્રની બેદરકારી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૨ :. પોરબંદરનું જેના ઉપરથી નામ પડયુ તે પોરાઈ માતાજી મંદિરની જાળવણીમાં તંત્રની બેદરકારી હોવાનું કોંગ્રેસ અગ્રણી દ્વારા સરકારને રજૂઆતમાં જણાવેલ છે.

ઝુંડાળા વિસ્તારના પૂર્વ સુધરાઈ સભ્ય અને સીનીયર આગેવાન માલદેભાઈ રણમલભાઈ ઓડેદરા તથા ધર્મેશ પરમાર દ્વારા સરકારને રજૂઆતમાં જણાવ્યુ છે કે, ઝુંડાળા વિસ્તારમાં જ્યાં મોટી માત્રામાં દેવીપૂજકો વસવાટ કરે છે ત્યાં ખાંડીકાઠા નજીક પોરાઈ માતાજીનું મંદિર આવેલુ છે જે રીતે દરેક શહેરનું નામ અને તેનો ઈતિહાસ પ્રાચીન હોય છે. એ જ રીતે આ શહેરનો ઈતિહાસ પણ ખૂબ જૂનો છે, ઈતિહાસવિદ્દ માને છે કે, ઈ.સ. ૯૯૦માં શ્રાવણી પૂનમના દિવસે પોરબંદરનું તોરણ બંધાયુ હોવાથી રક્ષાબંધન એ પોરબંદરનો સ્થાપના દિન છે અને અંદાજે ૨૦૦ વર્ષ કરતા વધુ જૂના આ મંદિરનો પુરતો પ્રચાર-પ્રસાર થયો નથી તેમજ વિકાસ પણ જોઈએ તેવો થયો નહી હોવાથી આ મંદિરે પ્રવાસીઓ આવતા નથી.

રજૂઆતમાં જણાવ્યુ છે કે, પોરબંદર શહેરમાં અન્ય પ્રવાસનધામનો વિકાસ જેટલા પ્રમાણમાં થયો છે. તેનો ૫ ટકા વિકાસ પણ અહીંયા આ મંદિરનો કરવામાં આવ્યો નહી હોવાથી અહીંયા મંદિર વિશેની પ્રવાસીઓને તો ઠીક પોરબંદરવાસીઓને પણ પુરતી ખબર નથી.

ઈ.સ. ૨૦૦૬ને રાજ્ય સરકારે પ્રવાસન વર્ષ તરીકે ઉજવ્યુ હતું અને તે સમયે આ મંદિરના વિકાસ માટે થોડી ઘણી રકમ વાપરી હતી પણ ત્યાર પછી કોઈ અધિકારીઓ અહીંયા ડોકાયા નથી તેથી આ મંદિરના વિકાસની વાતો માત્ર કાગળ પુરતી જ સીમીત રહી ગઈ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

અનેકવિધ જરૂરીયાત

રજૂઆતમાં માલદેભાઈ ઓડેદરાએ અને ધર્મેશ પરમારે જણાવ્યુ હતું કે આ મંદિરના પુરતા પ્રમાણમાં વિકાસ માટે તંત્રએ વ્યવસ્થિત પ્રોજેકટ હાથ ધરવો જરૂરી છે. જેમા સૌ પ્રથમ તો મંદિર સુધી પહોંચવા માટેના સાઈનબોર્ડ અને દિશાસૂચક નિશાનીઓ રસ્તા ઉપર લગાડવી જોઈએ મંદિર કમ્પાઉન્ડમાં પુરતી બેઠક વ્યવસ્થા લાઈટ વગેરે જેવી પાયાની સુવિધા આપવાની સાથોસાથ સિમેન્ટના બ્લોક પાથરીને બગીચાનો વિકાસ કરવો જોઈએ આ સ્થળ ખૂબ જ અંદરના ભાગે આવેલુ છે તેથી યાત્રાળુઓ તેનાથી અજાણ રહી જાય છે.

(1:10 pm IST)