Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામનગરના જસાપરમાં નવરાત્રિમાં આજે પણ પૌરાણિક વારસો જાળવવા સરપંચથી લઇને યુવાનો - બાળકો ભજવે છે નવરાત્રિમાં નાટક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : હાલના આધુનિક યુગમાં ભવાયા અને નાટક વિસરાતા જાય છે. ત્યારે લોકો ભાતીગળ સંસ્કૃતિથી અળગા ન થાય તે માટે જોડિયા તાલુકાના જસાપર ગામે સ્થાનિક સરપંચ સહિત યુવકો નવરાત્રી દરમિયાન ખાસ નાટકમાં પાત્ર ભજવે છે. અને ગૌસેવાના લાભાર્થે ઐતિહાસિક નાટક યોજાય છે.

છોટી કાશી ગણાતા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ જસાપર ગામે આજે પણ નવરાત્રિ દરમિયાન નાટક મારફતે પૌરાણિક વારસાને સ્થાનિક અને નવી પેઢી વચ્ચે રજૂ કરવામાં આવે છે. મેકઅપ જેવા આજના શબ્દથી પ્રચલિત નવી પેઢી અગાઉ નાટકમાં તૈયાર થવા માટે વપરાતા બોદરને ભાગ્યે જ જાણતી હશે. ત્યારે જસાપર ના સરપંચ અને નાના બાળકો થી લઈને મોટા યુવાનો આજે પણ છેલ્લા ૫૦-૬૦ વર્ષથી વડવાઓના પગલે અવનવા પૌરાણિક વાતો સાથે સંકળાયેલા નાટક નવરાત્રી દરમિયાન ભજવવામાં આવે છે. અહીં ભજવાતા નાટકમાં સ્ત્રી પાત્રો પણ પુરુષો ભજવે છે. અને જેને જોઈને લોકો પણ દંગ રહી જતાં હોય છે.જામનગરના જસાપર ગામે સરપંચ રમેશભાઈના જણાવ્યા પ્રમાણે આજે પણ ટેલિવિઝન અને સિનેમા યુગ વચ્ચે પણ જસાપર ગૌસેવા મંડળ દ્વારા પરંપરાગત નાટક ભજવવાનું ચાલુ રાખવામાં આવી રહ્યું છે. પ્રસંગોપાત અહીંના લોકો આજે પણ પૌરાણિક વારસાને જાળવી રાખવા નવી પેઢીને પણ નાટકમાં પાત્ર ભજવવા પ્રોત્સાહન આપે છે.

આ નવરાત્રિ દરમિયાન જસાપર ગામે ગૌસેવા યુવક મંડળ દ્વારા રાણા કુવર નાટક રજૂ કરાયું હતું. અને ગૌસેવાના લાભાર્થે નાટકમા ગ્રામ્યજનો અને બહાર ગામના લોકો નિહાળવા પહોંચ્યા હતા તેમના દ્વારા ગૌસેવામાં યથાશકિત દાન પણ આપવામાં આવ્યું હતું. ગામડા નિવૃત આર્મીમેન હરેશભાઈ પનારા એ જણાવ્યું હતું કે, ગાયોની સેવા માટે મનોરંજન પૂરૃં પાડી પૌરાણિક વારસાને લોકો સમક્ષ રજુ કરી આજે પણ નાટકની આ પરંપરા જામનગર જિલ્લાના જસાપર ગામે જીવંત રાખવામાં આવી છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:01 pm IST)