Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકતા રથયાત્રાના આયોજન માટે બેઠક યોજાઇ

બીજા તબકકાની યાત્રાની તારીખ ફરીઃ કલેકટરે અધિકારીઓને વાકેફ કર્યા

દેવભુમિ દ્વારકા, તા.૧૨: ભારતના પનોતા પુત્ર અને એકતા-અખંડીતતાના શિલ્પી સરદાર  યથોચિત ભાવાંજલી આપવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્વભાઇ મોદી સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ ફુટની ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી ૩૧-૧૦-૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. જે અંતર્ગત નાગરીકોમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના જાગે તે હેતુ થી સમગ્ર રાજયમાં એકતા યાત્રા નિકળવાની છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ તા.૨૦-૧૦-૨૦૧૮ થી તા.૨૯-૧૦-૨૦૧૮ સુધી ખંભાળીયા અને ભાવવડ તાલુકામાં તથા દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં તા.૧૯-૧૧-૨૦૧૮ થી તા.૨૪-૧૧-૨૦૧૮ સુધી એકતા રથ યાત્રા નિકળવાની છે.

આયોજન બેઠકમાં કલેકટર જે.આર.ડોડીયાએ  અધિકારી કર્મચારીઓને સુપ્રત કરેલ કામગીરી વ્યવસ્થિત અને સુચારૂ રીતે કરવા સુચનાઓ આપી હતી. દરેક ગામે ગામ રથ યાત્રાની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા, રથનું સ્વાગત થાય. લોકોને જાણ થાય તેમજ રથ યાત્રામાં જોડાય તેવું આયોજન કરવા જે તે ખાતાના અધિકારશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપેલ હતું. તેમજ વધુમાં જણાવ્યું કે, પ્રથમ દિવસે આ રથનું પ્રસ્થાન ખંભાળીયા તાલુકાના બેહ ગામેથી કરવામાં આવશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાધેલાએ જણાવ્યું હતું કે, આ રથ યાત્રામાં આંતર શાળાકીય રમતનું આયોજન કરવામાં આવશે તેમાં પ્રથમ નંબરને ૧૦૦૦ રૂ, બીજા નંબરને ૬૦૦રૂ અને ત્રીજા નંબરને ૪૦૦ તથા કોલેજ આંતર રમતમાં પ્રથમ નં.૫૦૦૦, બીજા નં.૩૦૦૦ અને ત્રીજા નં.૨૦૦૦ રૂપિયા પુરસ્કાર ચુકવવામાં આવશે. 

બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ, અધિક કલેકટર વી.પી.પટેલ, પ્રાંત અધિકારી જાડેજા અને જોશી, એ.આર.ટી.ઓ.અધિકારી મહેરા, પ્રાથમિક શિક્ષણ અધિકારશ્રી વાઢેર, ખંભાળીયા ટી.ડી.ઓ.શ્રી તથા જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ/પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

અગાઉ બીજા તબકકાની એકતા રથ યાત્રાની તારીખ ૧૬-૧૧-૨૦૧૮થી તા.૨૧-૧૧-૨૦૧૮ સુધી દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા અને કલ્યાણપુર યોજાનાર હતો. જે હવે તા.૧૯-૧૧-૨૦૧૮ થી તા.૨૪-૧૧-૨૦૧૮ સુધી યોજાશે. તેમ નિવાસી અધિક કલેકટર દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.(૨૨.૩)

 

(12:09 pm IST)