Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાજકોટ જેતપુર બાદ ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ કેસરીયા માહોલની સંભાવનાઃ કાલે ચુંટણી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૨, સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતાં ગોંડલ  માર્કેટ યાર્ડની તા.૧૩ બુધવાર નાં ચુંટણી યોજાનાર છે. ત્યારે રાજકોટ જેતપુર ની માફક ગોંડલ યાર્ડમાં પણ પુર્ણ બહુમત સાથે ફરી ભગવો લહેરાય તેવાં સમીકરણ સ્પષ્ટ બન્યા છે.

યાર્ડ ની ચુંટણી માં વેપારી વિભાગના ચાર, ખરીદ વેચાણ સંઘનાં બે મળી છ ડીરેકટરો અગાઉ બીનહરીફ થઇ ચુક્યાં છે.આ તમામ ભાજપ પ્રેરીત ઉમેદવાર હતાં.કોંગ્રેસ નું હજુ ખાતુ પણ ખુલ્યુ નથી.

ગોંડલ યાર્ડ પ્રગતીશીલ ગણાય છે. ગુજરાતનાં કુલ ૨૩૦ માર્કેટ યાર્ડમાં આવકની દ્રષ્ટીએ ગોંડલ યાર્ડ બીજા ક્રમનું ગણાય છે. ખાસ કરીને પાછલાં વર્ષોમાં વિકાસની હરણફાળ સતાધીસો માટે પ્લસ પોઈન્ટ છે.ભાજપ મોવડી જયરાજસિંહ જાડેજા નાં સીધાં માર્ગદર્ર્શન હેઠળ ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા ની જુગલ જોડી  છેલ્લા અઢી વર્ષમાં અનેક આયામો રચી યાર્ડને અવ્વલ નંબર પર પંહોચતું કરવાં માં સફળ રહ્યા છે.મરચાં માટે ગોંડલ ગૃહીણીઓમાં હોટ ફેવરીટ છે. ત્યાંરે વર્તમાન સતાધીસો દ્વારા રૂ.પાંત્રીસ કરોડનાં ખર્ચે ચોત્રીસ વિઘા જમીન ખરીદી અદ્યતન મસાલા માર્કેટનું નિર્માણ કરાયું છે. જમીન સંપાદન કેસ માં રૂ.પંદર કરોડ જેવી રકમ ખેડુતો ને ચુકવી આપી  પારદર્શક અને મક્કમ વહીવટનો નજારો દાખવ્યો છે. માર્કેટ ફી વસુલાત મા યાર્ડનાં ઇતિહાસમાં પ્રથમ વાર રૂા૨૨.૫૫ કરોડની આવક થવાં પામી છે.વેપારીઓ માટે રેસ્ટ હાઉસમાં નવાં રુમ સાથે સુવિધામાં વધારો, માત્ર રૂ.૩૦માં ખેડૂતોને ભરપેટ ભોજન માટેનું ભોજનાલય સહીત અનેક દર્શનીય કાર્યો ગોપાલભાઇ શિંગાળા અને કનકસિંહ જાડેજાની  આગવી સુઝ અને મહેનતનું પરીણામ ગણી શકાય ત્યારે તા.૧૩નાં યોજાનાર ચુંટણી માં ભાજપ સંપુર્ણ બહુમત મેળવી સતા જાળવી રાખે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

(11:11 am IST)