Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

સ્વ. સી.કે. ચૌહાણને નિવૃત ગેઝેટેડ પોલીસ અધિકારીઓની ભાવાંજલિ

રાજકોટ, તા. ૧ર : જન્મ તેનું મરણ એ સૃષ્ટિનો અનાદી કાળનો ઘટનાક્રમ છે , પરંતુ સમાજ જીવનમાં કેટલીક ચીર વિદાય કુટુંબીઓ, સ્નેહીજનો અને મિત્ર વર્તુળોને ઉંડા આઘાતમાં ધકેલી દે છે. નિવૃત ગેઝેટેડ પોલીસ ઓફીસર એશોસીએશને સ્વર્ગસ્થ સી.કે. ચૌહાણને ભાવાંજલિ અર્પી છે.

શ્રી ચંદ્રસિંહ કેસરસિંહ ચૌહાણ જેને બધા 'શ્રી સી.કે. ચૌહાણ સાહેબ' ના નામે ઓળખીએ છીએ તે વ્યકિતના નામ આગળ 'સ્વર્ગસ્થ' શબ્દ બોલતા, સાંભળતા ઘણી પીડા અનુભવાય છે.

સ્વ. શ્રી સી.કે. ચૌહાણનો જન્મ તા. ર૪-૦૩-૧૯૪૦ના દિવસે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના નવાવાસ રાજપુર ગામે થયેલો. તેઓશ્રીએ છેલ્લા પપ વર્ષથી વધુ સમયથી રાજકોટને પોતાની 'કર્મભૂમિ' બનાવેલી.

સને ૧૯૬૩ જાન્યુઆરીમાં તેઓશ્રી રાજકોટમાં પોલીસ ખાતામાં ડાયરેકટ હેડ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામેલ અને માત્ર ત્રણ જ વર્ષ બાદ જાન્યુ. ૧૯૬૬ની સાલમાં પો. સબ ઇન્સ્પેકટર તરીકે નિમણૂંક મેળવી પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી.

તેઓશ્રીએ રાજકોટ શહેરની ટ્રાફીક શાખામાં ખૂબ લાંબો સમય સમયાંતરે વિવિધ હોદ્દાઓ જેમાં હેડ કોન્સ્ટેબલ, પો. સબ ઇન્સ્પેકટર અને પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી  જે તે સમયે રાજકોટ શહેર ટ્રાફીક શાખાને એક વ્યવસ્થિત સ્વરૂપ આપેલું અને કાબીલેદાદ સફળતા મેળવેલી. તેઓશ્રીએ ટ્રાફિક પોલીસ અધિકારી તરીકે મુંબઇમાં રોડ સેફટી અંગેની વિશેષ તાલીમ પણ મેળવેલી અને તેના ફળ સ્વરૂપે તે સમયે રાજકોટ શહેરમાં ટ્રાફીક બ્રિગેડની રચના કરાયેલી. સ્ટેટ ટ્રાફીક બ્રાંચમાં પણ લાંબો સમય ફરજ બજાવી શ્રેષ્ઠ કામગીરી કરેલી.

પોલીસ ખાતામાં શિસ્ત અને સમય પાબંદીનો આગ્રહ રાખી ખાતાના અધિકારીઓ અને સ્ટાફનો ખૂબ પ્રેમ સંપાદન કરેલ અને સાથોસાથ ટ્રાફીક કામગીરી કે જે સીધી રીતે લોકસંપર્ક સાથે જોડાયેલી હોય છે. તેમાં રાજકોટની પ્રજાના તમામ વર્ગમાં વિશાળ ચાહક વર્ગ ઉભો કરેલ અને આપની એક અતૂટ છાપ છોડેલી છે. તેમની નિવૃતિના ર૧ વર્ષ બાદ પણ પોલીસ સ્ટાફ અને રાજકોટના પ્રજાજનો તેમને યાદ કરતા રહેલ છે.

રાજકોટ શહેર ઉપરાંત તેઓશ્રીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓ, અમદાવાદ શહેરના કારંજ પો.સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ઉત્તમ કામગીરી કરી આગવી ઓળખ ઉભી કરેલ. ડી.વાય.એસ.પી.તરીકે પ્રમોશન મેળવ્યા બાદ જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં ડી.વાય.એસ.પી.તરીકે લાંબો સમય ફરજ બજાવી વેરાવળ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફરજ દરમિયાન ઘણાં પડકારરૂપ બનાવોને પોતાની આગવી સુઝ અને આવડતનો પરીચય કરાવી ત્યાં પણ એક અતૂટ છાપ ઉભી કરેલી અને વય મર્યાદાના કારણે તા.૩૧-૩-૧૯૯૮માં નિવૃત થયેલ.

નિવૃતિ બાદ રાજકોટને વતન બનાવી અત્રે સ્થાયી થઇ વિવિધ પ્રવૃતિઓથી પ્રજા સાથેનો સતત સંપર્ક જાળવી રાખી વિશાળ મિત્ર વર્તુળ અને ચાહક વર્ગ ઉભો કરેલ હતો. રાજકોટમાં સ્થપાયેલ ''રીટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર્સ એસોસીએશન''ની સ્થાપનાથી લઇ આજપર્યત સક્રિય કારોબારી સભ્ય તરીકે અને વડીલ તરીકે માર્ગદર્શન પુરૃં પાડેલ હતું.

''રીટાયર્ડ ગેઝેટેડ પોલીસ ઓફિસર્સ એસોસીએશન'' રાજકોટના તમામ હોદ્દેદારો, સભ્યો તેઓશ્રીની ચીર વિદાયથી અત્યંત દુઃખ અને આઘાતની લાગણી અનુભવે છે તેઓશ્રીએ કર્મનિષ્ઠ પોલીસ અધિકારી તરીકે મીલનસાર વ્યકિત અને ઉમદા મિત્ર તરીકે ખુમારી ભર્યુ જીવન વ્યતીત કરેલ છે તે સદાય યાદ રહેશે.

પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તેમનો આત્મા જયાં હોય ત્યાં પરમ શાંતિ પામે અને તેમના પરિવાર પર આવી પડેલ આ કારમો આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના ઓફીસર્સ એશોસીએશનના પ્રમુખ સી.પી.દલાલ કારોબારી કમીટી ત્થા સર્વે સભ્યશ્રીઓએ ભાવપૂર્ણ ભાવાંજલિ શ્રદ્ધાંજલી અને શબ્દાંજલી અર્પણ કરી છે.

(1:02 pm IST)