Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે 'જલાની જારના ચોકની ગરબી' આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી

નહીં લાઉડ સ્પીકર, નહીં સંગીતના વાજિંત્રો, માત્ર 'નોબત' ના તાલે, આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા, કેશરી અબોટિયા પહેરી પુરૂષો રાસ ગરબાની રમઝટ બોલાવે છે

(મુકુંદ બદિયાણી દ્વારા )જામનગર તા.૧૨ જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે 'જલાની જારના ચોકની ગરબી' આજ દિવસ સુધી આ ગરબીને આધુનિકતાનો સ્પર્શ થયો નથી. નહીં લાઉડ સ્પીકર, નહીં સંગીતના વાજિંત્રો, માત્ર 'નોબત' ના તાલે, પુરૃષો મારફત રમાતી આ ગરબીમાં પરંપરાગત લાલ-પીળા, કેશરી અબોટિયા પહેરી રમાતી આ ગરબી છે.

આ ગરબીમાં 'ઈશ્વર વિવાહ' શરૃ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર ૦૩-૩૦ કલાક સુધી સતત ગાવામાં અને રમવામાં આવે છે. આ ગરબીમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત મા નવ દુર્ગાના પૂતળા સદીઓ પૂરાણા છે. આ ગરબી આજથી ૩ર૯ વર્ષ જુની ગરબી છે. જેમાં શરૃઆતથી આજ દિવસ સુધી પૂરાણી પરંપરા જાળવી રાખવામાં આવી છે.

આજે આસો સુદ સાતમ, રાત્રિના ૧ર.૩૦ વાગ્યે, આધ્યકવિ દેવીદાસ રચિત 'ઈશ્વર વિવાહ' રમાશે. સાંભળનાર શ્રોતાજનો તેનો સાર સમજી શકે તે માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે. આ 'ઈશ્વર વિવાહ' જોવો અને ગાવો એ એક સ્મરણીય લ્હાવો છે. (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(1:29 pm IST)