Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ઓનલાઈન ટી શર્ટ ખરીદ્યું અને ફોન આવ્યો 'તમે ડ્રોમાં એસયુવી જીત્યા છો' ૯૧ હજાર ગુમાવ્યા

કચ્છના યુવાનને કોલકતાથી ફોન આવ્યો અને સંજય ગુપ્તા નામના વ્યકિતએ વિશ્વાસમાં લઈને છેતર્યો : ઓનલાઈન ટી શર્ટ ખરીદીની તમામ વિગતો મેળવીને ભેજાબાજોએ ફોન કર્યો પોતાના આધારકાર્ડ અને બેંક પાસબુકના ફોટા મોકલીને વિશ્વાસમાં લીધા અને પછી ડ્રોમાં જીત્યા હોવાના નામે ૯૧ હજાર પડાવી લીધા..

મુંબઇ,તા. ૧૨: આજકાલ ઓનલાઈન છેતરપીંડીના કેસ ખૂબ જ વધ્યા છે. આવા ઘણાં કેસમાં મોટાભાગે લોકોને ફ્રીમાં ઈનામ લાગ્યું હોવાનું કહીને લોકોને છેતરવામાં આવતાં હોય છે. આજકાલ તો વોટ્સએપ જેવી મેસેજિંગ એપ પર પણ આવી દ્યણી લિંક ફરતી હોય છે જેમાં ફોર્મ ભરવાથી કે થોડા સરળ સવાલોના જવાબ આપવાથી કાર જેવા ઈનામની જાહેરાત કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ ટાટા મોટર્સના નામે સર્વેમાં ભાગ લઈને સવાલોના જવાબ આપી નેકસોન જીતવાના દાવા સાથેની લિંક વાયરલ થઈ હતી. જેમાં છેલ્લે ટાટા મોટર્સે ચોખવટ કરી હતી કે તેમણે આવી કોઈ પ્રમોશન સ્કિમ જાહેર કરી નથી.

ત્યારે આવો જ એક કિસ્સો કચ્છના ગાંધીધામ નજીક આદિપુરમાં રહેતા યુવાન સાથે બન્યો જયારે તેણે ઓનલાઈન ખરીદેલું ટીશર્ટ ઘણુ મોંઘુ પડ્યું હતું. મહિના અગાઉ કરેલી ખરીદીની માહિતીના આધારે ભેજાબાજોએ ડ્રોમાં એસયુવી જેવી મોંઘી કાર લાગી હોવાનો ફોન કર્યો હતો પછી કાર મેળવવા ફોર્માલિટીના નામે જુદા જુદા બહાને કુલ ૯૧ હજારથી વધુની રકમ યુવાન પાસેથી પડાવી લીધી હતી. બનાવની મળતી વિગત મુજબ ૨૭ સપ્ટેમ્બરના ખાનગી નોકરી કરતા ખોડુભાઈ ખાખસીયાને વેસ્ટ બંગાલના કોલકતાથીસંજય ગુપ્તા તરીકે પોતાને ઓળખાવાતા એક વ્યકિતનો ફોન આવ્યો અને કહ્યું કે તમે થોડા દિવસ અગાઉ કલબ શોપમાંથી ટીશર્ટની ખરીદી કરી હતી. તેનો ડ્રો થયો અને તેમાં તમને મહેંદ્રા એસયુવી કાર લાગી છે. જે અંગે યુવાને પુછપરછ કરતા તેની સાબીતી માટે તેમણે ટીશર્ટ ખરીદીની તમામ માહિતી આરોપીને મોકલી આપી. જેથી બાબત સાચી હોવાનું લાગતાં તેમણે આગળ વાત કરી તો આરોપીએ આ પ્રક્રિયામાં ૬૫૦૦ જેટલો પ્રારંભિક ચાર્જ લાગતો હોવાનું કહીને તે જમા કરાવવા કહ્યું હતું.

વેસ્ટ બંગાલના કોલકતાના મની બાલા મંડલના ખાતામાં આ રકમ જમા કરાવાઈ પછી આરોપીઓએ કહ્યું કે ૩૩ હજાર જેટલો અન્ય એક ચાર્જ પણ ભરવો પડશે. જે ભર્યા બાદ ફરિયાદીના ખાતામાં એસયુવીના કિંમત જેટલા રુ. ૧૬ લાખ ટ્રાન્સફર ન થતા હોવાનો લેપટોપનો ફોટો પાડીને મોકલી આપ્યો. જે બાદ એમ્પલોઈ કાર્ડના નામે વધુ ૩૩,૩૨૦ હજારની રકમ માંગવામાં આવી. ફરી ફરિયાદી પક્ષે શક જતા પૂછપરછ કરીતો આરોપીએ પોતાનું આધાર કાર્ડ, એમ્પલ્યોઈ કાર્ડ જેવી માહિતીઓ શેર કરીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ તે રકમ પણ ખાતામાં જમા કરાવી તો હવે ઓનલાઈન ગુનાખોરોએ કહ્યું કે ઈન્ટરસીટી ચાર્જ લાગતો હોય છે, જે આમ તો ૫૮૭૦૦ છે, પણ તમે અડધા ભરી દયો તો અડધુ મોકલી આપીયે. જે અનુસાર અડધુ કર્યા બાદ 'પ્રોસેસ થતી નથી'એમ કહીને બાકીની રકમ પણ ભરવાનું કહેતા તે રકમ પણ ભરવામાં આવી હતી.

આટલુ થયા બાદ હવે આરોપીઓએ 'તમારૂ ખાતુ મેઈન્ટેન નથી થતું, જેથી મેઈન્ટેંનસ માટે ૯૧,૩૦૦ બેંક ખાતામાં જમા કરાવો, જે અમને મોકલવાની જરૂર નથી. તેવું કહેવાતા ફરિયાદી પક્ષ ચોંકયો હતો અને સાયબર ક્રાઈમમાં આ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી હતી. જેની ફરિયાદ દાખલ કરાવવાની પ્રક્રિયા હાલ અંજાર પોલીસ મથકથી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોતાની પરસેવાની કમાણીમાંથી મોટી રકમ ગુમાવનાર પરિવાર માટે આ કોઇ દુસ્વપ્ન જેવી પરિસ્થિતિ બની રહી છે.

ત્યારે આવી ઓનલાઈન છેતરપિંડીની સતત ઘટનાઓ બની રહી છે. ગુનેગારો દર વખતે નવી નવી મોડસ ઓપરેન્ડી સાથે આગળ આવે છે. તેવામાં આપણી કાયદા વ્યવસ્થાઓને વધુ કડક કરવાની સાથે જનજાગૃતિ માટે અભિયાન છેડવાની પણ જરૂર છે, આ સાથે આવી દ્યટનાઓમાંથી બોધ લઈને પોતાની સાથે આવું ન બને તે માટે લોકોએ જાગૃતતા કેળવવાની જરુર છે. એટલું ઓછું હોય તેમ ઓનલાઈન છેતરપિંડી કરનારા પરિવારના કોઈ વ્યકિત કે મોટા અધિકારીના નામે ખોટા એકાઉન્ટ બનાવીને પણ મેસેજ કરતાં હોય છે અને લોકોને લૂંટતા હોય છે.

(9:47 am IST)