Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દેશ દેવીમાં આશાપુરા માતાના મઢ કચ્છ ખાતે આજે રાત્રે ભવ્ય હોમાદિક ક્રિયા થશેઃ કાલે તા.૧૩ના કચ્છ રાજવી પરિવારમાં આશાપુરાને જાતર (પતરી) ચડાવશે

સરકારશ્રીના નિયમોનુસાર મુખ્ય પુજારી, સેવક ગણ, બ્રાહ્મણો દ્વારા સાદગીપૂર્વક હોમાદિક ક્રિયા રાજા બાવાશ્રી યોગેન્દ્ર સિંહજી અધ્યક્ષ સ્થાને સાદગીપૂર્વક યોજાશે : કચ્છ રાજવી પરિવારમાં સૌ પ્રથમ વખત મહારાજાશ્રીને બદલે મહારાણી દ્વારા ચામર પત્રી વિધિ થશે

રાજકોટ, તા.૧૨: ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુર શકિત પીઠ ખાતે આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આશાપુરાનું ૧૯મી સદીનું ભવ્ય તીર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાઇકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસ સાથે ચરણ સ્પર્શ કરવા આવે છે. ભારતની ૧૦૮ શકિત પીઠોમાં માતાના મઢની ગણના થાય છે. માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર ૫૮ ફુટ લાંબુ અને ૩૨ ફુટ પહોળુ છે. માં આશાપુરા વિશાળ કદની ૬ ફુટની મૂતિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે. આસો સુદ-૭ મંગળવાર, તા.૧૨-૧૦-૨૦૨૧ના રાત્રીના ૯.૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોથી હોમાદિક ક્રિયામાં આકૃતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્લોક, સંક્રતિપાઠ, માંના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્યરાત્રીએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના ૧:૩૦ કલાકે શ્રીફળ હોમશે. સમગ્ર વાતાવરણમાં આશાપુરાના નાદ સાથે ગુંી ઉઠશે.

જયારે તા.૧૩-૧૦-૨૦૨૧, બુધવાર આસો સુદ આઠમના કચ્છ રાજવી પરિવારના મહારાણી સાહેબા પ્રિતીદેવી( કચ્છ ભાયાતો દ્વારા સવારે માં આશાપુરાને જાતર (પતરી) ચડાવશે. (જે ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત હશે) કચ્છ રાજવી ચાચરા કુંડથી સામૈયા સાથે સવારી આવે છે. ત્યારે શરણવાદક આમદ ઓસમણ લંગા, નોબતવાદક લતીફ હાસમ લંગા, જાગરીયા ડાક મુસ્લીમ પરિવાર દ્વારા વિધિ કરવામાં આવે છે. આ સમયે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. માં આશાપુરા મંદિરમાં ભુવાશ્રી દિલુભા ચૌહાણ તથા મનુભા ચૌહાણ માતાજીને ધુપ સેવાપુજા કરે છે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર હનુમાનજી, ગણેશજી, શંકર-પાર્વતી, ખેતરપાળ દાદા તેમજ ચાચર કુંડ પાસે માં ચાચરા ભવાની માતાજીનું મંદિર આવેલ છે. માં આશાપુરા મંદિર પાસે માં હિંગળાજ માંનું ભવ્ય મંદિર આવેલ છે. ત્યા પ્રકાશભાઇ છોટાલાલ પંૈડયા છેલ્લા ત્રણ પેઢીથી માતાજીની આરતી તેમજ સેવાપુજા કરે છે. તથા સ્થાનિક કક્ષાએ મયુરસિંહ જાડેજા સેવા આપે છે. આરતીનો સમય સવારના ૫ કલાકે મંગળા આરતી. સવારે ૯ કલાકે ધૂપ આરતી, તેમજ સુર્યાસ્ત સમય મુજબ સંધ્યા આરતી થાય છે. માતાના મઢ જાથીર ટ્રસ્ટ સરકારશ્રીના નિયમોનુસાર સમગ્ર હોમાદિક ક્રિયા કરવામાં આવશે. રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી માં આશાપુરાને વંદનપૂર્વક પ્રાર્થના કરી કોરોનાના ભયંકર રોગથી દેશવાસીઓને મુકિત મળે તેવી વંદનપૂર્વક પ્રાર્થના કરશે. (કચ્છ રાજવી પરિવારમાં ઐતિહાસિક ઘટના છે કે વર્ષોથી ચાલી આવતી ચામર પત્રી વિધિ આ વખતે મહીલા દ્વારા થશે. આ વિધિ તા.૧૩-૧૦-૨૦૨૧ બુધવારે સવારે કચ્છ રાજવી પરિવારના મહારાણી સાહેબા પ્રિતિદેવી જાડેજાની ઉપસ્થિતીમાં યોજાશે) સરકારશ્રીના નિયમોનું દરેક ભાવિકજનોએ પાલન કરવાનું રહેશે માં આશાપુરાના દર્શનમાત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે તેમ માઇ ભકત વિનોદભાઇ આર પોપટ (મો.નં.૯૯૭૯૯-૦૭૨૧૮) ની યાદીમાં જણાવ્યુ છે.

(10:09 am IST)