Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

૧પ નવેમ્‍બરથી કેશોદ-અમદાવાદ વચ્‍ચે ફ્લાઇટ શરૂ થશેઃ ૧૮ વર્ષ બાદ અેરપોર્ટ ધમધમતુ થશે

રાજકોટ: શિયાળામાં સોમનાથ મહાદેવના દર્શન કરવા હોય કે એશિયાટિક સિંહોના ઘર ગીર જવું હોય હવે પહેલા જેટલો સમય મુસાફરીમાં નહીં જાય. 18 વર્ષ બાદ જૂનાગઢ જિલ્લાનું કેશોદ એરપોર્ટ ધમધમતું થશે. હૈદરાબાદની નાનકડી ફ્લાઈટ બ્રાંડ ટર્બો મેગા એરવેઝ (ત્રુજેટ) કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવાની છે. જૂનાગઢના છેલ્લા નવાબ મોહબ્બતખાનજી ત્રીજાએ પોતાના અંગત વપરાશ માટે કેશોદ એરપોર્ટ શરૂ કર્યું હતું. એરપોર્ટ પરથી માત્ર જેટ એરવેઝનું 42 સીટર એરક્રાફ્ટ મુંબઈ સુધી સેવા આપતું હતું, પરંતુ જેટ એરવેઝે વર્ષ 2000માં સર્વિસ બંધ કરી દીધી.

15 નવેમ્બરથી કેશોદ-અમદાવાદ વચ્ચે ફ્લાઈટ

કેશોદ એરપોર્ટના ડિરેક્ટર એસ. કે. સરણે જણાવ્યું કે, “15 નવેમ્બરથી ત્રુજેટ કેશોદથી અમદાવાદ વચ્ચે ફ્લાઈટ શરૂ કરવાની છે. અમે રિજનલ કનેક્ટિવીટિ સ્કીમ (RCS) અંતર્ગત એરપોર્ટ પર સેવાઓ શરૂ કરી છે.” ઓપરેટર 72 સીટર એરક્રાફ્ટ શરૂ કરવાનો વિચાર કરી રહ્યા છે.

કેશોદથી 65 કિમી છે સાસણ ગીર

એશિયાટિક સિંહોના ઘર સાસણ ગીરમાં શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સાસણ ગીર કેશોદથી 65 કિલોમીટર દૂર આવેલું છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ અમદાવાદથી ગીરની 8 કલાકની રોડ મુસાફરી ટાળવા માટે રાજકોટ કે દીવ સુધીની ફ્લાઈટમાં આવે છે.

14 ઓક્ટોબરે સુરક્ષા ચકાસણી થશે

એસ. કે. સરણે કહ્યું કે, “એક અઠવાડિયામાં ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી કોમર્શિયલ ફ્લાઈટને ઉડાણ માટે મંજૂરી મળી જશે. 14 ઓક્ટોબરે બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) અન્ય એજન્સીઓ સાથે એરપોર્ટની સુરક્ષાનું નિરીક્ષણ કરવા માટે આવશે. USમાં થયેલા 9/11ના હુમલા પછી કેશોદ એરપોર્ટ પર પણ નવા સુરક્ષા નિયમો લાગુ કરવામાં આવ્યા. વિઝિટર રૂમ એરિયા બમણા કરાયા છે અને અરાઈવલ તેમજ ડિપાર્ચર વિંગ અલગ કરી દેવામાં આવ્યા છે.

(6:10 pm IST)