Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નોરતા અંતિમ ચરણમાં : કાલે હવનાષ્ટમીની ઉજવણી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાચીન રાસ-ગરબાની રમઝટ

રાજકોટ,તા. ૧૨ : નવલા નોરતા હવે વિરામ તરફ જઇ રહ્યા છે આજે સાતમુ નોરતુ છે. આવતીકાલે બુધવારે હવનાષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે હવનાષ્ટમી નિમિતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

દરરોજ રાત્રીના બાળાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવે છે અને પ્રાચીન ગરબીની જમાવટ થઇ રહી છે.

કાલે આસો સુદ આઠમને તારીખ ૧૩ને બુધવારે હવાનાષ્ટમી છે. આ દિવસે દુર્ગાષ્ટમી, મહાષ્ટમી તથા સરસ્વતી પૂજનનો દિવસ પણ છે. નવરાત્રિમાં આઠમા નોરતે હવનનું મહત્વ ખૂબ વધારે હોય છે. ઉપરાંત આ દિવસે સરસ્વતી પુજાનું પણ મહત્વ છે. વિદ્યા તથા ભાગ્યબળ મેળવવા સરસ્વતી માતાનું પૂજન કરવું તથા પુજા-ઉપાસના કરવાથી વિદ્યાબળ તથા સમાજશકિતમાં વધારો થાય છે. જીવનની બાધાઓ દૂર થાય છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : ખંભલાવ માતાજી મંદિર ટ્રસ્ટ હડિયાણા દ્વારા નવલી નવરાત્રીના અંતિમ ચરણમાં તારીખ ૧૩ ઓકટોબરને બુધવારે હવનાષ્ટમીના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે તો આ ઉપરાંત ભાવિકો ઘર બેઠા જ દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટી મંડળે ઓનલાઇન દર્શન માટેનો પણ આયોજન કરવામાં આવેલ હોય દર્શનનો લાભ લેવા ખંભલાવ માતાજી મંદિર ટ્રસ્ટ હડિયાણાની યાદીમાં જણાવાયું છે.

(10:59 am IST)